આગામી 14મી જૂનથી રશિયાની ધરતી પર 21મો ફીફા વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. ખિતાબ માટે આગામી એક મહિના સુધી આઠ ગ્રૂપમાં રહેલી 32 ટીમો એકબીજાને જોરદાર ટક્કર આપવા આતુર રહેશે ત્યારે SBS Gujarati નું તમામ આઠેય ગ્રૂપમાં રહેલી ટીમોના મજબૂત તથા નબળાં પાંસાનું એનાલિસીસ
ગ્રૂપ: એ
દેશ : રશિયા, ઉરુગ્વે, ઇજિપ્ત, સાઉદી અરેબિયા
ગ્રૂપ: એની મેચનો કાર્યક્રમ
15મી જૂન રશિયા વિ. સાઉદી અરેબિયા
15મી જૂન ઇજિપ્ત વિ. ઉરુગ્વે
20મી જૂન રશિયા વિ. ઇજિપ્ત
21મી જૂન ઉરુગ્વે વિ. સાઉદી અરેબિયા
26મી જૂન સાઉદી અરેબિયા વિ. ઇજિપ્ત
26મી જૂન ઉરુગ્વે વિ. રશિયા
રશિયાનો લક્ષ્યાંક રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ
ફીફા વર્લ્ડ કપ રશિયા માટે એક મોટા ઉત્સવ સમાન બની રહેશે જોકે તે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરશે. વર્લ્ડ કપના યજમાન દેશ તરીકે રશિયા પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું દબાણ તો રહ્યું જ છે. ટૂર્નામેન્ટના ડ્રો સમયે સૌથી નીચો ક્રમ ધરાવતી ટીમ હતી અને હાલમાં પણ તેનું વર્તમાન ફોર્મ તેમની તરફેણમાં નથી. ઇન્સબ્રૂકમાં ઓસ્ટ્રિયા સામે રમાયેલી વોર્મ અપ મેચમાં પરાજય સાથે જ રશિયાએ સતત છઠ્ઠી મેચમાં વિજયનો સ્વાદ ચાખ્યો નથી.
સ્થાનિક પ્રેક્ષકોની હાજરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના રશિયા પરના દબાણ અંગે તેના કોચ સ્તાનિસ્લાવ ચેર્કોસોવે જણાવ્યું હતું કે, "રશિયન ટીમ તમામ પાસાઓ પર ચર્ચા કરી રહી છે. વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં નાનામાં નાની ભૂલ પણ ભારે પડી શકે છે. અમે ટીમના સંકલન પર ભાર આપી રહ્યા છીએ અને ટ્રેનિંગ સત્ર દરમિયાન દરેક ખેલાડી પર નજર રાખી રહ્યા છીએ."
"વર્લ્ડ કપની જાહેરાત થયાના પ્રથમ દિવસથી જ અમે તમામ યુવા ખેલાડીઓને તક આપવાનું નક્કી કર્યું હતું અને જે ખેલાડીમાં ક્ષમતા છે તેને અમે યોગ્ય તક આપવા તૈયાર છીએ."
રશિયા સોવિયત સંઘના નિર્માણ બાદ એક પણ વખત વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શક્યું નથી. 2018ના વર્લ્ડ કપમાં પણ રશિયા પોતાના સ્ટાર ખેલાડીઓને ખોટ અનુભવશે. 28માંથી ફક્ત ત્રણ જ ખેલાડીઓ રશિયા બહાર ક્લબ ફૂટબોલ રમવાનો અનુભવ ધરાવે છે.
જોકે રશિયાને પ્રમાણમાં સરળ ડ્રો પ્રાપ્ત થયો છે. પ્રથમ મેચમાં તે 15મી જૂને (AEST) સાઉદી અરેબિયા સામે ટકરાશે. રશિયા પાસે ગ્રૂપમાંથી ટોચની બે ટીમોમાં સ્થાન મેળવવાની તક રહેલી છે.
ગ્રૂપ-એમાંથી પ્રથમ સ્થાન માટે ઉરુગ્વે ફેવરિટ
સાઉથ અમેરિકાના સાડા ત્રણ મિલિયન વસ્તી ધરાવતા દેશ ઉરુગ્વે પાસે ફૂટબોલની વિશાળ પરંપરા રહી છે.
ઉરુગ્વેએ 1930માં રમાયેલો સૌ પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો ત્યાર બાદ 1950માં બ્રાઝિલને તેની જ ધરતી પર પરાજય આપીને બીજી વખત આ ટ્રોફી પોતાના નામે કરી હતી. બ્રાઝિલને તેનો આ પરાજય ઘણા લાંબા સમય સુધી યાદ રહ્યો હતો.
ઉરુગ્વે તેના છેલ્લા બે વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવામાં સફળ રહ્યું છે. તેમની પાસે બાર્સેલોનાનો સ્ટાર ખેલાડી લુઇસ સુઆરેઝ ઉપસ્થિત છે. જોકે તે ફક્ત પોતાના પ્રદર્શન માટે જ પ્રખ્યાત નથી, તેના ભૂતકાળમાં મોટી ટૂર્નામેન્ટમાં કરેલા ખરાબ વર્તન બદલ પણ તે વધુ બદનામ છે. સુઆરેઝને ગયા વર્લ્ડ કપમાં ઇટાલીના ખેલાડી સાથે ખરાબ વર્તન બદલ ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવાયો હતો.
આ ઉપરાંત 2010ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઘાના સામે હાથ વડે કરેલા વિવાદાસ્પદ ગોલના કારણે ઉરુગ્વે સેમિફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહ્યું હતું.
જોકે સુઆરેઝના જણાવ્યા પ્રમાણે આ બધી બાબતોનું અત્યારે કંઇ મહત્વ રહ્યું નથી. બીજા તરફ તેની બાર્સેલોના છોડવાની અફવા અંગે સુઆરેઝે જણાવ્યું હતું,
"હું અત્યારે વર્લ્ડ કપ સિવાય બીજા કોઇ જ મુદ્દા પર વિચારી રહ્યો નથી. બાર્સેલોનાના મારા સાથી ખેલાડી લાયોનલ મેસ્સી અને મેં એકબીજાને વર્લ્ડ કપ માટે શુભેચ્છા વ્યક્ત કરી છે."
ફક્ત સુઆરેઝ જ ઉરુગ્વેને એકમાત્ર સ્ટાર ખેલાડી નથી.
સુરાએઝની સાથે પેરિસ સેન્ટ જર્મેનનો સાથી ખેલાડી એડિસન કવાની પણ વિરોધી ટીમ સામે આક્રમણ કરવા માટે જાણીતો છે. આ ઉપરાંત મિલફિલ્ડમાં રોડ્રીગો બેટાન્કર અને માટિયાસ વેસિનો પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. કેપ્ટન ડીયેગો ગોડીન અને ઉરુગ્વેના ઇતિહાસમાં સૌથી વધારે મેચ રમનાર મેક્સી પેરેરિયાનો અનુભવ ટીમને વધુ મજબૂત બનાવે છે.
ઉરુગ્વે પોતાની પ્રથમ મેચ યેકાતારિનબર્ગમાં 15મી જૂને ઇજિપ્ત સામે રમશે.
ઇજિપ્ત અપસેટ સર્જવા આતુર
1990 બાદ પ્રથમ વર્લ્ડ કપ રમી રહેલા ઇજિપ્તની મોટાભાગના આશા તેના સ્ટાર સ્ટ્રાઇકર મોહમ્મદ સાલાહ પર રહેલી છે.
ઇંગ્લિશ પ્રીમિયર લીગની ટીમ લીવરપુલે તેને ગયા વર્ષે રોમામાંથી સૌથી વધુ કિંમત ચૂકવીને પોતાની ટીમમાં ખરીદ્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કરીને લીવરપુલ માટે 32 ગોલ પણ નોંઘાવ્યા હતા. જોકે ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં થયેલી ઇજાએ તેના વર્લ્ડ કપમાં રમવા પર પ્રશ્નાર્થ મૂકી દીધો હતો.
જોકે ઇજિપ્તના જણાવ્યા પ્રમાણે સાલાહ લગભગ પ્રથમ મેચ ગુમાવે તેમ છતાં પણ તે બાકીની તમામ મેચોમાં રમી શકશે.
સાલાહ શાનદાર ખેલાડી છે પણ અમે સમગ્ર ઇજિપ્તનો ભાર તેની પર થોપવા માગતા નથી
ઇજિપ્તના કોચ, આર્જેન્ટાઇન હેક્ટરે જણાવ્યું હતું કે, "સાલાહ શાનદાર ખેલાડી છે પણ અમે સમગ્ર ઇજિપ્તનો ભાર તેની પર થોપવા માગતા નથી. તેણે લીવરપુલ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સાલાહે પણ આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. તેનું ફોર્મમાં હોવું ઇજિપ્ત માટે ફાયદાકારક છે. લીવરપુર માટે તેણે જેવું પ્રદર્શન કર્યું છે તેવું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન તે દેશ માટે કરવા પણ સક્ષમ છે."
"જોકે મોહમ્મદ સાલાહ પાછળ ટીમના અન્ય ખેલાડીઓની મહેનત પણ છે જેમણે ટીમને વર્લ્ડ કપ સુધી પહોંચવામાં મદદ કરી છે."
જો સાલાહ વર્લ્ડ કપમાં ન રમે તો એ સુઆરેઝ તથા ઉરુગ્વેના હિતમાં રહેશે.
સાલાહની લોકપ્રિયતા પાછળ સુઆરેઝે તેની ઇજા અંગે કરેલી ટીપ્પણી પણ જવાબદાર છે. જો સાલાહ વર્લ્ડ કપમાં ન રમે તો એ સુઆરેઝ તથા ઉરુગ્વેના હિતમાં રહેશે. સુઆરેઝ કે જે છેલ્લો વર્લ્ડ કપ ઘૂંટણની ઇજાના કારણે ગુમાવવાની અણી પર હતો તેણે સાલાહની વર્લ્ડ કપમાં રમવાની આશા વ્યક્ત કરી હતી.
સુઆરેઝે જણાવ્યું હતું કે, "જ્યારે સાથી ખેલાડી ઇજાગ્રસ્ત થાય છે ત્યારે તે નિરાશાજનક બની રહે છે. જ્યારે હું રમું છું ત્યારે મજબૂત વિરોધીની સામે રમવાની આશા વ્યક્ત કરું છું. જેથી હું ઉરુગ્વે માટે શાનદાર પ્રદર્શન કરી શકું. વિરોધી ટીમ માટે નહીં પરંતુ ઉરુગ્વે મજબૂત ટીમ સામે જીતે તેવી મારી ઇચ્છા હોય છે એટલે જ હું સાલાહના ફીટ થવાની ઇચ્છા વ્યક્ત કરું છું. હું ચાર વર્ષ પહેલા જે પરિસ્થિતિમાં હતો કે જ પરિસ્થિતિમાં સાલાહ અત્યારે છે."
વર્લ્ડ કપમાં ઇજિપ્ત તરફથી એસ્સામ અલ - હદારે જો ફિલ્ડ પર રમવા ઊતરશે તો એ 45 વર્ષની વયે વર્લ્ડ કપ રમનારા ખેલાડી તરીકે એક નવો કિર્તીમાન સ્થાપિત કરશે.
સાઉદી અરેબિયા 1994માં નોકઆઉટમાં પ્રવેશ્યું હતું
ત્યાર બાદથી અત્યાર સુધી સાઉદી અરેબિયા માટે વર્લ્ડ કપમાં સફર યાદગાર રહી નથી. 1998, 2002 અને 2006 વર્લ્ડ કપ મળીને સાઉદી અરેબિયાએ નવ મેચ રમી છે એક પણ મેચમાં તેમનો વિજય થયો નથી.
તે 2010 અને 2014ના વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયું નહોતું પરંતુ નવા કોચ બેર્ટ વા માવિજ્કના શાનદાર માર્ગદર્શન હેઠળ સાઉદી અરેબિયા ફરીથી એક વખત મોટા સ્ટેજ પર રમવા માટે પસંદ થયું છે. જોકે આ વખતે બેર્ટ વાન માવિજ્કની અનુપસ્થિતિમાં ટીમના શાનદાર પ્રદર્શનની જવાબદારી આર્જેન્ટિનાના જુઆન એન્ટોનિયો પિઝ્ઝી પર રહેલી છે.
સાઉદી અરેબિયાએ તાજેતરમાં જ અલ્જિરીયા તથા ગ્રીસ સામે શાનદાર વિજય મેળવ્યો હતો તથા ઇટાલી સામેના પરાજયમાં પણ તેના પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવી હતી.
સાઉદી અરેબિયા પાસે ફક્ત ત્રણ જ ખેલાડી એવા છે જે યુરોપની ક્લબમાંથી રમે છે. જેમની પર દેશને 24 વર્ષ બાદ વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચાડવાનું દબાણ રહેશે.