વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલનો ફીફા વિમેન્સ વર્લ્ડ કપ 2019 ફ્રાન્સમાં શરૂ થવા જઇ રહ્યો છે. એક મહિના સુધી રમાનારી આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ સહિત 24 ટીમો વચ્ચે ટક્કર જોવા મળશે. ફૂટબોલ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમની તમામ મેચનું SBS પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
2015માં કેનેડામાં રમાયેલા ફીફા વિમેન્સ વર્લ્ડ કપને લગભગ 750 મિલિયન લોકોએ નિહાળ્યો હતો. આગામી 8મી જૂનથી ફ્રાન્સ ખાતે શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખે તેવી આશા રખાઇ રહી છે.
યજમાન ફ્રાન્સ અને સાઉથ કોરિયા વચ્ચે રમાનારી પ્રથમ મેચ, સેમિ-ફાઇનલ મેચ તથા ફાઇનલ મેચની ટીકિટો વેચાઇ ગઇ છે.
અમેરિકા - ટૂર્નામેન્ટ જીતવા ફેવરિટ
અમેરિકન ફૂટબોલ ટીમે 2015માં કેનેડામાં રમાયેલો ફીફા વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે પણ તે વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર મનાય છે. જોકે, બીજી તરફ ફ્રાન્સ, જર્મની અને જાપાન પણ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ છે.

Australia women's national soccer team's Alanna Kennedy (L) and Teigen Allen (left 2) exercise during a training session. Source: Anadolu
ઓસ્ટ્રેલિયાને આસાન ડ્રો
ઓસ્ટ્રેલિયન ફૂટબોલ ટીમ – જે મટિલ્ડાના નામથી પ્રખ્યાત છે, તેને ગ્રૂપ – ‘સી’ માં સ્થાન આપવામાં આવ્યું છે. તેના ગ્રૂપમાં 15મા ક્રમાંકે રહેલી ઇટાલી, 10મો ક્રમ ધરાવતું બ્રાઝિલ અને 53મો ક્રમ ધરાવતા જમૈકાને સ્થાન મળ્યું છે. 6ઠો ક્રમ ધરાવતી ઓસ્ટ્રેલિયન ટીમ ગ્રૂપમાં ટોચનો ક્રમ મેળવવા માટે ફેવરિટ છે.
ઓસ્ટ્રેલિયન ટીમ ફીફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ક્યારેય પણ સેમિફાઇનલ સુધી પહોંચી નથી, આ વખતે ઓસ્ટ્રેલિયન મેન્સ ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને વિમેન્સ ટીમના વર્તમાન કોચ આન્ટે મીલ્ચીચ પાસેથી સમગ્ર દેશને શાનદાર દેખાવની આશા છે.
ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડીઓ પર એક નજર
ઓસ્ટ્રેલિયાની ટીમ ફીફા વર્લ્ડ કપ 2019માં ટીમ કેપ્ટન સેમ કેર પર આધાર રાખશે. 25 વર્ષીય સેમ કરે અત્યાર સુધીમાં 147 મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેણે 47 ગોલ કર્યા છે.
આ ઉપરાંત, કૈટલિન ફોર્ડ, લિસા ડી વન્ના, ડીફેન્ડર અલાના કેનેડી, મિડફિલ્ડર એમિલી વાન એગમન્ડ અને એલિસ કેલોન્ડ-નાઇટ પાસેથી પણ પ્રશંસકોને શ્રેષ્ઠ પ્રદર્શનની આશા છે.
Image
વિમેન્સ ફૂટબોલનું મહત્વ વધ્યું
ફીફા વર્લ્ડ કપ 2019માં વિશ્વના 24 દેશો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાની ફૂટબોલર મેલિસા બારબેઇરીના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક વર્ષોમાં વિમેન્સ ફૂટબોલનું મહત્વ વધ્યું છે. જેમ કે, ઓસ્ટ્રેલિયન વિમેન્સ ફૂટબોલ ટીમ પણ વર્ષના લગભગ તમામ દિવસે ફૂટબોલ રમે છે જેથી ટીમ વધુ મજબૂત થઇ રહી છો.
એવા કેટલાય પણ અખાતી દેશો છે કે જેઓ મહિલાઓને ફૂટબોલ રમવા કે નિહાળવાની પરવાનગી આપતા નથી. મને આશા છે કે વિમેન્સ વર્લ્ડ કપના કારણે અન્ય દેશો પણ ફૂટબોલ રમવા પ્રેરાશે અને તેના કારણે મેન્સ અને વિમેન્સ ફૂટબોલ ટીમો વચ્ચેનું અંતર ઘટશે.
વિમેન્સ વર્લ્ડ કપમાં ઇનામી રકમ
2019ના વર્લ્ડ કપની ઇનામી રકમ લગભગ 43.4 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર જેટલી રાખવામાં આવી છે. જે 2015માં રમાયેલા વર્લ્ડ કપ કરતાં બે ગણી છે.

Matildas thuộc nhóm C Source: FIFA
ફીફા વર્લ્ડ કપ 2019નું SBS પર જીવંત પ્રસારણ
SBS પર ઓસ્ટ્રેલિયાની તમામ મેચ, ફ્રાન્સ – સાઉથ કોરિયા વચ્ચેની વર્લ્ડ કપની પ્રથમ મેચ, ક્વાર્ટર ફાઇનલ્સ, સેમિ-ફાઇનલ્સ અને ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ગ્રૂપ સ્ટેજ
ફ્રાન્સ વિ. સાઉથ કોરિયા – 8 જૂન (સવારે 5 વાગ્યે)
ઓસ્ટ્રેલિયા વિ. ઇટાલી – 9 જૂન (રાત્રે 9 વાગ્યે)
ઓસ્ટ્રેલિયા વિ. બ્રાઝિલ – 14 જૂન (મોડી રાત્રે 2 વાગ્યે)
ઓસ્ટ્રેલિયા વિ. જમૈકા – 19 જૂન (સવારે 5 વાગ્યે)
સેમિફાઇનલ
પ્રથમ સેમિફાઇનલ – 3જી જુલાઇ (સવારે 5 વાગ્યે)
બીજી સેમિફાઇનલ – 4થી જુલાઇ (સવારે 5 વાગ્યે)
ફાઇનલ
ફાઇનલ – 8મી જુલાઇ (રાત્રે 1 વાગ્યે)