સિડનીના પશ્ચિમ ભાગમાં આવેલી નોર્થ રાઇડ હોસ્પિટલમાં ડોક્ટરમાં કોરોનાવાઇરસના લક્ષણો જોવા મળ્યા બાદ તે હોસ્પિટલના 40 કર્મચારીઓના સ્ટાફને એકાંતમાં રાખવામાં આવ્યા છે અને મેક્વાયરી પાર્ક ખાતેના એજ કેરમાં એક કર્મચારીને કોરોનાવાઇરસ થયો હોવાથી 11 લોકોને દેખરેખમાં રખાયા છે.
સિડનીના મેક્વાયરી પાર્ક ખાતેના ડોરોથી હેન્ડરસન લોજમાં એક કર્મચારીને કોરોનાવાઇરસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ ત્યાં વસવાટ કરતા લોકોને તેમના રૂમમાંથી બહાર નહીં જવાનો આદેશ અપાયો છે.
તે કર્મચારી અન્ય 13 વૃદ્ધો સાથે સંપર્કમાં આવી હતી. જેમાં બે વ્યક્તિમાં તે વાઇરસ હોવાની શંકા સેવાઇ રહી છે.
કોરોનાવાઇરસના કારણે 95 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. અધિકારીઓએ વૃદ્ધાના પરિવાર પ્રત્યે સહાનૂભુતિ વ્યક્ત કરી હતી.
50 વર્ષીય મહિલામાં વાઇરસના લક્ષણો મળ્યા બાદ તેને સારવાર અપાઇ રહી છે પરંતુ તેને આ વાઇરસ ક્યાંથી લાગ્યો તે રહસ્ય છે.
સિડનીમાં ડોક્ટરને પણ કોરોનાવાઇરસ
સિડનીના નોર્થ રાઇડમાં આવેલી હોસ્પિટલના ડોક્ટરને પણ કોરોનાવાઇરસ થયો હોવાનું જાણવા મળ્યું છે. તે ડોક્ટર પણ વિદેશ પ્રવાસે ગયા નહોતા.
ડોક્ટરની સાથે કાર્ય કરતા અન્ય 12 ડોક્ટર્સ, 4 આરોગ્ય કમર્ચારીઓ અને 23 નર્સને ઘરે જ રહેવા માટે સલાહ અપાઇ છે.
ઓસ્ટ્રેલિયામાં 46 કેસ નોંધાયા
ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોનાવાઇરસના 46 કેસ સામે આવ્યા છે. ક્વિન્સલેન્ડે રાજ્યમાં 11મો કેસ નોંધ્યો છે. ઇરાનથી આવેલા નાગરિકમાં તે વાઇરસ હોવાનું જાણવા મળ્યું છે.
એકાંતમાં સમય પસાર કરવાની સલાહ
ગયા અઠવાડિયે આઠ ફ્લાઇટ્સમાં ઓસ્ટ્રેલિયા આવેલા પેસેન્જર્સમાં વાઇરસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
અધિકારીઓ વાઇરસ ધરાવતા વ્યક્તિઓની બાજુમાં બેસેલા લોકોને 14 દિવસ સુધી એકાંતમાં રહેવા માટે સલાહ આપી રહ્યા છે.
બીજી તરફ, આરોગ્ય વિભાગ હોસ્પિટલ્સ અને એજ કેરના જે લોકો સાઉથ કોરિયા કે ઇટાલીથી આવ્યા છે તેમને 14 દિવસ સુધી કામ પર ન જવા અંગે જણાવી રહ્યો છે.