અત્યાર સુધીમાં કોરોનાવાઇરસ વિશ્વના 60 દેશો સુધી પહોંચ્યો છે. જેમાં 86,000 જેટલા લોકોમાં તે વાઇરસ નોંધાયો છે અને 3000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઇરસના કારણે થતા મૃત્યુની સંખ્યા અનિશ્ચિત છે.
ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પરિસ્થિતીની ગંભીરતા સમજીને તેનું મૂલ્યાંકન કર્યું અને તે મહામારી બની શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
વૃદ્ધ વ્યક્તિઓ કે જેઓ કોરોનાવાઇરસની ઝપેટમાં આવ્યા છે. અને તેમને અગાઉથી જ હ્દયની બિમારી છે, તેઓ સામાન્ય લોકોની સરખામણીએ વાઇરસનો ભોગ બનવાની વધુ શક્યતા ધરાવે છે, તેમ ચીનના 72 હજાર દર્દીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.
ફેબ્રુઆરી મહિનામાં લેબમાં નિદાન થયેલા 44,700 જેટલા કેસમાં લગભગ 80 ટકા દર્દીઓની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવાનું જાણવા મળ્યાનો રીપોર્ટ ચીનના સીડીસી વીકલી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
ઇટાલીમાં પણ ભોગ બનેલા 12 વ્યક્તિઓની ઉંમર 80 વર્ષની આસપાસ હતી. તેમને હ્દયની બિમારીનું પણ નિદાન થયું હતું.
સ્ત્રીઓ કરતા પુરુષોમાં કોરોનાવાઇરસના કારણે મૃત્યુ થયું હોવાનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરંતુ, તે ધુમ્રપાનના કારણે થયું છે કે કેમ તે નક્કી થઇ શક્યું નથી.

A technician examines the test kits for the coronavirus in China. Source: AAP
બાળકોમાં ઓછું પ્રમાણ
10થી 19 વર્ષની વયના બાળકોમાં આ બિમારીનું પ્રમાણ નહીંવત્ત જેવું જોવા મળ્યું હતું. 10થી ઓછી ઉંમર ધરાવતા બાળકોમાં પણ કોરોનાવાઇરસના માત્ર 1 ટકાથી ઓછા કેસ જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2002-03માં આવેલા SARS વાઇરસનું પણ બાળકોમાં નહીંવત પ્રમાણ જોવા મળ્યું હતું.
ચીનમાં કોરોનાવાઇરસના દર્દીઓની સારવાર કરનારા ડોક્ટર્સ અને નર્સને પણ બિમારી લાગૂ પડતા તેમના મૃત્યુ થયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે.
આ અંગે યુનિવર્સિટી ઓફ હોંગકોંગના ડીપાર્ટમેન્ટ ઓફ પેથોલોજીના પ્રોફેસર જ્હોન નિકોલસે એએફપીને જણાવ્યું હતું કે ક્ષમતા બહાર તથા વિશેષ જ્ઞાન ન હોવા છતાં પણ ડોક્ટર્સ અને નર્સ દર્દીઓની સારવાર કરે છે તેના કારણે પણ તેમને આ બિમારી થઇ હોઇ શકે છે.