જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવે 1983માં લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ભારતને પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડ્યો ત્યારે બેંગલોર, દિલ્લીના ત્રણ નાના બાળકોએ તે પળ બ્લેક એન્ડ વ્હાઇટ ટેલીવિઝનમાં નિહાળી હતી. તે સમયે તેમણે વિચાર્યું પણ નહોતું કે કપિલ દેવની જેમ તેઓ પણ એક દિવસ લોર્ડ્સની ગેલેરીમાં ઉભા રહીને ઇતિહાસ રચશે.
અહીં કોઇ ક્રિકેટરની નહીં પરંતુ વાત કરવામાં આવે ટેલીવિઝન કેમેરામેનની કે જેઓ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મેચમાં પોતાના કેમેરા વડે મેચનું શૂટિંગ કરશે. અને, સમગ્ર વિશ્વ તેમના કેમેરામાં કેદ થયેલી વીડિયો ટેલીવિઝન પણ નિહાળશે.

ત્રણ ભારતીય કેમેરામેન માટે ઐતિહાસિક પળ
ભારત ભલે ફાઇનલમાં ન હોય પરંતુ ત્રણ ભારતીય કેમેરામેન તાકી રઝા, ઐયપ્પા સીજી અને કુમાર નાયડુ લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચનું શૂટિંગ કરી સમગ્ર વિશ્વને તેમની ફૂટેજ પૂરી પાડશે.
વિશ્વના તમામ ખૂણે ક્રિકેટ મેચનું શૂટિંગ
ભારતીય ત્રીપુટીએ અત્યાર સુધી વિશ્વના મોટાભાગના દેશોમાં રમાતી ક્રિકેટ મેચનું શૂટિંગ કર્યું છે. તેમણે SBS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અમારા ત્રણેય માટે ખરેખર યાદગાર અનુભવ રહેશે. કોઇ પણ ભારતીય કેમેરામેને લોર્ડ્સના મેદાન પર ફાઇનલ મેચનું શૂટિંગ કર્યું હોય તેવું અમારા ધ્યાનમાં નથી.
કુમાર નાયડુએ જણાવ્યું હતું કે અમને ખ્યાલ હતો કે, "જો અમને ત્રણેયને લોર્ડ્સ ખાતેની વર્લ્ડ કપની ફાઇનલ મેચનું શૂટીંદ કરવા મળશે તો એ અમારી કારકિર્દીની સૌથી યાદગાર પળ બની રહેશે. અમે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડના મોટાભાગના ગ્રાઉન્ડ્સ પર ડ્યુટી કરી છે પરંતુ લોર્ડ્સ ખાતે રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમારો પ્રથમ અનુભવ બની રહેશે."
સમગ્ર વિશ્વના ક્રિકેટચાહકો તેમના કેમેરામાં કેદ થયેલી ક્ષણો ટેલીવિઝન પણ નિહાળશે તે અંગે તેમણે જણાવ્યું હતું કે, "અમે ક્રિકેટચાહકોને ફાઇનલ મેચની દરેક ક્ષણે બનતી ઘટનાઓ તેમના સુધી પહોંચાડી તેમનો ફાઇનલનો અનુભવ વધુ રોમાંચક બનાવવાનો પ્રયત્ન કરીશું."

Source: Supplied
પાંચ વર્લ્ડ કપમાં કેમેરામેન તરીકે ફરજ બજાવી
ત્રણેય ભારતીય કેમેરામેને તેમનો અભ્યાસ 1994-95ની આસપાસ પૂરો કર્યો અને ત્યારથી અત્યાર સુધી વિશ્વના મોટાભાગના દેશોમાં ક્રિકેટ મેચનું શૂટીંગ કર્યું છે. તાકી અને ઐયપ્પા કુમાર નાયડુ કરતા વધુ અનુભવી છે.
તાકી રઝા અને ઐયપ્પાએ અત્યાર સુધી પાંચ ક્રિકેટ વર્લ્ડ કપ તથા કુમાર નાયડુએ ત્રણ વર્લ્ડ કપમાં કેમેરામેન તરીકે ફરજ બજાવી છે.
કુંબલેની 10 વિકેટ, ભારત વિશ્વ ચેમ્પિયન બનવાની ઘટના કેમેરામાં કેદ કરી
અત્યાર સુધી પોતાના કેમેરામાં કેદ કરેલી ઐતિહાસિક ક્ષણો વિશે વાત કરતા ત્રણેયે જણાવ્યું હતું કે, છેલ્લા મોટાભાગના વર્ષોમાં જે પણ ક્રિકેટના રેકોર્ડ્સ નોંધાયા છે તે સમયે તેમણે તે મેચમાં પોતાની ફરજ બજાવી હોય છે.
- કુંબલેએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતેની ઝડપેલી 10 વિકેટ
- વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનના મુલ્તાનમાં ફટકારેલી ત્રેવડી સદી
- શ્રીલંકાના મુથૈયા મુરલીધરનની 800ની ટેસ્ટ વિકેટ
- 2007માં ભારતીય ક્રિકેટ ટીમ ટી20માં વિશ્વ ચેમ્પિયન બની
- 2011માં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ભારતે વન-ડે વર્લ્ડ કપ જીત્યો
જેવી કેટલીક યાદગાર અને ઐતિહાસિક પળને તેમના કેમેરામાં કેદ કરી છે. ક્રિકેટ સિવાય ત્રણેય કેમેરામેને ફૂટબોલ તથા કબડ્ડીની મેચમાં પણ શૂટીંગ કર્યું છે.

Source: Supplied
સચિન તેંડુલકરની વિદાય ટેસ્ટ સૌથી યાદગાર
સમગ્ર વિશ્વને તેમના કેમેરા દ્વારા ક્રિકેટ મેચનો અનુભવ કરાવનારા કેમેરામેનની પોતાની સૌથી યાદગાર પળ અંગે કુમાર નાયડુએ જણાવ્યું હતું કે સચિન તેંડુલકરે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે પોતાની વિદાય ટેસ્ટ મેચ રમી તે સમયે હું પ્રેક્ષકોના હાવભાવને કવર કરી રહ્યો હતો, તે સમયે તમામની આંખમાં આંસુ હતા.
તાકી તે મેચમાં તેઓ સચિનની બેટિંગને કવર કરી રહ્યા હતા. તાકીએ જણાવ્યું હતું કે, "જ્યારે સચિનના બેટ સાથે અથડાઇને બોલ ફિલ્ડર તરફ ગયો અને સચિન કેચઆઉટ થયા તે સમયે મારું હ્દય એક ક્ષણ માટે બંધ થઇ ગયું હોય એવું લાગ્યું હતું."
સચિન અંતિમ વખત ડ્રેસિંગરૂમમાં જઇ રહ્યા હતા તે સમયે મને અહેસાસ થયો કે હું મહાન ક્રિકેટરને છેલ્લી વખત કેમેરામાં કેદ કરી રહ્યો છું. આજ પછી આ ક્રિકેટરની બેટિંગ મારા કેમેરામાં નહીં ઝડપી શકાય.
14મી જુલાઇ 2019ના રોજ ક્રિકેટ વિશ્વ એક નવો જ વર્લ્ડ ચેમ્પિયન મેળવશે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો ફાઇનલમાં છે, ભારતીય ટીમ સેમિફાઇનલમાં પરાજિત થતા વર્લ્ડ ચેમ્પિયન બનવાની તેમની આશા રોળાઇ ગઇ પરંતુ, રવિવારે લોર્ડ્સ ખાતે ભારતના આ ત્રણેય કેમેરામેન પોતાની ફરજ બજાવીને એક નવો જ ઇતિહાસ નોંધાવશે.