ઓસ્ટ્રેલિયામાં દર 26 જાન્યુઆરી બ્રિટિશ દ્વારા દેશમાં વસાહતની શરૂઆતના દિવસ તરીકે ઉજવાય છે બ્રિટીશ વસાહતીકરણને “ઓસ્ટ્રેલિયા ડે” તરીકે ઉજવવો જે વિવાદાસ્પદ છે. એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના લોકો દ્વારા 1938થી 26 જાન્યુઆરી 'શોક દિવસ' તરીકે મનાવાય છે અને હમણા થોડા સમયથી 'આક્રમણ દિવસ' કે 'બચાવ દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિવિધ વ્યક્તિઓ અને જુથો દ્વારા 'જાન્યુઆરી 26' ને વિવિધ સંદર્ભોમાં ઓળખવા પાછળ ઓસ્ટ્રેલિયાના મૂળ વતનીઓના મુળભુત સાર્વભૌમત્વ અને સાહજિક અધિકારક્ષેત્રને આધારે જોવામાં આવે છે જેમના જમીન, શિક્ષણ, કાયદાઓ, નીતિઓ, આરોગ્ય વગેરે જેવી બાબતોના નિર્ણય લેવાનો હક્ક યુરોપવાસીઓના આગમન પહેલાથી અને એના પછી પણ એમની પાસે હતો.
એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના સમુદાયના સાર્વભૌમત્વની ચર્ચામાં બહોળી સર્વાનુમતી છે. પરંતુ મૂળ વતની અને ટોરેસ સ્ટ્રેટસ આઇલેન્ડ ના લોકો વચ્ચે આ વિષે મતભેદ છે.
ઓસ્ટ્રેલિયામાં માન્યતા, સંધિ, અવાજ અને સત્ય જેવા મુદ્દાઓ લોકચર્ચાના મુખ્ય અંગ છે. ઓસ્ટ્રેલિયામાં વિવિધ દ્રષ્ટિકોણ દ્વારા મૂળ વતનીઓની માન્યતા માટે પગલા લેવામાં આવે છે.
'માન્યતા'
વિવિધ રસ્તાઓમાંથી એક સૂચન છે કે ઑસ્ટ્રેલિયાના બંધારણ દ્વારા મૂળ વતનીઓને માન્યતા આપવામાં આવે. 1980થી વિશેષકોના જૂથો દ્વારા, બંધારણીય સમિતિઓ અને પરિષદો દ્વારા કરવામાં આવેલા સંશોધનો, અહેવાલો અને ભલામણોને આધારે 2020થી બંધારણમાં ફેરફાર માટે કામ થઇ રહ્યું છે.
આ ચર્ચાના કેન્દ્રમાં છે સૌથી જાણીતું 'ધ ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટ' જે એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઈલૅન્ડર સમુદાયોના પ્રતિનિધિઓ સાથે દેશભરમાં 13 દિવસો સુધી ચાલેલી ચર્ચા પછી બનાવવામાં આવ્યુ હતુ.
જન જાગરણ અભિયાનના ભાગરૂપે બનાવવામાં આવેલ ફિલ્મ 'ફ્રોમ ધ હાર્ટ'ના દિગ્દર્શક ડિન પાર્કિન કહે છે કે તેઓ સંસદ ભવન સુધી લોકોનો અવાજ પહોંચાડવા કામ કરી રહ્યા છે.
"100 ટકા ઉલુરુ સ્ટેટમેન્ટ એ અમારી માંગ છે. મંતવ્ય, સંધિ, સત્ય જેવા મુદ્દાઓ અમારા કાર્યક્ષેત્રના ભાગ છે અને સંસદમાં એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટસ આઈલૅન્ડર સમુદાયોના પ્રતિનિધિ દ્વારા અવાજ પહોંચાડવું જરૂરી છે જેથી ભુતકાળમાં જે રીતે અધવચ્ચે કામો છોડી દેવાયા હતા એનું પુનરાવર્તન ન થાય."
'અવાજ'
મૂળ વતનીઓને ઑસ્ટ્રેલિયાના બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત કરાવવાનો હેતુ છે કે તેઓને એમના સમુદાયોને લગતા વિષયો પર રજુઆત કરવાનો અને નિર્ણયો લેવાનો અવસર મળે.
ઑસ્ટ્રલિયાના મૂળ વતનીના મંત્રી કેન વિએટ જેમ કેટલાક લોકો માને છે કે આ હેતુની પૂર્તિ કરવા 'વોઇસ ટૂ પાર્લામેન્ટ' ને બદલે પ્રતિનિધીઓના દળની રચના કરી 'વોઇસ ટૂ ગવર્મેન્ટ' ની સ્થાપનાથી પણ થઇ શકે છે.
તેઓ કહે છે કે "વાસ્તવિક રીતે 'વોઇસ ટૂ પાર્લામેન્ટ' બનાવી શકાય પણ સરકારો બદલાતી રહે છે અને તેઓ જ વિવિધ કાયદાઓ લાવતા હોય છે અને મુખ્ય નિર્ણયો લેતી હોય છે એથી 'વોઇસ ટૂ ગવર્મેન્ટ' વધુ અસરકારક બની શકે છે. અસર સરકાર પર થવી જોઈએ અને એના દ્વારા સંસદ પર."
પરંતુ બૂંજાલૂન્ગ અને કુનગારાકન મહિલા, દાની લાર્કિન આ બંધારણમાં સમાવેશ ન કરવાના ઠરાવને અભાગી તથા નિરાશાજનક જણાવે છે.
તેઓ કહે છે, "બંધારણીય સુધારા દ્વારા સંસદમાં અવાજ મુકવા માટે ઘણું સમર્થન છે જેથી એની કાયમી સ્તરે સંભાળ થઇ શકે અને કોઈ કલમને ઈશારે એનુ અસ્તિત્વ ભુંસી ન શકાય. સરકારમાં પ્રતિનિધિત્વ મેળવવાની વાત આ વિષય પર અથાક કામ કરી રહેલ અને ખાસ તો મોટી ઉંમરના કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે."
'સંધિ'
'સંધિ' એક બીજો બહુ-ચર્ચિત મુદ્દો છે જેનો અર્થ થાય છે બ્રિટિશ આગમન પહેલાથી ઑસ્ટ્રેલિયામાં એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઈલૅન્ડર રહેવાસી હોવાની માન્યતા અને બ્રિટિશ દ્વારા પ્રથમ દેશના નાગરિકોની જમીન પર કબ્જો તથા એમને નિરાશ્રિત કરાવાયા હોવા પર આધિકારિક સંધિ-કરાર દ્વારા માન્યતા.
કેટલાક જુથો માને છેકે, જે રીતે ન્યૂઝીલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા જેવા દેશોએ સંધિ દ્વારા ભલે એ રાષ્ટ્રીય, રાજ્ય કે સ્થાનિક ક્ષેત્રે હોય, પ્રથમ દેશના નાગરિકોને માન્યતા આપી, જે એમની સાર્વભૌમત્વ પ્રસ્થાપિત કરે છે અને સત્ય બહાર લાવી ભુલ સુધારે છે, એજ રીતે ઓસ્ટ્રેલિયામાં પણ આવા સંધિ કરાર એ પ્રાથમિક ધ્યેય હોવો જોઈએ.
આથી 2017માં ઉલુરુ સંમેલન દ્વારા એક મુળ વતનીઓનુ જુથ એમાંથી બહાર નીકળી ગયુ હતુ જેમાં સમાવેશ થાય છે વિક્ટોરિયાના પ્રતિનિધિ તથા ગુન્નાઈ અને ગંદિતમારા મહિલા, લીડિયા થોર્પ, જેઓ હાલમાં ઓસ્ટ્રેલિયન ગ્રીન્સના વિક્ટોરિયાના સેનેટર છે.
તેઓ માને છે કે દરેક કુળ અથવા રાષ્ટ્ર માટે ઘણા વિચાર વિમર્શ ગોઠવવાની જરૂર પડશે.
તેઓ કહે છે કે "એમને શું જોઈએ છે અને એમને શાની જરૂરિયાત છે એનો નિર્ણય લેવાનો એમને અધિકાર છે. મને લાગે છે કે આપણને માનસભર ચર્ચા માટે આગળ આવવું જોઈએ અને માત્ર આમંત્રિત લોકો જ નહિ કે જેમાં છેલ્લા સ્તરના લોકોની બાદબાકી થઇ જાય છે પણ, બધા જ લોકોને સંમલિત કરવા જોઈએ."
સાર્વભૌમત્વની વાત આવે ત્યારે છેલ્લા સ્તરના લોકોના આંદોલનોને કારણે જ એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટસ આઈલૅન્ડરના જીવન-ધોરણમાં વિકાસ થયો છે.
કેટલાક એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટસ આઈલૅન્ડરના યુવા આગેવાનો સંધિ પર વધુ ભાર મુકે છે અને માને છે કે બંધારણીય માન્યતા વિદેશી વસાહતો સાથે એમના માળખામાં રહી એમની સાથે સહકાર આપવા જેવી વાત છે જે માનસિકતાનો તેઓ અત્યાર સુધી વિરોધ કરતા આવ્યા છે અને માને છે કે એનાથી એમનો સ્વાભાવિક સાર્વભૌમત્વ અને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર જતો કરવો પડશે.
આ યુવા જૂથો બદલાવ માટે ઈન્ટરનેટ પર, સોશ્યિલ મીડિયા દ્વારા અને રસ્તાઓ પર આંદોલનો યોજી રાજકીય નકશો બદલી રહ્યા છે.
બંધારણીય માન્યતાના વિરોધીઓમાં અગ્રેસર છે 'વોરિયર્સ ઓફ ધ અબોરીજિનલ રેઝિસ્ટન્સ' જે 'WAR' તરીકે પણ ઓળખાય છે.
ગૅમીલારાય, કુમા અને મુરુવારિ પુરુષ બો સ્પેરિમ WAR જુથના છે અને કહેછેકે તેઓ સર્વોચ્ચ સંસ્થાથી માન્યતા પ્રાપ્ત કરવાના વિરોધી છે.
તેઓ કહે છે, "બંધારણીય મુદ્દાઓ સમુદાયોમાં ફક્ત ચર્ચા માત્રના વિષય હતા પણ મને લાગે છે કે એ માર્ગ અપનાવવા વિષે કોઈ વાત નહોતી કરવામાં આવી અને મુળ વતનીઓ તરીકે અમને એવા કોઈ અવસરની જરૂર કે એ વિષે વિચારવાની કોઈ ઈચ્છા નહતી. સંધિજ કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે."
WARનો ઔપચારિક માર્ગ વિદેશી વસાહતના માળખા સાથે કોઈ સંબંધ ન રાખવાનો છે પણ તેઓ માને છે કે એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટસ આઈલૅન્ડરના લોકોને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર સ્વ-સંકલ્પનો સાર છે.
માન્યતાના સંદર્ભમાં સફળતા શું હોઈ શકે એના પર પણ ચર્ચા ચાલી રહી છે.
એબોરિજીનલ લેન્ડ કાઉન્સિલ ઓફ તાસ્માનિયાના પ્રમુખ, વકીલ અને આંદોલનકારી પલાવા પુરુષ માઈકલ માનસેલ માને છે કે મૂળ વતની લોકો પાસે વિકલ્પ છે સાંકેતિક માન્યતા અથવા અર્થસભર માન્યતા મેળવવાની.
તેઓ કહે છે, "સાંકેતિક માન્યતા ચોરાયેલી પીઢીઓને કેવિન રુડ્ડ દ્વારા 2007માં મંગાયેલ માફી સમાન છે."
તેઓ દર્શાવે છે કે કેવી રીતે તેઓ મૂળ વતનીઓ માટે તેઓ નોંધપાત્ર માન્યતા મેળવી શકે છે.
"કેન્દ્ર સરકારમાં સંધિ કરાર મુકવા કોઈ જટિલ પ્રક્રિયા નથી. કેન્દ્રીય સંસદ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવે જેથી મૂળ વતનીઓનું એક માન્યતાપ્રાપ્ત મંડળ બનાવવામાં આવે જે મૂળ વતનીઓની પ્રાધાન્યતા અનુસાર સમુદાયોનો વિકાસ માટે સાધનસામગ્રીનું વિતરણ પ્રથા નક્કી કરે."
"ત્યાર બાદ કેન્દ્રીય સંસદે ખરડો પસાર કરી સંધિ સમિતિ બનાવવી જોઈએ જે સંધિના કરાર બનાવે. મને લાગે છે કે આ બે પગલાઓ ભરવાથી મૂળ વતની લોકોના જીવન ધોરણમાં મોટો ફરક પડશે."
મૂળ વતનીઓની જરૂરિયાતને વાચા આપવા કેન્દ્ર સરકારે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક ધોરણે વરિષ્ઠ લોકો સાથે ત્રણ સલાહ સમિતિઓનું ગઠન કર્યું છે.
કુંગરકન અને ઇવાઇજા પુરુષ, પ્રોફેસર ટોમ કાલ્મા કેન્દ્રીય સરકારની વોઇસ કો-ડિઝાઇન સિનિયર એડવાઈઝરી ગ્રુપના સહ-પ્રમુખ છે.
તેઓ જણાવે છે કે સરકાર સમક્ષ પોતાનો અવાજ મુકવાની વિવિધ પદ્ધતિઓ સુચવવી પડશે જે અંતિમ નિર્ણય લેશે.
"સંધિ માટે આપણે સંસ્થાઓ બનાવી લીધી છે પણ આપણો અભ્યાસ સંધિ જોવાનો નથી. આ અવાજ સંસદ સુધી લઇ જવા વિષે છે."
અહેવાલ હવે તૈયાર થઇ ગયો છે અને ચૂંટણી પહેલા સરકાર એને મંત્રીમંડળ સમક્ષ મુકવાનો, એના પર વિમર્શ કરવાનો અને કાયદાકીય રીતે પસાર કરવાની યોજના બનાવી રહી છે.
પ્રોફેસર કાલ્મા કહે છે કે મુળ વતની લોકો માટે આનો ફાયદો ઉઠાવવાની આ સારી તક છે જો બીજા જૂથો સહમતી સાધી નથી શકતા.
"હું વિચારું છુ કે આપણે શું હાસિલ કરી શકીયે છીએ એનો વિચાર કરવો જોઈએ. એબોરિજીનલઅને ટોરેસ સ્ટ્રેટસ આઈલૅન્ડર સમુદાયોની અસ્મિતા સાથે બાંધછોડ કર્યા વગર શું ઉપલબ્ધી મેળવી શકાય?
આપણી પાસે વડાપ્રધાન છે જે મૂળ વતનીના મંત્રીને ટેકો આપે છે અને વોઇસ ટુ ગવરમેન્ટ તથા વોઇસ ટુ પાર્લિયામેન્ટ ને આગળ લઇ જવા માંગે છે. આપણે એ સમજી એનો ફાયદો ઉઠાવવો જોઈએ."
મૂળ વતની અને ટોરેસ સ્ટ્રેટસ આઈલૅન્ડરના વિકાસ માટેની લડાઈ યુરોપવાસીઓનાં આગમનના સમયથી ચાલી રહી છે.
માન્યતા પ્રાપ્ત કરવાના વિવિધ વિકલ્પોમાં મુળ વતની અને ટોરેસ સ્ટ્રેટસ આઈલૅન્ડર નોંધપાત્ર માન્યતા મેળવવા સહેમત છે જયારે આજના ઇતિહાસમાં સરકારે એ માન્યતા અને એમના અવાજના મુદ્દાને રાષ્ટ્રીય કાર્યસૂચિમાં મુક્યા છે.