ભલે પોતાની પાસે આંખની રોશની નથી પરંતુ અન્યની દિવાળી પ્રકાશિત કરતી બહેનોની પ્રેરણા લેવા જેવી વાત જાણીયે.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં અંધ કન્યા પ્રકાશ ગૃહ નામની પ્રેરણા લેવા જેવી સંસ્થા આવેલી છે. દર વર્ષે દિવાળી નિમિત્તે ત્યાં કાર્યરત પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા દીવડા બનાવાય છે અને અહીંથી જ સમગ્ર રાજ્યમાં ટેમ્પો ભરી ભરીને વેચાણ અર્થે વિતરણ પણ થાય છે. આ કોડિયાં બજાર કરતા ઓછા ભાવે વેચાય છે , તે વિષે સંસ્થાની અંધ બહેનોએ કહ્યું કે સમાજના ડોનેશન થી અમારી સંસ્થા ચાલે છે તેથી અમે પણ સમાજને કંઈક પાછું આપવા માંગીયે છીએ. અમારા ઉત્પાદનની આવકમાંથી થોડો ખર્ચો નીકળી શકે તો ડોનેશન પર નિર્ભરતા ઓછી થાય. અંદાજે પચાસ હાજરથી વધુ દીવડા આ સંસ્થાની પંદર જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો બનાવે છે.
સ્મિતાબેન આ પ્રજ્ઞાચક્ષુ બહેનોનાં પ્રશિક્ષક છે, જો કે તેઓ પોતે અંધ નથી પરંતુ બહેનોની તકલીફોથી વાકેફ છે અને તેથીજ બહેનો તેમને ખૂબ ચાહે છે. સ્મિતાબેન પાસેથી જ અમારા સ્પેશિયલ કોરસપોન્ડન્ટ ભવેન કચ્છીએ અમદાવાદથી ખાસ આ સંસ્થાની મુલાકાત લઇને માહીતી મેળવી હતી.
અંધ કન્યા પ્રકાશ ગૃહ નામની સંસ્થામાં અંધ બહેનોને કલા, હુન્નર અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. આવી બહેનોનાં લગ્ન પણ અંધ કે અંશત અંધ યુવાન જોડે બ્યુરો ગોઠવે છે. એવાં પણ કિસ્સા છે જેમાં આંખેથી જોઇ શકતાં મુરતિયા પણ અંધ કન્યા જોડે લગન કરે છે. વસ્ત્રાપુર ખાતે આવેલ અંધ જન મંડળ જેવી સંસ્થા સાથે મળીને લગ્ન મેળો યોજવામાં આવે છે અને તેના થકી મળેલા અનેક સ્ત્રી-પુરુષો લગ્નગ્રંથિથી જોડાયા છે.
આ બહેનોનો વર્ષનો સૌથી પહેલો પ્રોજેક્ટ રાખડી બનાવવાનો હોય છે. રક્ષાબંધન પછી તરતજ તેઓ દીવડા બનાવવાના કાર્યમાં લાગી જાય છે. દીવડા અને રાખડી ઉપરાંત આ બહેનો મોતી પરોવીને સુંદર માળાઓ પણ બનાવે છે. તેમની બધીજ પ્રોડક્ટ સસ્તા ભાવે વેચાય છે અને વેચાણની આવકમાંથી સંસ્થાને આર્થિક સહાય મળે છે.
અંધકારમાં રહીને પણ અન્યના જીવન પ્રકાશિત કરી શકાય છે.
આ બેહેનો એવી પ્રેરણા આપે છે કે અંધકારમાં રહીને પણ અન્યના જીવન પ્રકાશિત કરી શકાય છે.
જીવનમાં માત્ર ચક્ષુ નહિ પણ દિવ્યચક્ષુ હોવા જરૂરી છે.
છુટક વેચાણમાં ઉત્પાદન અને વિતરણની દિવ્ય દ્રષ્ટિ પણ આને કહી શકાય.