સિડનીની સ્કૂલમાં યર 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીમાં કોરોનાવાઇરસ હોવાનું જાણવા મળતા સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે અને એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને એકાંતમાં રહેવાની સલાહ અપાઇ છે.
નોર્થ – વેસ્ટ સિડનીમાં આવેલી ઇપિંગ બોય્સ હાઇસ્કૂલ શુક્રવાર માટે બંધ કરી દેવામાં આવી છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં અત્યાર સુધીમાં આ વાઇરસના કુલ 25 કેસ જોવા મળ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય મંત્રી બ્રેડ હઝાર્ડે વિદ્યાર્થીઓના માતા-પિતાને ગભરાઇ ન જવાની સલાહ આપી હતી અને બાળકોને ઘરે જ રાખવા જણાવ્યું હતું.
સ્કૂલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સોમવારે પણ સ્કૂલ બંધ રાખવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે અને માતા-પિતાને તે અંગે જાણ પણ કરવામાં આવશે.
હઝાર્ડે Nine ના Today Show ને આપેલા એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તે વિદ્યાર્થીની હાલત ખરાબ નથી પરંતુ તેનામાં લક્ષણો જોવા મળ્યા છે.
સેક્રટરી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન માર્ક સ્કોટે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાવાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. 25માંથી નવ કેસ રાજ્યની ધરતી પર નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે સિડનીના એજ કેરમાં કાર્ય કરતી મહિલાને કોરોનાવાઇરસનું નિદાન થયા બાદ તે વાઇરસ અન્ય બે રહેવાસીઓને લાગ્યો હતો અને, 95 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું.
વડાપ્રધાનની 100 મિલિયન ડોલર ફંડની જાહેરાત
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે કોરોનાવાઇરસ સામે લડવા માટે રાજ્ય અને ટેરીટરીની સરકારોને 100 મિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી હતી.