ઓસ્ટ્રેલિયા આગમન કરતા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ પ્રવાસ અગાઉ રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ કરાવવાની જરૂરીયાત રહેશે નહીં. નવો નિયમ 18મી એપ્રિલ 2022થી લાગૂ.
ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય આગમન કરતા મુસાફરો માટેના નિયમોમાં આજથી વધુ એક ફેરફાર લાગૂ કર્યો છે.
કોરોનાવાઇરસની મહામારી શરૂ થયાને બે વર્ષથી પણ વધુ સમય પછી હવે આંતરરાષ્ટ્રીય આગમન કરતા મુસાફરોએ રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ કરાવવાની જરૂરીયાત રહેશે નહીં.
અગાઉ ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવાની નિર્ધારીત ફ્લાઇટના 72 કલાક અગાઉ ટેસ્ટ કરાવી નેગેટીવ પરિણામ જમા કરાવવું જરૂરી હતું. પરંતુ, 18મી એપ્રિલથી ઓસ્ટ્રેલિયાએ મુસાફરી અગાઉ કરવામાં આવતા કોવિડ-19 ટેસ્ટની જરૂરીયાત સમાપ્ત કરી છે.
શું છે નવો ફેરફાર
18મી એપ્રિલ 2022થી ઓસ્ટ્રેલિયા આગમન કરતા મુસાફરોએ પ્રવાસ અગાઉ કોવિડ-19 ટેસ્ટનું નેગેટીવ પરિણામ દર્શાવવું જરૂરી નથી.
આ ઉપરાંત, ક્રૂઝ પર હવે ઓસ્ટ્રેલિયાના તટો પર આગમન કરી શકશે.
જોકે, ઓસ્ટ્રેલિયા આવતા અને બહાર જતા પ્રવાસીઓ પાસેથી કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવ્યા છે કે કેમ તેની ચકાસણી કરવા સર્ટિફીકેટ દર્શાવવું પડી શકે છે.
નિયમમાં ફેરફાર કેમ કર્યો
દેશની આરોગ્યલક્ષી સમીક્ષા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે કોવિડ-19ના કારણે બે વર્ષથી લાગૂ કરેલો બાયોસિક્યોરિટી ઇમર્જન્સીનો નિયમ 17મી એપ્રિલથી હટાવવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19 કેસની સંખ્યા ન વધે તે માટે કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયા મુસાફરી કર્યા અગાઉ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પ્રિ-ડીપાર્ચર કોવિડ ટેસ્ટ કરાવવાનો નિયમ અમલમાં મૂક્યો હતો.
પરંતુ, ઓસ્ટ્રેલિયાએ હવે કોવિડ-19 સામેના વલણમાં ફેરફાર કરવાનો નિર્ણય લેતા કોવિડ-19 ટેસ્ટની જરૂરીયાત સમાપ્ત કરી છે.
ફેરફાર બાદ કયા નિયમો યથાવત રહેશે
ઓસ્ટ્રેલિયા આગમન કરતા તથા બહાર પ્રવાસ કરતા મુસાફરોએ ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા માન્ય હોય તેવી કોવિડ-19 પ્રતિરોધક તથા રસીના બંને ડોઝ મેળવ્યા હોય તે જરૂરી છે.
- આરોગ્યલક્ષી સલાહ પ્રમાણે, મુસાફરોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
- ક્રૂઝ, જહાજમાં મુસાફરી કરતી વખતે પણ રસીનું પ્રમાણપક્ષ દર્શાવવું, માસ્ક પહેરવા જેવા નિયમો લાગૂ રહેશે.
- ઓસ્ટ્રેલિયાના બાયોસિક્યોરિટી એક્ટના નોન-ઇમર્જન્સી માપદંડ અંતર્ગત આ ફેરફાર યથાવત રહેશે.
2 વર્ષ બાદ પ્રથમ ક્રૂઝ શિપનું ઓસ્ટ્રેલિયામાં આગમન
માર્ચ 2020માં કોરોનાવાઇરસની વધતી જતી સંખ્યાને કાબૂમાં લાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકારે દેશના તટો પર ક્રૂઝ શિપના આગમન પર રોક લગાવી હતી.
જે 18મી એપ્રિલ 2022થી ઉઠાવી લેવામાં આવી છે.
સોમવારે સિડની હાર્બર ખાતે Pacific Explorer ક્રૂઝ શિપે આગમન કર્યું હતું.
ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા તથા ક્વિન્સલેન્ડ રાજ્યની સરકારોએ ક્રૂઝ શિપના મુસાફરો અને કર્મચારીઓ માટે કોવિડ-19 ટેસ્ટ તથા રસીની જરૂરીયાતના નિયમો નક્કી કર્યા છે
બીજી તરફ, તાસ્મેનિયા રાજ્યમાં આરોગ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ક્રૂઝ શિપનું આગમન સુરક્ષિત છે કે કેમ તેની સમીક્ષા કરી રહ્યું છે.