આજે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ANZAC DAYની ઉજવણી કરાઇ રહી છે અને સિડની, મેલ્બર્ન, પર્થ સહિતના શહેરોમાં પરેડ દ્વારા સૈન્યબળના બલિદાનને યાદ કરાઇ રહ્યું છે ત્યારે પર્થમાં યોજાયેલી પરેડમાં ઇન્ડિયન તથા ઓસ્ટ્રેલિયન નેવીમાં ફરજ બજાવી ચૂકેલા યુદ્ધ વેટરન અતુલ ગર્ગ, ભારતીય એરફોર્સમાં ફરજ બજાવીને વીર ચક્રનું સન્માન મેળવનારા જગદંબા પ્રસાદ સકલાની સહિત ભારતીય સુરક્ષાબળોના 30 જેટલા ભૂતપૂર્વ અધિકારીઓ, પંજાબ રેજીમેન્ટ તથા તેમના પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.
SBS Gujarati એ ભારતીય એરફોર્સમાં ફરજ બજાવનારા જગદંબા પ્રસાદ સકલાની સાથે વાત કરી હતી.
મૂળ ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ શહેરના જગદંબા પ્રસાદ સકલાની 18 વર્ષની ઉંમરે ઇન્ડિયન એરફોર્સમાં કેડેટ તરીકે જોડાયા હતા . તેમણે જોધપુર ફ્લાઇટ કોલેજ તથા ત્યાર બાદ સિકંદરાબાદ ખાતે વેમ્પાયર ફાઇટર પ્લેન ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી.
વર્ષ 1993થી પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થમાં સ્થાયી થયેલા જગદંબા સકલાનીએ વધુમાં જણાવ્યું હતું કે 1970ના દશકમાં જલંધર પાસે આદમપુર અને લુધીયાણા પાસે અલવારા ખાતે ફાઇટર પ્લેન રખાતા હોવાથી તેમનું પોસ્ટીંગ ત્યાંના એરબેસ ખાતે કરવામાં આવ્યું હતું.
યુદ્ધમાં સૌ પ્રથમ આક્રમણ કર્યું
જગદંબા પ્રસાદ સકલાનીએ તેમની કારકિર્દી દરમિયાન થયેલા યુદ્ધને યાદ કરતા જણાવ્યું હતું કે 4 ડિસેમ્બર 1971ના રોજ ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને સૌ પ્રથમ દિવસે જ ભારતીય યુદ્ધ વિમાનો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
લગભગ 13 દિવસ ચાલેલું યુદ્ધ 17મી ડિસેમ્બરના રોજ પૂરું થયું હતું. જગદંબા પ્રસાદે જણાવ્યું હતું કે, આ સમગ્ર યુદ્ધ દરમિયાન તેમણે 27 જેટલા મિશન પાર પાડ્યા હતા.

Source: Supplied
વીરચક્રનું સન્માન
ભારતીય એરફોર્સમાં ફ્લાઇટ લેફ્ટીનન્ટ તરીકે સેવા આપવા તથા 1971માં થયેલા યુદ્ધમાં બહાદુરી દર્શાવનારા જગદંબા પ્રસાદ સકલાનીને 26 જાન્યુઆરી 1972ના રોજ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વર્તમાન યુદ્ધ ટેક્નોલોજીકલ યુદ્ધ : સકલાની
હાલના સમયમાં થતા યુદ્ધ તથા ભૂતકાળમાં થયેલા યુદ્ધ વચ્ચેના ફર્ક અંગે જગદંબા પ્રસાદે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં થતા યુદ્ધ એ ટેક્નોલોજીકલ યુદ્ધ છે તેમાં દુશ્મનને જોયા વગર રડાર દ્વારા જ આક્રમણ કરવામાં આવે છે.
જ્યારે, ભૂતકાળમાં થયેલા યુદ્ધ આમને-સામને થતા હતા. તેમાં દુશ્મન સામે બાથ ભીડવામાં આવી હતી અને જ્યારે કોઇ સૈનિક સફળતાપૂર્વક પોતાના દેશમાં પરત ફરે ત્યારે દિવાળી જેવો માહોલ લાગતો હતો.

Source: Supplied