ભારતીય મીડિયામાં આવી રહેલા રીપોર્ટ્સ પ્રમાણે ભારતીય એરફોર્સે પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારનારા જૈશ-એ-મોહમ્મદના કેમ્પ્સ પર એર સ્ટ્રાઇક્સ કરી છે.
ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ ગ્રૂપ ભારત પર ફરીથી હુમલો કરવાની તૈયારીમાં હતું એટલે તેમની પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. દેશ પર ખતરો પેદા થાય તેવી સ્થિતિમાં હુમલો કરવો જરૂરી છે."
ભારતીય દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં "કેટલાય ત્રાસવાદીઓ" મૃત્યુ પામ્યા હોવાનું વિજય ગોખલેએ ઉમેર્યું હતું.
બીજી તરફ, પાકિસ્તાનની સેનાએ સ્વીકાર્યું છે કે ભારતીય એરફોર્સના ફાઇટર જેટ્સ દ્વારા પાકિસ્તાનની અવકાશ સીમામાં પ્રવેશ થયો હતો. પરંતુ, પાકિસ્તાની સરંક્ષણદળના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરના જણાવ્યા પ્રમાણે હજી સુધી જાનહાનિના કોઇ સમાચાર આવ્યા નથી.
ભારતના ઘણા માધ્યમોના જણાવ્યા પ્રમાણે, 12 મિરાજ ફાઇટર જેટ્સે ભારતીય સમય પ્રમાણે સવારે 3.30 વાગ્યે જૈશ-એ-મોહમ્મદના બાલાકોટ વિસ્તારમાં આવેલા કેમ્પ્સ પર હુમલા કર્યા હતા. આ વિસ્તાર લાઇન ઓફ કંટ્રોલથી 60 કિલોમીટર દૂર છે.
1999માં એર ઇન્ડિયાના વિમાનનું અપહરણ થયું હતું અને તે સમયે ભારતીય સરકારે જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને છોડ્યો હતો. આ ગ્રૂપે જ પુલવામા થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
ત્યાર બાદ ભારતીય સરકારે પુલવામા ઘટનાનો "વળતો જવાબ" આપવાની ચેતવણી આપી હતી.
ભારત સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ પગલું તેમણે દેશની સુરક્ષા માટે લીધું છે.
કેન્દ્રીય હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે એરફોર્સે દેશની સુરક્ષા માટે એક મહત્વનું પગલું લીધું છે. સુરક્ષાદળોને પ્રધાનમંત્રી દ્વારા સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી અને અત્યારે સમગ્ર દેશ સુરક્ષાદળોની સાથે છે.
આ પ્રથમ વખત નથી કે ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાનના વિસ્તારમાં જઇને હુમલો કર્યો છે. અગાઉ 2016માં પણ ભારતીય સુરક્ષાબળોએ ઉરી ખાતેના કેમ્પ્સ પર હુમલો કર્યો હતો.
Share

