ઓસ્ટ્રેલિયામાં પ્રેફરન્સ વોટિંગ પદ્ધતિ અમલમાં છે. જેમાં મતદારે પોતાને જે સૌથી વધુ પસંદ હોય તેવાથી સૌથી ઓછા પસંદ હોય તેવા ઉમેદવારને ક્રમ આધારિત વોટ આપવાનો હોય છે.
મતદારને આપવામાં આવેલા બેલેટ પેપરમાં ઉમેદવારના નામની બાજુમાં આપેલા બોક્સમાં મતદારે પૌતાને સૌથી વધુ પસંદ હોય તેવા ઉમેદવારના નામની બાજુમાં 1 નંબર અને ત્યાર બાદ અન્ય ઉમેદવારોને પોતાની પસંદગી આધારિત અનુક્રમે 2,3,4 નંબર આપવાના હોય છે.
પ્રથમ પ્રેફરન્સ વોટિંગની ગણતરી સૌ પહેલા થાય છે અને જો કોઇ પણ ઉમેદવાર તેમાં 50 ટકાથી વધુ મત ન મેળવી શકે તો સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવાર સ્પર્ધામાંથી બહાર થઇ જાય છે.
જે ઉમેદવાર સ્પર્ધામાંથી બહાર થઇ જાય છે તેના વોટ બીજા ક્રમથી બાકી રહેલા અન્ય ઉમેદવારોમાં વહેંચાઇ જાય છે.
ઉમેદવારોને સ્પર્ધામાંથી બહાર કરવાની પ્રક્રિયા કોઇ પણ ઉમેદવાર સંપૂર્ણ બહુમત ન મેળવે ત્યાં સુધી ચાલે છે.
ઓસ્ટ્રેલિયન ઇલેક્ટ્રોરલ કમિશનના ઇવાન ઇકીન સ્મિથના જણાવ્યા પ્રમાણે, જો આઠ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હોય તો મતદારે 1થી 8 સુધી પોતાની પ્રાથમિકતાના આધારે તમામ ઉમેદવારને વોટ આપવાના હોય છે. જો મતદારનો સૌથી પસંદગીનો ઉમેદવાર ઓછા વોટના કારણે સ્પર્ધામાંથી બહાર થઇ જાય તો મતદારે આપેલા બીજા ક્રમના ઉમેદવારને ગણતરીમાં લેવાય છે.

Source: AAP Image/Lukas Coch
અને જો તે પણ બહાર થઇ જાય તો તેના વોટ સ્પર્ધામાં બાકી રહેલા ઉમેદવારોમાં વહેંચાય છે. અને, જ્યાં સુધી કોઇ એક ઉમેદવારને સંપૂર્ણ બહુમતી ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે.
ઓસ્ટ્રેલિયન પ્રેફરન્સ વોટિંગ પદ્ધતિમાં મતદારોએ આપેલા તમામ મત ગણતરીમાં લેવાય છે. તેથી તમામ ઉમેદવારોને પોતાની પસંદગી પ્રમાણે ક્રમ આપવો જરૂરી છે.
બે વખત મત ગણતરી
ઓસ્ટ્રેલિયની પ્રેફરન્સ વોટિંગ પ્રક્રિયા મતદારને પોસ્ટ દ્વારા પણ પોતાનો મત આપવાની સુવિધા આપે છે. તેથી ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશન પોસ્ટ હેઠળ આવેલા મતની પણ ગણતરી કરે છે. આ ઉપરાંત, મત ગણતરીમાં કોઇ પણ પ્રકારની ભૂલ થઇ નથી તેની ચોક્કસાઇ કરવા માટે તમામ વોટની બે વખત ગણતરી કરાય છે.
સેનેટ વોટિંગ, મતદાર પાસે બે વિકલ્પ
સેનેટ માટે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ કરતા થોડી અલગ પદ્ધતિ દ્વારા વોટિંગ કરાય છે.
સેનેટ વોટિંગ માટે મતદાર પાસે બે વિકલ્પ હોય છે. લાઇનની ઉપર આપવામાં આવેલી પાર્ટી કે તેના ઉમેદવારની બાજુના બોક્સમાં મતદાર 1 નંબર આપી અથવા તો લાઇનની નીચે આપવામાં આવેલા તમામ ઉમેદવારોને પોતાની પસંદગી પ્રમાણે નંબર દ્વારા વોટ આપી શકે છે.
સેનેટ માટે દરેક રાજ્ય કે ટેરીટરીના કુલ વોટને આધારિત એક ચોક્કસ આંકડો નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે મતદાર રાજ્યમાં રહેતો હોય તો તેણે છ ઉમેદવારને જ્યારે ટેરીટરીમાં રહેતા મતદારે બે ઉમેદવારને પોતાની પસંદગી આધારિત મત આપવાનો હોય છે.
સેનેટની મત ગણતરી
સેનેટમાં મત ગણતરીમાં કોઇ પણ ઉમેદવારે જીતવા માટે નક્કી કરેલા વોટથી વધુ વોટ મેળવવા જરૂરી હોય છે.
જો કોઇ ઉમેદવારને નક્કી કરેલા વોટ કરતા વધુ વોટ મળે તો તે સેનેટ માટે પસંદ થઇ જાય છે પરંતુ તેને જીતવા જરૂરી વોટ કરતા વધુ મળેલા વોટ અન્ય ઉમેદવારોમાં વહેંચાય છે. જેને ટ્રાન્સફર વોટ કહેવાય છે.
આ પ્રક્રિયા બાદ પણ બાકી રહેલા ઉમેદવારમાંથી એક ઉમેદવાર નક્કી કરેલા વોટ કરતા વધુ વોટ ન મેળવી શકે તો અંતિમ ક્રમે રહેલો ઉમેદવાર સ્પર્ધામાંથી બહાર થઇ જાય છે અને તેના વોટ સ્પર્ધામાં રહેલા ઉમેદવારોને વહેંચાઇ જાય છે.

Source: AAP Image/Ellen Smith
આ પ્રક્રિયા જ્યાં સુધી કોઇ પણ ઉમેદવાર જીતવા માટે નક્કી કરેલા વોટ સુધી ન પહોંચે ત્યાં સુધી ચાલુ રહે છે.
સેનેટની મત ગણતરી પણ પ્રેફરન્સ વોટિંગ પદ્ધતિને આધારિત છે. પરંતુ, અહીં નાના પક્ષ તથા સ્વતંત્ર ઉમેદવારોને પણ સેનેટમાં પોતાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે.