હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તાર ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી અઠવાડિયામાં ગુજરાતના તાપમાનનો પારો લગભગ 44થી 46 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે.
છેલ્લા 17 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે કે એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હોય. અગાઉ વર્ષ 2002માં એપ્રિલ મહિનામાં 45 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
અમદાવાદમાં "રેડ એલર્ટ"
ગુજરાતના અમદાવાદ શહેરના લોકોએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે તેમ છે. 25મી એપ્રિલે ગુરુવારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઇ હતી. જ્યારે 27 એપ્રિલ શનિવાર તથા 28 એપ્રિલ રવિવારે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા રેડ એલર્ટમાં જણાવ્યું હતું કે, આગામી 26થી 28 એપ્રિલ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં હીટવેવની શક્યતા છે.
રેડ એલર્ટ દરમિયાન ગરમીનો પારો 45 ડીગ્રી સુધી પહોંચી શકે તેમ છે.
એકસાથે 14 સિંહ પાણી પીતા જોવા મળ્યા
ગુજરાતના લોકો ગરમી સામે ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે પશુ -પક્ષીઓ પણ ગરમીથી બચવાના ઉપાયો શોધી રહ્યા છે. ગીર જંગલના આંબરડી વિસ્તારમાં પાણી પીવા માટે બનાવવામાં આવેલા પોઇન્ટ પર એક સાથે 14 સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. અને, પાણી પીતા સિંહોનો દુર્લભ વીડિયો રેકોર્ડ કરાયો હતો. જે હાલમાં ઘણો જ વાઇરલ થયો છે.
વીડિયોમાં જોવા મળે છે તે પ્રમાણે બે સિંહણ 12 સિંહબાળ સાથે આંબરડી વિસ્તારના જંગલમાં પાણી પીવાના પોઇન્ટ પર પાણી પી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગીરના જંગલમાં વસવાટ કરતા સિંહ અને અન્ય પશુઓને ગરમીના સમયમાં પાણી મળી રહે તે માટે પાણીના કૃત્રિમ પોઇન્ટ બનાવવામાં આવે છે. જ્યાં આવા જ એક પોઇન્ટ પર 14 સિંહ એકસાથે પાણી પીતા જોવા મળ્યા હતા.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Share

