હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભયંકર ગરમી પડી રહી છે ત્યારે માતા-પિતાએ તેમના બાળકોને કારમાં બેસાડીને કાર લોક કરવાની ગંભીર ભૂલથી બચવું જોઇએ.
ઓસ્ટ્રેલિયાના મોટાભાગના રાજ્યોમાં જો માતા-પિતા દ્વારા આ પ્રકારની બેદરકારી નોંધાય અને બાળક મુશ્કેલીમાં મુકાય તો તેને એક ગુનો માનવામાં આવે છે.
બાળકોને કારમાં બંધ કરવાથી ઉત્પન્ન થતી પરિસ્થિતી
- પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં પણ ગરમીનું પ્રમાણ વધારે હોય છે
- જેનાથી બાળકોના શરીરનું તાપમાન વધી શકે છે
- તેઓ ડીહાઇડ્રેટ અથવા બીમાર પડી શકે છે
- લાંબા સમય સુધી કારમાં બેસી રહેવાથી ગરમી લાગે છે, ગભરામણ થાય અને બાળકોનું મૃત્યુ પણ થઇ શકે છે.
સામાન્ય રીતે પાર્ક કરેલી કારનું તાપમાન બહારના વાતાવરણ કરતાં 20થી 30 ડીગ્રી જેટલું વધી જાય છે. ઉનાળામાં કારની અંદરનું તાપમાન 60 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
દર વર્ષે લગભગ 2000 બાળકોનો બચાવ
ધ નેશનલ રોડ્સ એન્ડ મોટરીસ્ટ એસોસિયેશન (NRMA) દર વર્ષે કારમાં ફસાયેલા લગભગ 2000 બાળકોનો બચાવ કરે છે.
માતા-પિતા કેવી ભૂલ કરે છે
સામાન્ય રીતે માતા-પિતા શોપિંગ સેન્ટર્સમાં ખરીદી કરવા માટે જાય છે ત્યારે તેમના બાળકોને અજાણતા જ કારમાં બેસાડીને જાય છે, ત્યાર બાદ કાર લોક થઇ જાય છે અને બાળક કારમાં ફસાઇ જાય છે.
બાળકને કારમાં બેસાડીને ગયા બાદ જો બાળક માંદુ અથવા તો ઘાયલ થાય તો તેને ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો અને ટેરીટરીમાં એક ગુનો માનવામાં આવે છે અને માતા-પિતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.