હાલમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, છેલ્લા બે દિવસમાં સૌથી વધુ વરસાદ જો કોઇ જિલ્લામાં પડ્યો હોય તો તે વડોદરા છે. એક જ દિવસમાં પડેલા 18 ઇંચ વરસાદના કારણે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતી સર્જાઇ છે અને જાન-માલને ભારે નુકસાન થયું છે.
ફક્ત 14 કલાકમાં જ 18 ઇંચ
વડોદરામાં બુધવારે ફક્ત 14 કલાકમાં જ 18 ઇંચ જેટલો વરસાદ પડી જતા સમગ્ર શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને બે દિવસ બાદ પણ શહેરની પરિસ્થિતીમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી.
ભારે વરસાદના કારણે શહેરમાં અત્યાર સુધીમાં છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને બે જણા લાપતા બન્યા છે.

People wade in floodwaters to board a rescue boat of the Disaster Response Force (DRF) of the Gujarat state, in Vadodara. Source: STR/AFP/Getty Images
એનડીઆરએફ દ્વારા બચાવ કાર્ય
વડોદરા શહેરમાં બુધવારે બપોરથી શરૂ થયેલા વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને બચાવવા માટે એનડીઆરએફની વિવિધ ટુકડીઓ કામે લાગી ગઇ હતી અને છેલ્લા 24 કલાકમાં 5000 લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં હજી પણ વરસાદના કારણે પાણીના પ્રમાણમાં ઘટાડો ન થયો હોવાના કારણે એનડીઆરએફની પાંચ ટુકડી સહિત એક હેલીકોપ્ટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે.
શુક્રવારે પણ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે શહેરનું તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહ્યું હતું અને ભેજનું પ્રમાણ 97 ટકા જેટલું જોવા મળ્યું હતું. શુક્રવારે પણ વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ભારે વરસાદના પગલે અત્યાર સુધીમાં શહેરને જોડતી લગભગ 69 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે. જોકે, ગુરુવારે સાંજથી વડોદરાનું એરપોર્ટ કાર્યરત થયું હતું.
શહેરના રસ્તા પર મગરો દેખાયા
વડોદરામાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં ઘુસી ગયું હતું અને જેના કારણે મગરો પણ શહેરના રસ્તા પર ફરતા જોવા મળ્યાના અહેવાલ મળ્યા છે.
વાઇરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યા પ્રમાણે, શહેરની એક સોસાયટીના પાણીમાં તરી રહેલા મગરે નજીકમાં ઉભેલા એક કૂતરા પર હુમલો કર્યો હતો. જોકે, અત્યાર સુધી મગરના કારણે કોઇ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું નથી.
Share


