ભારત દેશ આજે ૧૫મી ઓગસ્ટે ૭૩મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે વિવિધ શહેરોમાં તેની શાનદાર ઉજવણી થઇ રહી છે. તો, બીજી તરફ ભારત બહાર ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય મૂળના લોકોએ ધ્વજવંદન કરીને દેશની સ્વતંત્રતામાં પોતાનું બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દેશવાસીઓને ૭૩મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી સવારે ૭ કલાકે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી ૭.30 કલાકે લાલ કિલ્લા પર ધ્વજવંદન કરીને દેશને સંબોધિત કરશે.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદનું દેશને સંબોધન
ભારતના સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દેશને સંબોધન કર્યું હતું. ભાષણમાં તેમણે દેશની આઝાદીમાં બલિદાન આપનારા લોકોની સંઘર્ષગાથાને યાદ કરી દેશ આવનારા વર્ષોમાં ઘણી પ્રગતિ કરે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.
ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનનો સંદેશ
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને પણ ભારત તથા ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના લોકોને દેશના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. પોતાના સંદેશમાં તેમણે મહાત્મા ગાંધીના આઝાદીના અહિંસક આંદોલનને યાદ કરી ભારત અને ઓસ્ટ્રેલિયા વિવિધ ક્ષેત્રોમાં પોતાની મૈત્રી વધુ મજબૂત કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન, સિટીઝનશીપ અને મલ્ટિકલ્ચરલ અફેર્સ મિનિસ્ટર ડેવિડ કોલમેને પણ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અપાતા સહયોગને બિરદાવી તેમને દેશના સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી.

Source: Prime Minister's office
ઓસ્ટ્રેલિયાના અન્ય રાજકીય નેતાઓ દ્વારા ભારતના સ્વતંત્રતા દિનની ઉજવણી
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં યોજાયેલા ઇન્ડિયા ડે ફેર ૨૦૧૯માં ગ્રીનવે ક્ષેત્રના મેમ્બર ઓફ પાર્લામેન્ટ મિશેલ રૌલેન્ડ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભારતીય મૂળના લોકો સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી.
મેલ્બર્ન, પર્થમાં ઉજવણી
ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન અને પર્થ શહેરમાં પણ ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેલ્બર્નમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે ધ્વજવંદન કરીને દેશની આઝાદીની લડાઇમાં પોતાનું બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરાયા હતા.
પર્થમાં ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરીને ભારતની વિવિધ સંસ્કૃતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કાર્યરત વિવિધ સમાજની પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. જેમાં ગુજરાતી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને કલ્ચરલ એક્સેલન્સનો એવોર્ડ મળ્યો હતો.

Source: Supplied