ભારતીય એરફોર્સના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના યુદ્ધવિમાનો સાથે થયેલી ઝડપ બાદ હાલમાં પાકિસ્તાનની કસ્ટડીમાં છે.
ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના ફાઇટર જેટ્સ સાથે થયેલી લડતમાં ભારતે પાકિસ્તાનનું એક ફાઇટર જેટ તોડી પાડ્યું છે. જ્યારે ભારતે પોતાનું મીગ-21 વિમાન ગુમાવ્યું છે અને તે લડતમાં સામેલ એક પાઇલટ પાકિસ્તાનના કબજામાં છે.
ઉલ્લેખનીય છે કે ભારતે મંગળવારે પાકિસ્તાનમાં ચાલી રહેલા કથિત "આતંકવાદી કેમ્પ્સ" પર એર સ્ટ્રાઇક કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારના જણાવ્યા પ્રમાણે, "ભારત દ્વારા આતંકવાદનો ખાત્મો કરવાની પ્રક્રિયા બાદ બુધવારે ભારતની સૈન્ય છાવણીઓ પર પાકિસ્તાને પોતાની એરફોર્સ દ્વારા હુમલો કર્યો હતો. જોકે, ભારત અગાઉથી જ સાવચેત હતું અને તેના હુમલાનો જવાબ આપ્યો હતો."
"જેમાં ભારતે પાકિસ્તાનના એક યુદ્ધ વિમાનને તોડી પાડ્યું હતું. જેમાં ભારતે પોતાનું એક મીગ-21 વિમાન ગુમાવ્યું હતું. અને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પોતાની કસ્ટડીમાં લીધો હતો."
પાકિસ્તાન આર્મફોર્સિસના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરના જણાવ્યા મુજબ, "વિંગ કમાન્ડર અભિનંદન સાથે સૈન્યની નૈતિકતા હેઠળ વર્તન કરવામાં આવી રહ્યું છે."
ભારતે વિંગકમાન્ડરને નુકસાન ન પહોંચાડવાની માંગ કરી
ભારતે પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયામાં ભારતીય વિંગકમાન્ડર અભિનંદનનો વીડિયો વાઇરલ કરવાની પ્રવૃત્તિની ટીકા કરી હતી અને પાકિસ્તાનના કાર્યકારી હાઇકમિશ્નનર સાથેની વાતચીતમાં એરફોર્સના પાઇલટને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ભારત પરત મોકલવાની માંગ કરી હતી.
શાંતિવાર્તા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રીની અપીલ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતને બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે માટે શાંતિવાર્તા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
"અમે ફક્ત ભારતને જણાવવા માગતા હતા કે જો તમે પાકિસ્તાનમાં પ્રવેશ કરશો તો અમારી એરફોર્સ પણ ભારતીય સીમામાં ઘુસી શકે છે. અત્યારે સમય છે કે બંને દેશો સમજદારીથી આ સમસ્યાનો ઉકેલ લાવે." તેમ ઇમરાન ખાને જણાવ્યું હતું.
બંને દેશના નાગરિકો દ્વારા શાંતિની અપીલ, #SayNoToWar ટ્વિટર પર ટ્રેન્ડમાં
ભારત તથા પાકિસ્તાન વચ્ચે ઉદભવેલી પરિસ્થિતિ બાદ બંને દેશના નાગરિકો દ્વારા શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા તથા ટ્વિટર પર ભારત અને પાકિસ્તાનના નાગરિકો યુદ્ધ ન થાય તથા બંને વચ્ચે ફરીથી શાંતિ સ્થપાય તે માટે પોતાના મંતવ્યો આપી રહ્યા છે. અને જે અંતર્ગત ટ્વિટર પર #SayNoToWar સાથે પોતાનો સંદેશો લખી રહ્યા છે.
યુનાઇટેડ નેશન્સની શાંતિદૂત મલાલા યુસુફઝાઇએ પણ બંને દેશના પ્રધાનમંત્રીને વર્તમાન પરિસ્થિતિનો યોગ્ય ઉકેલ લાવવા માટે વિનંતી કરી છે.
ઓસ્ટ્રેલિયા ટ્રાવેલ એડ્વાઇઝરી બહાર પાડશે
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેઓ ભારત તથા પાકિસ્તાન વચ્ચે ઉદભવેલી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂર લાગશે તો ભારત અને પાકિસ્તાન જતા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી પણ બહાર પાડશે.
Share



