છેલ્લાં પંદર વર્ષમાં રાજ્યમાં પહેલી વાર પાણીની આટલી ગંભીર અછત માથે છે ત્યારે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં વધુ પાણી છોડવાની ગુજરાત સરકારની વધુ એક વિનંતી મધ્ય પ્રદેશે અમાન્ય રાખી છે.
સરદાર સરોવર ડેમમાં વધુ પાણી છોડવાની ગુજરાત સરકારની વધુ એક વિનંતી મધ્ય પ્રદેશે અમાન્ય રાખી છે.
સ્વયં મધ્ય પ્રદેશમાં પાણીની અછત હોવાનું કારણ આપી સ્થાનિક સરકાર દ્વારા ગુજરાતની માંગણી નકારવામાં આવી છે.
ગયા વર્ષે ઓછા વરસાદને કારણે નર્મદા નદીના જળગ્રાહી વિસ્તારોમાં પાણીનો ઘણો ઓછો સંગ્રહ શક્ય બન્યો હતો. આ કારણે ગયા નવેમ્બર મહિનાથી એટલે કે દિવાળી પછીના થોડા જ દિવસ બાદ સરદાર સરોવર ડેમમાં પાણીની આવ ઘટી ગઈ હતી.
એ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી એટલે કહેવાય છે કે રાજ્ય પ્રશાસને સંભવિત જળકટોકટીની વાત જાહેર કરી નહોતી. જો કે વિજય રૂપાણીએ ફરી વાર મુખ્ય મંત્રી બન્યા પછી તરત જ રાજ્યના માથે પાણીની અછત તોળાતી હોવાનો એકરાર કર્યો હતો અને ખેડૂતોને સિંચાઇનું પાણી ન વાપરવા અનુરોધ કર્યો હતો.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકારે વિધિવત મધ્ય પ્રદેશને સરદાર સરોવરમાં વધુ પાણી છોડવાની અપીલ કરી હતી, પણ ત્યાંની ભાજપ સરકારે એવી શક્યતા નકારી કાઢી હતી.
ગુજરાત સરકારે ગયા મહિને કેન્દ્ર સરકાર હસ્તકની નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીને આ મામલે મધ્યસ્થી કરવા કહ્યું હતું, પણ મધ્ય પ્રદેશ સરકારે એ વિનંતી પણ માન્ય રાખી નથી. મધ્ય પ્રદેશનું કહેવું છે કે અત્યારના સંજોગમાં એ વધારાનું પાણી ફાળવી શકે એમ નથી. અત્યારે સરદાર સરોવર ડેમમાં એની મહત્તમ ક્ષમતાના ૪૫ ટકા જેટલું જ પાણી છે અને નર્મદાના પાણી પર નભતા ગુજરાતના અનેક વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે.
અત્યારના સંજોગમાં મધ્ય પ્રદેશ વધારાનું પાણી ફાળવી શકે એમ નથી
ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહ બાદ મધ્ય પ્રદેશે ગુજરાતને નર્મદાનું વધુ પાણી ફાળવ્યું હતું, પરંતુ એના પગલે મધ્ય પ્રદેશમાં મોટો વિવાદ થયો હતો. આ વર્ષે ત્યાં વિધાનસભા ચૂંટણી છે એટલે ત્યાં ભાજપનું રાજ હોવા છતાં મધ્ય પ્રદેશ ગુજરાતને વધારે પાણી આપવા તૈયાર નથી. પરિણામે અત્યારે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ડેડ સ્ટોરેજથી નીચે ગયું છે અને આ હાલતમાં પણ સરકારે એમાંથી પાણી ખેંચવું પડે એવી નોબત આવી છે.
ગુજરાતનાં દોઢસોથી વધારે શહેર અને નગર તથા આઠ હજારથી વધારે ગામ ઓછે-વધતે અંશે નર્મદાના પાણી પર નભે છે. હવે સરદાર સરોવર ડેમમાં જ પાણીનું સ્તર એટલું નીચું ગયું છે કે નર્મદા જ્યાં અરબી સમુદ્રને મળે છે એ ભરૂચ પાસેનો નદીનો પટ સાવ કોરોધાકોર છે.
Share

