એક રીસર્ચ પ્રમાણે દરેક વર્ષે ઓસ્ટ્રેલિયામાં કુલ 250,000 લોકો માનસિક બિમારીઓને લગતી સમસ્યાના કારણે ડોક્ટરની સારવાર લેવા મજબૂર થાય છે. જીવન જીવવા માટે આરોગ્ય સૌથી મહત્વનું છે, શારીરિક સ્વસ્થતા શ્રેષ્ઠ જીવન જીવવા માટે જેટલી જરૂરી છે એટલી જ જરૂરી માનસિક સ્વસ્થતા પણ છે.
જોકે તાજેતરના કેટલાક કિસ્સાઓ પ્રમાણે ગુજરાતી તથા અન્ય સ્થળાંતરિત સમાજના લોકોને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા અંગે પડી રહેલી મુશ્કેલીઓના કારણે માનસિક બિમારીના ભોગ બનતા હોય તેવા કિસ્સા જોવા મળે છે.
એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતરિત થવાની પરિસ્થિતિ આવે ત્યારે તે વ્યક્તિ માનસિક રીતે ઘણો સંઘર્ષ કરતો જોવા મળે છે, નવી સંસ્કૃતિ, નવા રીત – રિવાજ, નવી ભાષા અને સ્થાનિક લોકો સાથે તાલમેલ બેસાડવામાં પડનારી મુશ્કેલીઓના કારણે તે માનસિક બિમારીનો ભોગ બને છે.
ઓસ્ટ્રેલિયાના પર્થમાં પ્રેકટીસ કરતા ડો. કામિનીબેનના જણાવ્યા અનુસાર, “માનસિક સ્વાસ્થ્ય આપણી કામગીરી પર અસર કરે છે.તેમના મતે કોઇ પણ વ્યક્તિ બીજા દેશમાં આવે છે અને તે પોતાના રીતરિવાજના કારણે અહીંની જીવન જીવવાની શૈલી સાથે તાલમેલ બેસાડવામાં સંઘર્ષ કરતો જોવા મળે છે.”

Young man looking worried. Source: Getty Images
કેટલાક કિસ્સામાં યુવાન દંપતીને ત્યાં નવા મહેમાનનું અવતરણ થવાનું હોય ત્યારે તેઓ માતા-પિતાને ઓસ્ટ્રેલિયા બોલાવતા હોય છે. આ સમયે તેઓને માતા-પિતાને ઘણી બધી સગવડ તથા સાથ સહકાર આપવાની ઈચ્છા હોય છે પણ અહીંની પરિસ્થતિ અને નોકરી વચ્ચે તેનો તાલમેલ બેસાડવો મુશ્કેલ પડે છે અને માનસિક સંઘર્ષમાં પરિણામે છે.
બીજી તરફ, માતા પિતાને પણ અહીં ઓસ્ટ્રેલિયાની નવી સંસ્કૃતિમાં સેટ થવામાં સમય લાગે છે અને અહીં નહીં ફાવતું હોવાના વિચારો તેમને માનસિક તણાવ આપે છે.
આ ઉપરાંત તાજેતરમાં જ સ્થળાંતરિત થયેલા પરિવારોને તેમના બાળકો અહીંની સંસ્કૃતિમાં સેટ થશે કે કેમ તે અંગેની ચિંતા સતાવતી હોય છે. કેટલાક કિસ્સામાં માતા – પિતાને પોતાના બાળકો પોતાના મૂળની સંસ્કૃતિને ભૂલી જશે તેવી બીક લાગતી હોય છે.
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે મોટી સંખ્યાંમાં વિદ્યાર્થીઓ આવે છે, તેઓ પણ માનસિક બિમારીની સમસ્યાનો શિકાર બને છે. કુંટુબીજનોથી દૂર જવું જ તેમની મોટી સમસ્યા બની રહે છે આ ઉપરાંત અભ્યાસ દરમિયાન નોકરી કરવી, ફી ભરવી, યુનિવર્સીટીના એસાઇમેન્ટ્સ કરવા તથા પરીક્ષા પાસ કરવાની ચિંતા રહે છે.
આ અંગે વાત કરતા ડો. શશી પટેલે જણાવ્યું હતું કે, “મેં ઘણા જગ્યાએ માનસિક બિમારીનો ભોગ બનતા લોકોને જોયા છે. વિદ્યાર્થીઓની સમસ્યા ફી ભરવા ના પૈસા ન હોવાથી નોકરી કરી, નોકરીની સાથે સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું, એસાઇમેન્ટ કરવું જેવી પ્રવૃત્તિઓમાં તાલમેલ જાળવવામાં કેટલાક વિદ્યાર્થીઓ માનસિક તણાવનો ભોગ બને છે અને તેમને યોગ્ય પ્રકારની સારવારની જરૂર પડે છે.”

Professional men and women meditating in an office to relax. Source: Getty Images
“આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન બોર્ડર અને કસ્ટમ સર્વિસ દ્વારા ચાલતા રેફયુજી સેન્ટરમાં એક મહિલાએ પોતાનો દીકરો ગુમાવ્યો હતો અને જેનો આઘાત તે સહન ન કરી શકતા માનસિક બિમારીનો ભોગ બની હતી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.”
આ અંગે ડો.ઉદ્ભવે જણાવ્યું હતું કે, “ માનસિક સમસ્યાના બે પ્રકાર છે. ઓર્ગનિક મેન્ટલ ડિસઓર્ડર એટલે કે જે તે સમયે વ્યક્તિના મગજના કોષોનેકોઈ ઇજાથી, શરીરની કિડની, લીવર, થાયરોઇડ કે વિટામિનની ઉણપ અન્ય રોગની આડ-અસર કે કોઈ રાસાયણિક તત્વના કારણે ઇજા પહોંચી હોય જે મગજ કાર્ય કરવાની પ્રક્રિયા ને અસર કરે.”
“બીજો ઈનઓર્ગનિક મેન્ટલ ડિસઓર્ડર એટેલે શરાબ કે ડ્રગના વધુ ઉપયોગથી મગજને અસર થતા માણસની વિચારવાની રીત બદલાય અને ખોટા વિચારો કરતા તે ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્યને અસર કરે.”
માનસિક બિમારીનો ઉકેલ ટોકિંગ થેરાપી
ડો.શશીભાઈ અને ડો.કામિનીબેનના જણાવ્યા પ્રમાણે, આ સમસ્યાનો ઉપાય છે, ટોકિંગ થેરાપી અને દવા. વ્યક્તિ જે વાત કરતા શરમાય તે વાત ખુલ્લા મનથી કરવી, જરૂરી ઊંઘ લેવી, કોઈ શારીરિક શ્રમ ના કરવો અને ખાસ તો ડોક્ટરની સલાહ લેવી. પોતાને પડી રહેલી મુશ્કેલીઓ ડોક્ટર સાથે વહેંચવાથી તેનો કોઇ ઉકેલ આવી શકે છે.