SKIP TO MAIN CONTENT

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની છેલ્લા દિવસોની ગાજવીજ

અગાઉ કદાચ ક્યારેય કોઈ એક રાજ્યની વિધાનસભા ચૂંટણીને ન મળ્યું હોય એટલું મહત્વ આ વખતે ગુજરાતને મળી રહ્યું છે. અને આ જ કારણે પ્રચારના છેલ્લા દિવસોમાં ગુજરાતમાં આવા નેતાઓની જાણે આખી પલટન ઊતરી આવી હતી.

Gujarat Vidhansabha
Gujarat Vidhansabha Source: Wikimedia commons

3 min read

Published

Updated

By Hiren Mehta



Skip to article content

આજી અને માજી વડાપ્રધાન, બે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, છ કેન્દ્રીય પ્રધાન, બે રાજ્યના મુખ્ય પ્રધાન અને રાજ્ય સ્તરના અન્ય તો અનેક આગેવાનો... 

અગાઉ કદાચ ક્યારેય કોઈ એક રાજ્યની વિધાનસભા ચૂંટણીને ન મળ્યું હોય એટલું મહત્વ આ વખતે ગુજરાતને મળી રહ્યું છે. અને આ જ કારણે ગુરુવારે ગુજરાતમાં આવા નેતાઓની જાણે આખી પલટન ઊતરી આવી હતી. રાજ્યના અડધોઅડધ વિસ્તારોમાં ગુરુવારે પ્રચારનો છેલ્લો દિવસ હતો. 

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે શનિવાર એટલે કે ૯ ડિસેમ્બરે મતદાન થવાનું છે. એ તમામ મતવિસ્તારોમાં ગુરુવારે સાંજે પ્રચારના પડઘમ શમી ગયા. અલબત્ત, ઉમેદવારો ઝાઝી ગાજવીજ વગર અહીં ડોર-ટુ -ડોર કેમ્પેઈન કરી શકશે. જો કે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે એમાં મતવિસ્તારની બહારના નેતાઓ ભાગ નહીં લઈ શકે. 

સુરત, રાજકોટ, ભાવનગર, કચ્છ, જામનગર, ભરૂચ, વલસાડ, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર સહિત 19 જિલ્લાની જે ૮૯ બેઠક માટે શનિવારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં કુલ ૯૭૭ ઉમેદવારો મેદાનમાં છે. જો કે મોટા ભાગે ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ થવાની છે.

એમાં સૌથી મહત્વનો જંગ રાજકોટની એક બેઠક પર છે જ્યાંથી મુખ્ય મંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યા છે. અહીં એમનો મુકાબલો રાજકોટના જ કોંગ્રેસી વિધાનસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે છે જે સમગ્ર ગુજરાતના સૌથી ધનાઢ્ય ઉમેદવાર છે.

કહેવાય છે કે ગયા સપ્તાહ દરમિયાન ભાજપના કેટલાક કાર્યકરોએ ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈ પર હુમલો કર્યો હતો. એ પછીની તંગદિલી વચ્ચે રાજકોટવાસીઓ શનિવારે મતદાન કરવા નીકળશે. કોંગ્રસના બે મોટા આગેવાનોનું ભવિષ્ય પણ શનિવારે નક્કી થવાનું છે. એ છે ભૂતપૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ, જે કચ્છની માંડવી બેઠક પરથી લડી રહ્યા છે તો માજી રાજ્ય કોંગ્રસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પોરબંદરથી મેદાનમાં ઊતર્યા છે.

સોમવાર સાંજથી બુધવાર સુધીના 48 કલાક વાવાઝોડાંની અસર અને વરસાદી માહોલને લીધે ગુજરાતભરમાં પ્રચારકાર્ય ખોરવાઈ ગયું હતું અને એનું સાટું વાળતાં હોય એમ બંને પક્ષના આગેવાનો ગુરુવારે ગુજરાતમાં છવાઈ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત ખાતેની રદ્દ થયેલી સભા એક દિવસ પાછળ એટલે કે ગુરુવારે બપોરે યોજવામાં આવી હતી. બીજી બાજુ, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ ગુરુવારે ગુજરાતમાં હતા. ભાજપ પ્રમુખ અમિત શાહ, રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઊર્મિલાબહેન પટેલ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની સહિતનાં કેન્દ્રીય પ્રધાનો સુદ્ધાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પ્રચાર માટે આવ્યા હતા.

હવે આ બધાની દોડ રાજ્યની બાકીની ૯૩ બેઠક તરફ રહેશે જ્યાં આવતા ગુરુવારે એટલે કે ૧૪મી ડિસેમ્બરે મતદાન થવાનું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના આ મતવિસ્તારોમાં ૧૨મી ડિસેમ્બર સુધી પ્રચાર ચાલશે. શ્રોતામિત્રોને ખ્યાલ હશે જ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામ ૧૮ ડિસેમ્બરે જાહેર થવાનાં છે.


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now