ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસિડેન્સી એટલે કે કાયમી વસવાટ આપવાની સંખ્યા પર કાપ મૂકવાથી દેશના શહેરોમાં વધતી જતી ભીડ ઓછી નહીં થાય.
શહેરોમાં વધતી ભીડ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે થઇ રહી છે તેમ ભૂતપૂર્વ ઇમિગ્રેશન ઓફિસરે જણાવ્યું હતું.
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, "શહેરોના રસ્તા પર ભીડ વધી છે, શાળાઓમાં એડમિશન મળતું નથી, તેથી તેમની સરકાર આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાના પર્મેનન્ટ રેસિડેન્સી આપવાના આંકડામાં 30 હજારનો ઘટાડો કરવા અંગે વિચારી રહી છે."

પરંતુ ઇમિગ્રેશન વિભાગમાં નાયબ સચિવ તરીકે કામ કરી ચૂકેલા અબુલ રીઝવીએ SBS News ને જણાવ્યા પ્રમાણે, "આ પોલીસી અમલમાં લાવ્યા બાદ પણ કોઇ મોટો ફેરફાર થશે નહીં."
"ઓસ્ટ્રેલિયાના પૂર્વીય તટ પર આવેલા શહેરોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે ભીડ થઇ રહી છે. પર્મેનન્ટ રેસિડેન્સી (કાયમી વસવાટ) હેઠળ આવતા લોકોના કારણે નહીં," તેમ તેમણે ઉમેર્યું હતું.
"આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં વધી રહેલી વસ્તીનું એક મુખ્ય કારણ છે અને તેમાંથી મોટાભાગના લોકો સિડની, મેલ્બોર્ન તથા બ્રિસબેન પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે."

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉપરાંત, ટૂંક સમય માટે કાર્ય કરવા આવતા કર્મચારીઓ અને પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. 2011-12માં 32 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. જે 2016-17 દરમિયાન 1 લાખના આંકડાને પાર કરી ગયા છે.
" આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ત્યાર બાદ વિવિધ પ્રકારના વિસા દ્વારા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થાય છે અને તેમાંથી કેટલાક પર્મેનન્ટ રેસિડેન્ટ (કાયમી વસવાટ) મેળવવાની ઇચ્છા ધરાવે છે."
રીઝવીના જણાવ્યા પ્રમાણે, "પર્મેનન્ટ માઇગ્રન્ટ્સને અંતરીયાળ વિસ્તારોમાં મોકલવાની સરકારની યોજના સિડની તથા મેલ્બોર્નમાં વધી રહેલી વસ્તી ઘટાડશે."

"આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ સિડની તથા મેલ્બોર્નમાં સ્થાયી થયા છે. તેમને એડિલેડ, ડાર્વિન, હોબાર્ટ તથા ઓસ્ટ્રેલિયાના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં મોકલવામાં આવશે. જેની સિડની તથા મેલ્બોર્ન પર અસર થશે."
"જોકે, જેમ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે, આ એક મામૂલી અસર હશે," તેમ રીઝવીએ ઉમેર્યું હતું.
લેબર પક્ષના તાન્યા પ્લીબરસેકના જણાવ્યા પ્રમાણે, "સરકારે ટૂંકાગાળા માટેના ઘણા વિસા આપી દીધા છે."
"જે - તે ક્ષેત્રમાં કર્મચારીઓની અછત હોય તેમાં ટૂંકા સમયના વિસા આપીને વિદેશથી કર્મચારીઓ બોલાવવાને બદલે ઓસ્ટ્રેલિયાના નાગરિકોને જ યોગ્ય પ્રકારની ટ્રેનિંગ પૂરી પાડીને આ સમસ્યાનો હલ કાઢી શકાય," તેમ તાન્યાએ જણાવ્યું હતું.

