જમ્મુ કાશ્મીર રાજ્યમાં ભારતીય સેના પર થયેલા હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ભારતીય મૂળના લોકોમાં રોષ પ્રગટ થયો છે. ત્યારે, ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં પણ ભારતીય - ઓસ્ટ્રેલિયન લોકો શ્રદ્ધાંજલિ સભા અને રેલી કાઢી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
સિડનીમાં મંગળવારે તથા બુધવારે વિવિધ સ્થાનો પર શોકસભા તથા રેલીનું આયોજન કરીને ભારતીય મૂળના લોકોએ આ ઘટનાને વખોડી હતી.
મંગળવારે સિડનીના પેરામેટા ખાતે જ્યુબિલી પાર્કમાં ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 700 જેટલા ભારતીય મૂળના લોકોએ ભાગ લીધો હતો અને ઘટનાની નિંદા કરીને જવાનોને યાદ કર્યા હતા.
સિડનીમાં રહેતા અમિત વ્યાસે શોકસભા અંગે SBS Gujarati ને જણાવ્યું હતું કે, "પેરામેટા ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન 33 જેટલી સામાજિક સંસ્થાઓએ સાથે મળીને કર્યું હતું અને તેમાં મોટીસંખ્યામાં ભારતીય મૂળના લોકો જોડાયા હતા."

Indian Australians in Sydney gathered to condemn Pulwama attack Source: Amit Vyas
સભામાં પેરામેટાના ભૂતપૂર્વ મેયર ટોની ઇસા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જુલિયા ફિન, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેફ લીએ પણ હાજરી આપીને ઘટનાને વખોડી હતી.
સભામાં હાજર રહેલા લોકોએ શાંતિમંત્રનું પઠન કરીને જવાનોની તસવીર પર ફૂલ અર્પણ કર્યા હતા.
પાકિસ્તાન કોન્સ્યુલેટને આવેદનપત્ર સોંપ્યું
બુધવારે સિડની સ્થિત ભારતીય મૂળના લોકોએ પાકિસ્તાન એમ્બેસી સુધી રેલી કાઢીને કોન્સ્યુલેટના પ્રતિનિધીને આવેદનપત્ર આપ્યું હતું.
અમિત વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, "બુધવારે 200 જેટલા ભારતીય મૂળના નાગરિકોએ ટાઉન હોલ સ્ટેશનથી પીટ્ટ સ્ટ્રીટ પર આવેલા પાકિસ્તાન કોન્સ્યુલેટ સુધી રેલી કાઢી હતી અને ત્યાં હાજર પ્રતિનિધીને આવેદનપત્ર આપ્યું હતું."
"આ રેલીના આયોજન અંગે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ તથા પાકિસ્તાનના કાઉન્સિલર જનરલને અગાઉથી જ જાણ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી હતી."
આ રેલી માટે 27 જેટલી સામાજિક સંસ્થાઓનું સમર્થન પણ મળ્યું હોવાનું અમિત વ્યાસે ઉમેર્યું હતું.
પાકિસ્તાની સંસ્થાએ વિરોધ વ્યક્ત કર્યો
સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો દ્વારા યોજાઇ રહેલી વિવિધ સભા અને રેલીઓમાં સીધેસીધું પાકિસ્તાનની સરકારને જવાબદાર ઠેરવી પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચારનો વિરોધ કરતો પત્ર પાકિસ્તાની સંસ્થાએ બહાર પાડ્યો હતો.
સંસ્થાએ બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ તમામ કાર્યક્રમો દ્વારા ઓસ્ટ્રેલિયામાં સામાજિક સદભાવના ડહોળાઇ રહી છે અને તે ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિની વિરુદ્ધ છે. જે કોઇ પણ આ પ્રકારના કાર્ય કરી રહ્યા છે તેમની અમે નિંદા કરીએ છીએ.
Share


