14મી ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 50 જેટલા ભારતીય સૈનિકોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ તેમના પરિવારજનોને આર્થિક સહાય મળી રહે તે માટે ભારત કે વીર નામનું ફંડ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ, તેમાં કેટલીક મુશ્કેલી પડતા અમેરિકા સ્થિત ભારતીય વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી તે કેમ્પેઇનને આગળ વધાર્યું અને ટૂંક જ સમયમાં લગભગ 1 મિલિયન અમેરિકન ડોલર જેટલી રકમ ભેગી કરી દીધી હતી.આજે 26મી જુલાઇને ભારત ‘વિજય દિવસ’ તરીકે યાદ કરે છે ત્યારે વિવેક પટેલે ભારતીય જવાનોના પરિવારજનોને સહાયતા કરવામાં સફળ રહેલા કેમ્પેઇન વિશે વિસ્તારથી વાત કરી હતી.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય સૈન્ય પર થયેલા આત્મઘાતી હુમલામાં લગભગ 50 જેટલા જવાનોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ ભારત સરકાર દ્વારા ભારત કે વીર નામનું કેમ્પેઇન ચલાવીને તેમાં જવાનોના પરિવારજનો માટે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું.
પરંતુ, આ ફંડ ભેગુ કરવામાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી અમેરિકા સ્થિત ભારતીય મૂળના વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી ફંડ એકઠું કરવાનો વિચાર કર્યો અને ફેસબુક પેજ બનાવ્યું. જેને જંગી પ્રતિસાદ મળ્યો અને ટૂંક જ સમયમાં ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલા કેમ્પેઇનમાં લગભગ 1.5 મિલિયન અમેરિકન ડોલર જેટલું ફંડ એકઠું થઇ ગયું.
જેને અમેરિકા સ્થિત અમેરિકન – ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ દ્વારા તે સમયના ભારતીય ગૃહરાજ્ય મંત્રી કિરન રિજીજુને સોંપવામાં આવ્યું હતું.
મુશ્કેલી પડતા ફેસબુક પેજ બનાવી ફંડ એકઠું કર્યું
ભારતીય સરકાર દ્વારા બનાવવામાં આવેલી એપ્લીકેશન ભારત કે વીરમાં દાન આપવા માટે ભારતીય દસ્તાવેજોની જરૂર પડતી હતી. જે ભારત બહાર રહેતા ભારતીય મૂળના લોકો માટે થોડું મુશ્કેલ હતું. તેથી, દાન કરવા માંગતા લોકો સરળતાથી આ કેમ્પેઇનમાં ફંડ આપી શકે તે માટે વિવેક પટેલે ફેસબુક ફંડ રાઇઝરનો ઉપયોગ કર્યો.
25 હજાર ડોલરની સામે 1.5 મિલિયન ડોલર ભેગા થયા
વિવિકે પટેલે શરૂઆતમાં 15 દિવસમાં 25 હજાર જેટલા ડોલરનું ફંડ ભેગું કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જે ફક્ત ત્રણથી ચાર કલાકમાં જ હાંસલ થઇ ગયો હતો. ફંડ એકઠું કરવાના કેમ્પેઇનને સારો પ્રતિસાદ મળતા તેની અવધિ વધારી અને અંતે 1.5 મિલિયન અમેરિકન ડોલર જેટલું ફંડ ભેગું કર્યું.
સમગ્ર વિશ્વમાં વસેલા ભારતીયો દ્વારા દાન
શરૂઆતમાં ફેસબુકના માધ્યમથી વિશ્વના ફક્ત પાંચ જ દેશનું ચલણ (કરન્સી) સ્વીકારાતી હતી. જેમાં અમેરિકન ડોલર, કેનેડીયન ડોલર, પાઉન્ડ, ઓસ્ટ્રેલિયન અને ન્યૂઝીલેન્ડ ડોલરનો સમાવેશ થતો હતો. પરંતુ જ્યારે અન્ય દેશોના લોકોને દાન આપવામાં મુશ્કેલી પડતા ફેસબુકે તેમાં વિશ્વના કુલ 100 દેશોના ચલણને માન્યતા આપી હતી.
ફંડ ઉઘરાવતા કેમ્પેઇનમાં નાણા આપતા પહેલા શું ધ્યાન રાખવું
વર્તમાન સમયમાં કોઇ પણ પ્રાકૃતિક આપદાના સમયમાં વિવિધ સામાજિક સંસ્થાઓ કે તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા ફેસબુક જેવા માધ્યમથી ફંડ ઉઘરાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. જેમાં કેટલીક વખત ફંડ આપનારા લોકો છેતરપીંડીનો ભોગ પણ બને છે. ફંડ આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો...
- ફંડ આપતા પહેલા સંસ્થાની કે વ્યક્તિની માહિતી મેળવવી.
- કુદરતી આપદા કે અન્ય ત્રાસદી સમયે સરકારી સંસ્થા કે વિભાગ દ્વારા ફંડ મેળવવાનું કાર્ય હાથ ધરવામાં આવતું હોય છે. શક્ય હોય તો સરકારના કોઇ વિભાગમાં જ દાન આપવું.
- ફંડ આપ્યા બાદ પણ કેટલું ફંડ એકઠું થયું તે અંગે ફેસબુક પેજ પરથી જાણકારી મેળવી શકાય.
- ફંડ આપ્યા પછી પણ જે-તે સંસ્થા કે વ્યક્તિ પર શંકા જાય તો ફંડ પાછું મેળવી શકાય છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.