અન્ય નાગરિકોની ઓળખ તથા ૧ લાખ ઓસ્ટ્રેલિયન ડોલરની ચોરી કરવાના કેસમાં પોલીસે સિડનીના પશ્ચિમ વિસ્તારમાં ૨૨ વર્ષીય યુવાનની ધરપકડ કરી હતી.
સિડની મોર્નિંગ હેરાલ્ડના રીપોર્ટ પ્રમાણે, તે વ્યક્તિનું નામ શાલિન પટેલ છે અને તેની મંગળવારે સવારે પશ્ચિમ સિડનીમાં આવેલા પોતાના નિવાસસ્થાનેથી પોલિસે ધરપકડ કરી હતી. જેમાં પોલિસને મોબાઇલ ફોન્સ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, લેપટોપ્સ અને ચોરેલા ઓળખપત્રો મળ્યા હતા.
આ ઉપરાંત, મોંઘી ઘડિયાળો તથા કપડાં પણ પોલિસે જપ્ત કર્યા હતા.
ન્યૂ સાઉથ વેલ્સ પોલિસના જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૧૮માં ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધીમાં શાલિન પટેલ પર ગ્રૂપમાં સામેલ થઇ ખોટા ઓળખપત્રો અને ૭૦ મોબાઇલ ફોન્સ દ્વારા 1 લાખ ડોલરની ચોરી કરી હોવાનો આરોપ છે.
તેની પર ચાર આરોપ ઘડવામાં આવ્યા છે. ડેટા સાથે છેડછાડ કરવી, કોઇ પણ પ્રકારની પરવાહ કર્યા વગર ગુનો કરવો, ઓળખપત્રો સાથે છેડછાડ કરવી, ગુનાખોરી ધરાવતા ગ્રૂપમાં સામેલ થવું અને છેતરપીંડી કરવી.
જોકે, તેને ૧૧મી એપ્રિલે બ્લેકટાઉન કોર્ટમાં હાજર રહેવાની સખત શરત સાથે જામીન આપવામાં આવ્યા હતા.

Source: NSW Police
પોલિસના આરોપ પ્રમાણે, આ ગ્રૂપ સાચા મોબાઇલ ફોન વપરાશકર્તાને ખબર ન હોય તે રીતે નવા કેરિયરમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તેમની બેન્કને સંપર્ક કરતું હતું અને ત્યાર બાદ તેમની તમામ વિગતો અને પાસવર્ડ બદલીને તેનો ઉપયોગ કરતું હતું.
મોબાઇલ ફોન દ્વારા વિદેશમાં નાણાની આપ-લે કરવા તથા વસ્તુની ખરીદી માટે પણ બેન્ક એકાઉન્ટ વપરાતું હતું.
સાઇબરક્રાઇમ ટીમના કમાન્ડર, ડીટેક્ટીવ સુપ્રિટેન્ડેન્ટ મેટ્ટ ક્રાફ્ટના જણાવ્યા પ્રમાણે, નાણાને લગતા ગુના કરવા માટે આ પ્રકારનો રસ્તો હાલમાં અપનાવાઇ રહ્યો છે.
કોઇ પણ વ્યક્તિની નાણાકિય સુરક્ષામાં મોબાઇલ મુખ્ય વસ્તુ છે. તેમાં તમામ પ્રકારની માહિતી સંગ્રહાયેલી હોય છે. તેની સાથે છેડછાડ થાય તો ગંભીર પરિણામ આવી શકે છે.
જ્યારે કોઇ પણ વ્યક્તિનો ડેટા ચોરી થાય ત્યારે તેના મોબાઇલ ફોનના સિગ્નલ ઓછા થાય છે. જ્યારે તે વ્યક્તિને ખબર પડે છે કે તેના મોબાઇલ સાથે શું થઇ રહ્યું છે, તે સમયે ઘણું મોડું થઇ ગયું છે અને તેણે પોતાના બેન્ક એકાઉન્ટની વિગતો ગુમાવી દીધી હોય છે.
આ ઘટનામાં પોલિસ વધુ તપાસ કરી રહી છે અને હજી પણ ઘણી ધરપકડ થઇ શકે છે.
કમાન્ડર ક્રાફ્ટના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૧૨ મહિનામાં આ પ્રકારના ગુનામાં લોકોએ ૧૦ મિલિયન ડોલરથી પણ વધારે નાણા ગુમાવ્યા છે.
Share



