કેન્દ્રીય સરકારના પ્રસ્તાવિત કાયદા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ વ્યક્તિ 10 હજાર ડોલરથી કિંમતની વસ્તુની ખરીદી અથવા સર્વિસની ચૂકવણીને આવરી લેતો નાણાકિય વ્યવહાર રોકડ રકમમાં કરશે તો તેને જેલની સજા થઇ શકે છે.
જોકે, કેન્દ્રીય સરકારના આ પ્રસ્તાવિત કાયદાનો વિરોધ પણ શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018-19ના કેન્દ્રીય બજેટમાં મોરિસન સરકારે રોકડમાં થતા નાણાકિય વ્યવહારની મર્યાદા 10 હજાર ડોલર કરવાની જાહેરાત કરી હતી.
પ્રસ્તાવિત કાયદા પ્રમાણે 10 હજાર ડોલર કે તેથી વધુની રકમનો નાણાકિય વ્યવહાર ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ અથવા ચેકથી જ કરવાનો રહેશે. જે જાન્યુઆરી 2020માં લાગૂ પડી શકે છે.

نخستوزیر اسکات موریسن Source: AAP
સીપીએ ઓસ્ટ્રેલિયાના ગેરી ફ્લુગ્રાથે જણાવ્યું હતું કે દેશમાં કાળુ નાણું ઓછું થાય અને ગુનાહિત પ્રવૃત્તિના પ્રમાણમાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર આ કાયદો અસ્તિત્વમાં લાવી રહી છે પરંતુ પ્રસ્તાવિત કાયદો કોઇ પણ સામાન્ય વ્યક્તિના નાણાકિય વ્યવહાર અને તેના ઇરાદાને જાણ્યા વિના જ તેને બે વર્ષ સુધી જેલમાં પણ ધકેલી શકે છે.
પ્રસ્તાવિત કાયદો નાણાકિય વ્યવહારમાં ગેરરીતિ આરચનાર સામે કડક પગલાં લેશે જ્યારે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રોનો ઇલેક્ટ્રોનિક પેમેન્ટના વિકલ્પનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરશે પરંતુ વન નેશન સરકારના આ પ્રસ્તાવનો વિરોધ કરશે તેમ સેનેટર માલ્કમ રોબર્ટ્સે જણાવ્યું હતું.
બીજી તરફ, આસિસ્ટન્ટ ટ્રેઝરર માઇકલ સુક્કરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં ગુનાખોરી પ્રવૃત્તિ કરતા જૂથ દ્વારા રોકડા નાણાકિય વ્યવહારથી કાર, મકાન અને જ્વેલરી ખરીદવાનું પ્રમાણ વધ્યું હોવાના પૂરાવા હોવાથી સરકારે મર્યાદા નક્કી કરવાનું વિચાર્યું છે. જોકે, નવા કાયદા પ્રમાણે વ્યક્તિગત નાણાકિય વ્યવહારો પર કોઇ અસર નહીં થાય.
ઉદાહરણ દ્વારા સમજીએ
કોઇ વ્યક્તિ પોતાની વ્યક્તિગત મિલકત અન્ય કોઇ વ્યક્તિને રોકડમાં વેચે, જેમ કે 15 હજાર ડોલરની કાર અન્ય કોઇ વ્યક્તિને વેચતી વખતે નાણાકિય વ્યવહાર રોકડ રકમમાં થઇ શકે છે પરંતુ, વ્યક્તિગત રીતે કોઇ પણ ડીલર પાસેથી 10 હજાર ડોલર કે તેથી વધુની કિંમતની કાર ખરીદતી વખતે તે વ્યવહાર રોકડમાં થઇ શકશે નહીં, તેમ સુક્કરે AAP ને જણાવ્યું હતું.
Share


