જમ્મુ-કાશ્મીર સહીત ઉત્તર ભારતના રાજ્યોમાં ફરી થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં શિયાળાએ પાછી દેખા દીધી એટલે ફેબ્રુઆરીની શરૂઆતથી જ અચાનક આવી પડેલી ગરમીમાંથી પ્રજાને થોડી રાહત મળી. જો કે આ સીઝનની બીજી દાવની ઠંડી ઉડી જાય એવા સમાચાર છે.
આ વર્ષે ગુજરાતના મોટા ભાગની પ્રજાએ માર્ચ મહિનાથી જ પાણીકાપનો સામનો કરવો પડે એવી હાલત છે.
રાજ્યની આશરે ૭૫ ટકા પ્રજા એટલે કે ૧૭૦ જેટલા શહેર અને નગર તથા ૧૨,000 થી વધુ ગામના લોકો નર્મદા નદીના પાણી પર નભે છે.
રાજ્યના કુલ ૨૯૦ ડેમમાં આ દિવસોમાં હોવું જોઈએ એનાં કરતા ઘણું ઓછું પાણી છે.
નર્મદા નદી મધ્ય પ્રદેશમાંથી નીકળી ગુજરાત તરફ આવે છે. આ વખતે નદીના ઉપરવાસમાં એટલે કે મધ્ય પ્રદેશમાં વરસાદ ખૂબ ઓછો થયો હોવાથી નર્મદામાં પાણીની આવ નવેમ્બર મહિનાથી જ ઓછી થવા માંડી હતી. હજી તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત છે અને નર્મદા પરના સરદાર સરોવર ડેમમાં ૧૨૦ મીટરથી માત્ર બે મીટર વધુ પાણી છે.
આ સ્થિતિ સૂચવે છે કે ગુજરાતના માથે મોટું જળસંકટ મંડાયેલું છે. રાજ્યમાં અન્યત્ર પણ છેલ્લા ચોમાસા દરમિયાન ખાસ વરસાદ નોંધાયો નહોતો એટલે રાજકોટના આજી સહિતના રાજ્યના કુલ ૨૯૦ ડેમમાં આ દિવસોમાં હોવું જોઈએ એનાં કરતા ઘણું ઓછું પાણી છે.
મુખ્ય પ્રધાને ખેડૂતોને હમણાં કોઈ પાક ના લેવાનું સૂચવ્યું
જળસંકટની કટોકટીને ધ્યાનમાં લઇ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને હમણાં કોઈ પાક ના લેવાનું સૂચવ્યું છે. આમ પણ ૧૫ માર્ચથી રાજ્યમાં સિંચાઈ માટે આપવામાં આવતા પાણીનો પુરવઠો બંધ થવાનો છે. ચોમાસાની વિધિવત શરૂઆતને હજી ચાર મહિનાથી વધુ સમય બાકી છે એટલે આવનારા દિવસો ગુજરાત માટે બહુ સારા નહિ હોય.
ઘણા વર્ષ પછી ગુજરાતમાં પાણીની આવી અછત ઉભી થઇ છે.
Share

