ડેવિડ હર્લી ઓસ્ટ્રેલિયાના નવા ગવર્નર જનરલ તરીકે નિમાયા છે. મંગળવારે પાર્લામેન્ટ હાઉસ ખાતે તેમણે ગવર્નર જનરલ તરીકેના શપથ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે સર પીટર કોસગ્રોવનો ગવર્નર જનરલ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ હર્લીની ઓસ્ટ્રેલિયાના નવા ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સર પીટર કોસગ્રોવે ઓસ્ટ્રેલિયાના 26મા ગવર્નર જનરલ તરીકે 2014-2019 સુધી કાર્યકાળ સંભાળ્યો હતો.
શપથ લીધા બાદ ડેવિડ હર્લીએ તેમના કાર્યકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયન્સને મજબૂત બનાવવા અને તેમની સુખાકારી માટે કાર્ય કરવાને પ્રાથમિકતા આપવાનું કહ્યું છે.

Prime Minister Scott Morrison stands behind David Hurley ahead of his swearing in ceremony at Parliament House. Source: AAP
દેશના 27મા ગવર્નર જનરલ
ડેવિડ હર્લીએ મંગળવારે પાર્લામેન્ટ હાઉસ ખાતે ઓસ્ટ્રેલિયાના 27મા ગવર્નર જનરલ તરીકે શપથ લીધા હતા. તે શપથ દરમિયાન તેમની પત્ની લીન્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના ચીફ જસ્ટિટ સુસાન કેઇફેલે તેમને દેશ માટે વફાદારી અને નિષ્ઠા જાળવી રાખવા અંગેના શપથ લેવડાવ્યા હતા.
ત્યાર બાદ નવનિયુક્ત ગવર્નર જનરલ ડેવિડ હર્લી અને પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરીને સમારંભ સમાપ્ત કર્યો હતો.
વૃદ્ધો-નિરાશ્રીતો અને આદિજાતીના ઓસ્ટ્રેલિયન્સ માટે કાર્યો
નવનિયુક્ત ગવર્નર જનરલ ડેવિડ હર્લીએ ઓસ્ટ્રેલિયાના વૃદ્ધો, નિરાશ્રીતો તથા આદિજાતી સમુદાય માટે કાર્ય કરવાનું જણાવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં પાર્લામેન્ટને સંબોધન કરતા જણાવ્યું હતું કે ન્યૂ સાઉથ વેલ્સના ગવર્નરના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમાજને નજીકથી જાણ્યો અને તેમની સકારાત્મક બાબતોનું જ્ઞાન મેળવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમાજ પ્રગતિ કરી રહ્યો છે અને એક ગવર્નર જનરલ તરીકે હું ઓસ્ટ્રેલિયામાં વસતા વિવિધ સમાજના લોકોને તેમનો વિકાસ થાય તે માટે સહારો આપવા આતુર છું.
દાયકાઓ સુધી સૈન્યબળમાં સેવા આપી
ઓસ્ટ્રેલિયન સૈન્યબળમાં 42 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ડેવિડ હર્લી 2014માં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના ગવર્નર બન્યા હતા. સૈન્યબળમાં તેમના કાર્યકાળ દરમિયાન હર્લી અંતિમ ત્રણ વર્ષ માટે ડીફેન્સ ફોર્સના ચીફ પણ બન્યા હતા.
Image
લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ક્ષમતા
પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગવર્નર જનરલ ડેવિડ હર્લીમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ક્ષમતા છે. સૈન્યબળમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે લોકોની મુશ્કેલીઓને સરળતાથી હલ કરીને સફળ આગેવાનીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કોમનવેલ્થ દેશોમાં પ્રધાનમંત્રીના સૂચન બાદ ક્વિન દ્વારા ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે.
ડેવિડ હર્લીને 1993માં સોમાલિયામાં ઓપરેશન સોલેસ (Operation SOLACE) દરમિયાન આગેવાની કરવા બદલ Distinguished Service Cross એવોર્ડ એનાયત થયો હતો.
Share


