છેલ્લા કેટલાક દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કેસ ઓછા થતા અને પરિસ્થિતી કાબુમાં આવી રહી હોવાનું જણાતા શુક્રવારે કેન્દ્રીય સરકારે કેબિનેટ મીટિંગ બાદ દેશમાં ત્રણ તબક્કામાં વિવિધ પ્રતિબંધો ઉઠાવવાની જાહેરાત કરી હતી.
વિવિધ રાજ્યો અને ટેરીટરીની સરકારો તેમના જે-તે રાજ્યોની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તબક્કા અમલમાં મૂકી રહી છે.
ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ, વિક્ટોરીયા, સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યએ પ્રથમ તબક્કો અમલમાં મૂકવાની જાહેરાત કરી દીધી છે. ન્યૂ સાઉથ વેલ્સ તથા ક્વિન્સલેન્ડમાં 15મી મે શુક્રવારથી તથા વિક્ટોરીયામાં 13મી મે બુધવારથી પ્રથમ તબક્કાની શરૂઆત થશે જ્યારે સાઉથ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ તબક્કો સોમવાર 11 મેથી શરૂ થઇ ગયો છે.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને 15મી મેથી વિવિધ પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી હતી. પ્રીમિયરે સોશિયલ ડિસ્ટન્સિંગ, આરોગ્ય જાળવવા ઉપરાંત, જો તાવ આવતો હોય તો કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી હતી. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં શુક્રવારથી નીચેના પ્રતિબંધો હળવા કરાયા છે.
- આઉટડોર મેળાવડા 10 લોકો સુધી થઇ શકશે.
- કેફે અને રેસ્ટોરન્ટ્સમાં એક સમયે 10 ગ્રાહકોને બેસવાની પરવાનગી
- એક જ સમયે 5 મુલાકાતીઓને અન્ય ઘરની મુલાકાત લેવાની પરવાનગી
- લગ્નમાં 10 મહેમાનોની હાજરી
- ઇન્ડોર અંતિમ સંસ્કારમાં 20 લોકો, આઉટડોરમાં 30 લોકોના ભેગા થવાની મંજૂરી
- ધાર્મિક – પ્રાર્થનાગૃહોમાં 10 લોકો ભેગા થઇ શકે
- આઉટડોર સ્વિમીંગપૂલ કેટલાક પ્રતિબંધો સાથે શરૂ કરવામાં આવશે.
ક્વિન્સલેન્ડ
ક્વિન્સલેન્ડ રાજ્યમાં કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવાનો પ્રથમ તબક્કો 15 મે 2020થી શરૂ થઇ રહ્યો છે. જે ચાર અઠવાડિયા માટે અમલમાં મૂકાય તેવી શક્યતા છે.
- રીટેલ શોપિંગ
- એક સાથે પાંચ વ્યક્તિ અન્યના ઘરની મુલાકાત લઇ શકે છે
- આઉટડોર, નોન-કોન્ટેક્ટ એક્ટિવીટી, પર્સનલ ટ્રેનિંગ, આઉટડોર અને ઇન્ડોર સ્વિમીંગપૂલ, જાહેર સ્થળો, પાર્ક, પ્લે ગ્રાઉન્ડ્સ, સ્કેટપાર્ક્સ, આઉટડોર જીમ્સ, લાઇબ્રેરી, લગ્નસ્થળ, હાઇકીંગ, ધાર્મિક સ્થળ, પ્રાર્થનાગૃહોમાં એક સાથે 10 લોકો ભેગા થઇ શકે છે.
- અંતિમ સંસ્કાર ઇન્ડોરમાં 20 તથા આઉટડોરમાં 30 લોકોને ભેગા થવાની પરવાનગી
- પ્રવાસ એક દિવસમાં તમારા વિસ્તારની આસપાસ 150 કિલોમીટરનો પ્રવાસ કરી શકાય.
- રેસ્ટોરન્ટ્સ, કેફે, પબ્સ, ક્લબ્સ, હોટલમાં એક સાથે 10 લોકોને ભેગા થવાની મંજૂરી
- ઘરની હરાજી
- બ્યૂટી થેરાપીને લગતા ધંધા કોવિડસેફ પ્લાન અમલમાં મૂકીને ફરીથી શરૂ કરી શકાશે.
રીજનલ ક્વિન્સલેન્ડ
- રીજનલ ક્વિન્સલેન્ડમાં રેસ્ટોરન્ટ્સ, કેફે, પબ્સ, લાઇસન્સ ધરાવતા ક્લબ્સ અને હોટલમાં સ્થાનિક લોકોને ઘરનું સરનામું ધરાવતું ઓળખપત્ર દર્શાવીને 20 લોકોના ભેગા થવાની પરવાનગી
- રીજનલ વિસ્તારમાં રહેતા હોય તો તેવા વિસ્તારોમાં 500 કિલોમીટર સુધીનો પ્રવાસ માન્ય
સાઉથ ઓસ્ટ્રેલિયા
સાઉથ ઓસ્ટ્રેલાયના પ્રીમિયર સ્ટીવન માર્શલે રાજ્યમાં 11મી મે સોમવારથી પ્રથમ તબક્કો અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં એકસાથે 10 લોકોને ભેગા થવાની પરવાનગી અપાઇ છે જોકે, તમામ પ્રવૃત્તિ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ તથા તકેદારી રાખવી જરૂરી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.
- રીજનલ મુસાફરીને પરવાનગી
- યુનિવર્સિટી અને અન્ય શિક્ષણ સંસ્થાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની પરવાનગી
- રેસ્ટોરન્ટ્સ અને કેફેમાં આઉટડોર ડાઇનિંગની મંજૂરી
- ઘરની હરાજી અને ઇન્સ્પેક્શનની પરવાનગી
- આઉટડોર સ્પોર્ટ્સ ટ્રેનિંગ
- અંતિમ સંસ્કાર ઇન્ડોરમાં 20 તથા આઉટડોરમાં 30 લોકોની મંજૂરી
- લગ્ન તથા પ્રાર્થનાગૃહોને મંજૂરી
વિક્ટોરીયા
વિક્ટોરીયા રાજ્યમાં કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવાનો પ્રથમ તબક્કો 13મી મે બુધવારથી અમલમાં આવી રહ્યો છે. રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે સોમવારે વિવિધ પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી હતી. જોકે, તમામ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો પ્રીમિયરે અનુરોધ કર્યો હતો. વિક્ટોરીયામાં પ્રથમ તબક્કો 31મી મે રાત્રે 11.59 સુધી અમલમાં રહેશે.
- એક સાથે પાંચ વ્યક્તિ અન્યના ઘરની મુલાકાત લઇ શકશે
- આઉટડોર મેળવડામાં 10 વ્યક્તિ ભેગા થઇ શકશે
- ફિશીંગ, હાઇકીંગ, ગોલ્ફ, ગ્રૂપમાં ચાલવા જવું જેવી પ્રવૃત્તિ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરી શકાશે.
- લગ્ન સમારંભમાં 10 લોકોની હાજરી
- અંતિમ સંસ્કાર ઇન્ડોરમાં 20 તથા આઉટડોરમાં 30 લોકોને ભેગા થવાની પરવાનગી
- એએફએલ અને અન્ય રમતો માટે ટીમો વિવિધ પ્રકારની સાવચેતી રાખીને પ્રેક્ટિસ શરૂ કરી શકશે
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.
કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી કોરોનાવાઇરસ ટ્રેસિંગ એપ COVIDSafe તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.