વિક્ટોરીયન રાજ્ય સરકારની નવી યોજના પ્રમાણે હવે કેઝ્યુઅલ કર્મચારીઓને પણ પગાર ચૂકવણી સાથેની માંદગીની રજાઓ મળશે.
સરકારે આ માટે બે વર્ષ સુધી પાંચ મિલિયનના ખર્ચ સાથે એક પરીક્ષણ યોજના પણ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે.
પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બજેટમાં આ અંગે એક અલાયદું ફંડ ફાળવશે, અને યોજનાનો વર્ષ 2021ના અંત અથવા 2022ની શરૂઆતથી પ્રારંભ થશે.
યોજના અમલમાં આવ્યા બાદ કેઝ્યુઅલ અને કામચલાઉ કર્મચારીઓ રાષ્ટ્રીય ન્યૂનત્તમ દરની ચૂકવણી સાથે પાંચ દિવસ સુધી માંદગીની અથવા કેરરની રજાઓ વાપરી શકશે.
આ યોજના જે ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કેઝ્યુઅલ કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે. તે ક્ષેત્રને લાગૂ થશે. જેમાં એજ કેર સ્ટાફ, ક્લિનર્સ, હોસ્પિટાલિટી, સિક્ટોરિટી ગાર્ડ્સ અને સુપરમાર્કેટ્સમાં કાર્ય કરતા કર્મચારીઓને લાભદાયી નીવડશે.
આ અંગે વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસની મહામારીના કારણે કેઝ્યુઅલ અને કામચલાઉ કર્મચારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
માંદગી હોવા છતાં પણ કેઝ્યુઅલ કર્મચારીઓ પગાર ગુમાવવાના ડર સાથે નોકરી કરે તો તેઓ અન્ય લોકોને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. આ પરિસ્થિતીનો સામનો ન કરવો પડે તેથી જ આ યોજના અમલમાં મૂકવામાં આવશે.
હાલમાં રાજ્ય સરકાર આ યોજના માટે ફંડ પૂરું પાડશે તેથી વેપાર - ઉદ્યોગો પર કોઇ પણ પ્રકારનું દબાણ રહેશે નહીં.

Source: Flickr
બીજી તરફ, કેન્દ્રીય ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સ મિનિસ્ટર ક્રિસ્ટિયન પોર્ટરે આ જાહેરાત બાદ વિક્ટોરીયન રાજ્ય સરકારની ટીકા કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, વિક્ટોરીયાના વેપાર - ઉદ્યોગો કોરોનાવાઇરસના કારણે ઘણો મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે.
તેથી, તેમની પર વધુ નાણાકિય બોજ મૂકવો હિતાવહ નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.
પોર્ટરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કેઝ્યુઅલ કર્મચારીઓને પર્મેનન્ટ બનાવવા માટેની દિશામાં પગલાં લઇને તેમને સહયોગ આપવો જોઇએ.