ભારતે પાકિસ્તાનની સીમામાં પ્રવેશીને કથિત “ત્રાસવાદી કેમ્પ્સ” પર એર સ્ટ્રાઇક કર્યા બાદ વિશ્વના વિવિધ દેશોએ ઘટના પ્રત્યે તેમની પ્રતિક્રિયા આપી છે.
ઓસ્ટ્રેલિયન સરકારે ભારતના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન પોતાના દેશમાં ચાલી રહેલા આતંકી ગ્રૂપ્સ સામે પગલાં લે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રી મેરિસ પાયનેએ જણાવ્યું હતું કે પાકિસ્તાન જો આતંકી ગ્રૂપ્સ સામે યોગ્ય પગલાં લેશે તો બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી શકે તેમ છે.
ઓસ્ટ્રેલિયન સરકાર આશા રાખે છે કે આ મુદ્દે બંને દેશો વાતચીત કરશે અને આતંકવાદી પ્રવૃત્તિનો ખાત્મો કરવા અંગે યોગ્ય રણનીતિ ઘડશે.
બીજી તરફ, યુરોપિયન યુનિયન ભારત અને પાકિસ્તાન બંને દેશોની ગતિવિધીઓ પર નજર રાખી રહ્યું છે. યુરોપિયન યુનિયનના પ્રવક્તા માજા કોસિજાનકિકના જણાવ્યા પ્રમાણે, અમે બંને દેશોના સંપર્કમાં છીએ અને તેઓ આ પરિસ્થિતિમાં સંયમ જાળવી સમસ્યાનો ઉકેલ લાવે તેવી આશા છે.

Source: AAP Image/ Diwakar Prasad/Hindustan Times/Sipa USA
ભારતને ફ્રાન્સનો ટેકો
ફ્રાન્સે ભારતની એર સ્ટ્રાઇકને સમર્થન આપ્યું છે. સરકારના જણાવ્યા પ્રમાણે, આતંકવાદનો ખાત્મો કરવા ભારતે લીધેલા પગલાંનું ફ્રાન્સ સમર્થન કરે છે.
આ ઉપરાંત ફ્રાન્સે ભારત તથા પાકિસ્તાન વચ્ચે શાંતિવાર્તા ફરીથી શરૂ થાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
બંને દેશો સંયમ જાળવે: ચીન
પાકિસ્તાનના નજીકના મિત્ર ચીને પણ આ ઘટના બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે અને ભારત તથા પાકિસ્તાન બંનેને શાંતિ, સંયમ જાળવવા જણાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે પત્રકારોને જણાવ્યું હતું કે સાઉથ એશિયાના દેશોમાં શાંતિ જળવાઇ રહે તે માટે ભારત તથા પાકિસ્તાને શાંતિવાર્તા કરી મજબૂત સંબંધો વિકસાવવાની જરૂર છે.
ભારત તથા પાકિસ્તાન નિયંત્રીત રીતે પગલાં લઇ પરિસ્થિતિને સ્થિર કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ન્યૂક્લિયર પાવર ધરાવતા ભારત તથા પાકિસ્તાન વચ્ચે પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા તથા ભારતે તેના જવાબમાં એર સ્ટ્રાઇક કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે.

Source: AAP Image/ Vipin Kumar/Hindustan Times/Sipa USA
ભારતે 1971માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ બાદ પ્રથમ વખત તેમની ધરતી પર હવાઇ હુમલો કર્યો છે
પાકિસ્તાનનો દાવો, કોઇ નુકસાન થયું નથી
બીજી તરફ, પાકિસ્તાને તેમની ધરતી પર કોઇ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન થયાનું નકાર્યું હતું.
પાકિસ્તાન સરકારના જણાવ્યા પ્રમાણે ભારતીય એરફોર્સના વિમાનો પાકિસ્તાનમાં પ્રવેશ્યા હતા પરંતુ પાકિસ્તાની જેટ્સના જવાબી હુમલા બાદ તેમને પીછેહટ કરવી પડી હતી.
રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાયેલી પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત જો પાકિસ્તાનની સીમામાં ફરીથી પ્રવેશશે તો તેઓ જવાબી કાર્યવાહી કરશે.

Source: AAP Image/ AP Photo/Anjum Naveed
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મસૂદ કુરૈશીએ ભારત સરકાર પર આગામી મે મહિનામાં દેશમાં યોજાનારી ચૂંટણીનો લાભ લેવા સત્ય સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે.
કુરૈશીના જણાવ્યા મુજબ, ભારતીય સરકારના આરોપો પાયાવિહોણા છે અને આ કૃત્ય તેમણે આગામી મે મહિનામાં યોજાનારી ચૂંટણીનો લાભ લેવા માટે કર્યું છે. ભારતની આ પ્રક્રિયાથી ક્ષેત્રમાં શાંતિ ભંગ થઇ છે.
Share


