Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આ બીજા તબક્કામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે "કાંટે કી ટક્કર" જેવી સ્થિતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આ બીજા તબક્કામાં જે ૯૩ બેઠક પર હવે મતદાન છે, તેમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ભૂતપૂર્વ સનદી અધિકારી અને નર્મદા વિકાસ ખાતાના માજી પ્રધાન જયનારાયણ વ્યાસ, દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર જેવા જાણીતા નેતાઓના ભાવિનો ફેંસલો થશે

Narendra Modi and Rahul Gandhi
Source: AAP-EPA-Divyakant Solanki

દિવસોની ગાજવીજ પછી આખરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર સંપૂર્ણપણે બંધ થયો છે. ગયા શનિવારે ૮૯ બેઠકો માટે મતદાન યોજાઈ ગયા બાદ બાકીના ૯૩ મતદારસંઘમાં આવતી કાલે એટલે કે ગુરુવારે વૉટિંગ થવાનું છે અને એ બેઠકો પરનો પ્રચાર મંગળવારે સાંજે પૂરો થયો છે.

મતદાનના આ બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો પર કુલ ૮૫૧ ઉમેદવારો મેદાનમાં છે. રાજધાની ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા ઉપરાંત મહેસાણા, ખેડા, આણંદ, પાટણ, દાહોદ, વગેરે જિલ્લામાં કાલે મતદાન યોજવાનું છે. જેમનું ભવિષ્ય ૧૪મી ડિસેમ્બરે નક્કી થવાનું છે એમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ભૂતપૂર્વ સનદી અધિકારી અને નર્મદા વિકાસ ખાતાના માજી પ્રધાન જયનારાયણ વ્યાસ, દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર મુખ્ય છે.

નીતિન પટેલ એમના વતન મહેસાણામાંથી તો જયનારાયણ વ્યાસ સિદ્ધપુરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ગયા મહિને કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને ઉત્તર ગુજરાતના પાલનપુરમાંથી ટિકિટ મળી છે તો જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ટેકાથી અપક્ષ તરીકે વડગામ એ મતવિસ્તારમાંથી ઊભા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આ બીજા તબક્કામાં જે ૯૩ બેઠક પર હવે મતદાન છે, એમાંથી છેલ્લી એટલે કે ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા અર્થમાં "કાંટે કી ટક્કર" જેવી સ્થિતિ હતી. એ વખતે ભાજપે બાવન (૫૨) બેઠક જીતી હતી તો ૪૧ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. આ સામે બંને પક્ષને મળેલા મતના આંકડા જોઈએ તો બે વચ્ચે અડધા ટકાનો પણ ફરક નહોતો. એમાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતની ૫૪માંથી ગ્રામિણ વિસ્તારોની ૩૧ બેઠક કોંગ્રેસે અંકે કરી હતી, જયારે ભાજપને માત્ર ૨૩ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. શહેરી વિસ્તારોમાં સારા દેખાવને લીધે જ ભાજપને અહીં વધુ સફળતા મળી હતી.

આ જ કારણે કોંગ્રેસને અહીં આ વખતે વધારે બેઠક જીતવાની આશા છે. એમાં પણ ઉત્તર ગુજરાતના પટેલ મતદારો પર કોંગ્રેસનો વધુ દારોમદાર છે. પાટીદાર આગેવાન હાર્દિક પટેલની સભાઓને આ વિસ્તારમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે અને કોંગ્રેસને ઉમ્મીદ છે કે એનું મતમાં પરિવર્તન થશે. ઉત્તર ગુજરાતમાં ઓબીસી મતદારો પણ મોટી સંખ્યામાં છે એટલે કોંગ્રેસે એમને આકર્ષવા અલ્પેશ ઠાકોરને પણ આગળ કર્યા છે.

બીજી બાજુ, ભાજપે ઉત્તર અને મધ્ય ગુજરાતની પરંપરાગત આદિવાસી બેઠક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

પહેલા તબક્કાની જેમ જ, આ વખતે પણ બંને મુખ્ય પક્ષે પ્રચાર માટે સ્થાનિક આગેવાનો કરતા દિલ્હીની નેતાગીરી પર વધારે આધાર રાખ્યો હતો અને રાબેતા મુજબ એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નવ નિર્વાચિત કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી છવાયેલા રહ્યા.


3 min read

Published

Updated

By Hiren Mehta



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now