ઓસ્ટ્રેલીયા માં વસતી ભારતીય મૂળ ની પ્રજા માં મુખ્યત્વે બાર જુદી જુદી ભાષા બોલતા સમુદાય છે. જેમાં ગુજરાતી ઉપરાંત હિન્દી, કન્નડ , પંજાબી, અને તમિલ ભાષાઓ નો સમાવેશ થાય છે. અને આ પાંચે ભાષા માં SBS રેડીઓ ઉપર થી પ્રસારણ થાય છે.
ઓસ્ટ્રેલિયા ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતી ભાષા બોલનાર લોકો ની સંખ્યા છેલ્લા આઠ વર્ષ માં મહત્વ સૂચક રીતે વધી છે. વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૬ના ગાળા માં ગુજરાતી ભાષી ઓ ની સંખ્યા માં ૧૧૬% નો વધારો જોવા મળ્યો છે.
ગુજરાતી બોલતી આ પ્રજા અનેક જુદા જુદા ધર્મ પાળે છે. મોટા ભાગ ના હિંદુ છે ,કેટલાક જૈન તો કેટલાક પારસી અને કેટલાક મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ પાળનારા પણ છે.
આગમન અને વસાહત
ઈ.સ. ૧૯૫૦ થી ગુજરાતીઓ એ ઓસ્ટ્રેલીયા આવવાનું શરૂ કર્યું. એ શરૂઆત ના આગંતુકો મોટે ભાગે વેપારીઓ હતા. ૧૯૪૬ માં શ્રી સી.એચ. પટેલ ત્યારબાદ કેટલાક કાપડ ના વ્યાપારીઓ અને પછી વિજેન્દ્ર અને મહેશ કાપડિયા નામે બે ભાઈઓ ૧૯૪૯ માં આવ્યા હોવા નું નોંધાયું છે. આજ સમય ગાળા માં વ્યાપારી શ્રી ઋષિ શેઠ પણ આવ્યા હતા.
ચાલીસ અને પચાસ નાં દાયકા માં શ્વેત પ્રજા ને જ ઓસ્ટ્રેલીયા માં સ્થાયી થવાની પરવાનગી મળતી તેથી ગુજરાતીઓ એ જમાના માં હંગામી વિસા ઉપર આવતા. સાઇઠ ના દાયકા ને અંતે white Australia Policy પડતી મુકવા માં આવી પછી ગુજરાતીઓ ઓસ્ટ્રેલીયા નાં કાયમી રેહવાસી બની શક્યા.
માર્યાદિત પ્રમાણ માં અશ્વેત પ્રજા ને પ્રવેશ આપવાની નીતિ નો અંત આવવાથી વધુ પ્રમાણ માં તબીબો, શિક્ષકો, નિપુણ કારીગરો અને બીજા ધંધાદારી ગુજરાતીઓ એ ઓસ્ટ્રેલીયા માં વસવાટ કરવાનું પસંદ કર્યું.
અફ્રિકા ના દેશો માં થી અને ફીજિ માં રાજકીય ઉથલ પાથલ ને પગલે ત્યાં વસતા ગુજરાતીઓ અહીં આવી ને વસ્યા.
ઈ.સ. ૧૯૭૦ ની શરૂઆત માં યુગાન્ડા ના સરમુખત્યાર ઈદી અમીન એ એશિયન પ્રજા ને પોતાના દેશ માં થી હાંકી કાઢ્યા જેમાં અનેક ગુજરાતીઓ નો સમાવેશ હતો. આ ગુજરાતીઓ એ ઓસ્ટ્રેલીયા ઉપરાંત બ્રિટન અને કેનેડા માં સ્થાયી થવાનું પસંદ કર્યું.
વર્ષ ૨૦૦૫-૨૦૦૬ માં બ્રિટન અને ન્યુ ઝીલેન્ડ પછી ત્રીજા નંબરે ચીન અને ચોથા સ્થાને ભારત થી આવતા હિજરતીઓ નોંધાયા છે. જયારે ઓસ્ટ્રેલીયા ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ ની સંખ્યા માં સૌ પ્રથમ સ્થાને ચીન તો બીજા સ્થાને ભારતીય વિદ્યાર્થીઓ આવે છે. આ ભારતીય વિદ્યાર્થીઓ મોટે ભાગે પંજાબ અને ગુજરાત ના છે.