ભારતીય સુપ્રીમ કોર્ટના ચૂકાદા પ્રમાણે હવે બે વયસ્ક લોકો વચ્ચે સંમતિથી થયેલો સમલૈંગિક સંબંધ હવે ગુનો નહીં ગણાય. કોર્ટે ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી) 377માંથી આ પ્રકારના સંબંધને ગુનો ગણવામાં આવતા ભાગને ગેરબંધારણીય જાહેર કર્યો છે.
સજાતીય સંબંધોને અપરાધ માનવાની કલમ 377 વર્ષ 1861થી એટલે કે 158 વર્ષથી પ્રવર્તી રહી હતી તે અંતર્ગત 10 વર્ષની સજાની જોગવાઇ પણ કરવામાં આવી હતી. જેને ભારતીય સુપ્રીમ કોર્ટે રદ કરીને તેને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું ગણાવ્યું હતું.
Image
વયસ્ક સજાતીય સંબંધ અપરાધ નથી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપતા કહ્યું છે કે સજાતીય સંબંધો અપરાધ નથી. બે વયસ્કો પોતાની સંમતિથી સંબંધ બાંધી શકે છે. અલબત્ત બાળકો અને પશુઓ સાથે આવા સંબંધ સખત સજાનો ગુનો માનવામાં આવશે. આ ઉપરાંત બળજબરીથી બનાવવામાં આવેલો સંબંધ પણ કલમ 377 હેઠળ ગુનાની શ્રેણીમાં જ ગણાશે અને તેમાં જન્મટીપ સુધીની સજા થઇ શકે તેમ છે.
26 દેશોમાં સજાતીય સંબંધ ગુનો નથી
સજાતીય સંબંધ બાંધવાએ મોટાભાગના દેશોમાં ગુનો માનવામાં આવે છે પરંતુ વિશ્વના 26 દેશો એવા છે જ્યારે તેને ગુનો ગણવામાં આવતો નથી. ભારત તે યાદીમાં નવું ઉમેરાયું છે. સૌ પ્રથમ વર્ષ 2000માં નેધરલેન્ડ્સ સજાતીય સંબંધોને માન્યતા આપનારો પ્રથમ દેશ બન્યો હતો. જોકે હાલમાં બ્રિટન શાસિત 42 દેશોમાં તેને હજી પણ ગુનો માનવામાં આવે છે.
સમાજમાં સ્વીકૃતિ જરૂરી : માનવેન્દ્રસિંહ ગોહિલ
જાહેરમાં પોતાની સજાતીયતા સ્વીકારનાર રાજવી કુંવર માનવેન્દ્રસિંહ ગોહિલના મતે કલમ 377માં સુધારો થવો તે એક નાનો ફેરફાર છે. તે કાયમી ઉકેલ નથી. પરિવાર તથા સમાજે LGBTQ કમ્યુનિટીને સ્વીકારવા જોઇશે તથા તેમના પ્રત્યેના વલણમાં ફેરફાર લાવવો પડશે. ઉલ્લેખનીય છે કે માનવેન્દ્રસિંહ ગોહિલ ગુજરાતમાં એક LGBTQA સેન્ટરનું નિર્માણ કરી રહ્યા છે જેમાં તે સમાજના લોકોને સામાજિક ટેકો તથા શૈક્ષણિક અને અન્ય પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે.
https://www.instagram.com/p/BnY_WUZgvGZ/
દેશભરમાં ઉજવણી
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેંચે આ સીમાચિન્હ રૂપ ચુકાદો જાહેર કરતાં જ લેસ્બિયન, ગે, ટ્રાન્સ જેંડર અને બાય સેકસ્યુઅલ નાગરિકોએ દેશભરમાં ઉજવણી કરી હતી. આખો દિવસ સોશિયલ મીડિયા શુભેચ્છા અને ખરી લોકશાહી હવે શરૂ થઈ તેવા મેસેજ સાથે ધમધમતું રહ્યું હતું.સુપ્રીમ કોર્ટની બહાર નવી દિલ્હી ખાતે વહેલી સવારથી જ આ કૉમ્યુનિટી મોટી સંખ્યામાં બેનર અને ફ્લેગ લઈને સૂત્રોચ્ચાર સાથે ચુકાદાનો ઈન્તેજાર કરતા હતા જે પછીથી ઉજવણીમાં ફેરવાઈ હતી.
ફિલ્મ ઉદ્યોગે પણ ચુકાદાને આવકાર્યો હતો. કરણ જોહરે ચુકાદાને ઓક્સિજન જણાવ્યો હતો. અભિનેતા આમિર ખાન, આલિયા ભટ્ટ, કરીના કપૂરે પણ ટ્વીટ કરીને ચૂકાદાને આવ્યકાર્યો હતો. જો કે એક વર્ગે આ ચુકાદાને ટીકા કરીને તેને આપણી સંસ્કૃતિના પાશ્ચાત્યકરણ તરીકે મૂલવી હતી.
Share


