ઝળહળતી પ્રસિદ્ધિ અને કરોડોની કમાણી છોડી ગુજરાતી- ઓસ્ટ્રેલિયન અભિનેત્રી ઈશા સરવાણી હાલમાં સામાજિક જાગૃતિ માટે માટે કામ કરી રહ્યાં છે. અને, તે અંતર્ગત આગામી 16મી ફેબ્રુઆરીએ ઇશા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં સ્થાનિક નૂંગા જાતિ સાથે મળીને Kwongkan નામનો શો કરવાના છે.
ઇશાએ પોતાના શો તથા તેમના જીવન, કારકિર્દી તથા નૃત્ય અંગેના પોતાના પ્રેમ અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.
ઇશાએ શો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, પર્યાવરણ પ્રત્યે નિષ્કાળજીને કારણે આગામી ૫૦ વર્ષમાં શું થશે એ જાણીયે તો ખરેખર ચિંતા થાય છે. પૃથ્વી પર કુદરતી હોનારતોની શક્યતા વધતી ગઇ છે. માણસજાત તથા અન્ય જીવો માટે આગામી સમય મુશ્કેલી ભર્યો બની શકે છે. તેથી જ પર્થમાં યોજાનારા શો દ્વારા લોકોને પર્યાવરણ અંગે જાગૃત થવાની અપીલ કરવામાં આવશે.
Image
ઇશાના માતા ગુજરાતી અને પિતા ઓસ્ટ્રેલિયન
ઇશાની જીવનસફર પણ ઘણી રસપ્રદ રહી છે. તેમના માતા દક્ષા શેઠ ગુજરાતી તથા પિતા ડેવ ઇસારો ઓસ્ટ્રેલિયન છે. તેમનો પરિવાર દિલ્હી, વૃન્દાવન, બેંગ્લોર નજીક અને ત્યારબાદ કેરળમાં સ્થાયી થયો હતો.
બાળપણમાં જ ડાન્સ પ્રત્યે રસ જાગ્યો
ઇશાને નાનપણથી જ ડાન્સ પ્રત્યે રૂચિ હતી. તેમણે બે વર્ષની નાની ઉંમરથી જ ડાન્સ શીખવાનું શરુ કર્યું હતું. ઇશાએ શાળાનો ખૂબ જ ઓછો અભ્યાસ કર્યો હતો. 12 વર્ષની ઉંમરે ઇશાએ અભ્યાસ છોડીને સર્ચ ફોર માય ટંગ, સરપાગટી, ભુખમ અને શિવશક્તિ જેવા પ્રોડક્શનમાં કામ કર્યું હતું.
સતત પર્ફોર્મ કરવાને કારણે ઇશા ઇજાનો ભોગ બન્યા હતા અને તેથી જ તેમણે યોગા અપનાવ્યો હતો.
Image
વિવિધ દેશોમાં શો કર્યા
માતા દક્ષા શેઠની ડાન્સ કંપનીમાં ઇશાએ મુખ્ય ડાન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને તે દરમિયાન તેણે 20થી વધારે દેશોમાં પ્રવાસ કર્યો અને 2500થી વધારે સ્ટેજ શો કર્યા છે. જેમાં 25 આંતરરાષ્ટ્રીય ડાન્સ ફેસ્ટિવલનો સમાવેશ થાય છે.
ઇશાએ નૃત્ય અંગે પોતાના પ્રેમ અંગે જણાવ્યું હતું કે, “પૈસા કે પ્રસિદ્ધિ નહીં પણ નૃત્ય પ્રત્યેની ધગશ, હૃદયનો પવિત્ર પ્રેમ અને પ્રભુ પ્રત્યેની આસ્થાને કારણે નૃત્યને જ કારકિર્દી તરીકે અપનાવી છે.”
જિમ્નેસ્ટિક, માર્શલ આર્ટમાં પણ પારંગત
નૃત્ય ઉપરાંત જિમ્નેસ્ટિક,માર્શલ આર્ટ,યોગા,બેલે,કથક, એરિયલ ડાન્સ જેવી અનેક બાબતો માં ઇશા પારંગત છે. જે. કૃષ્ણમૂર્તિ, બી.કે. આયંગર,ઓશો,સદગુરુ જેવી અનેક વ્યક્તિની ફિલોસોફીનો તેમના ઘડતરમાં ફાળો રહ્યો છે.
Image
ફિલ્મોમાં અભિનય
ઇશાએ બૉલીવુડ અને અન્ય ભાષાની 13 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. ઝલક દિખલા જામાં ભાગ લીધો છે. આ ઉપરાંત, ઇશા અનેક સંસ્કૃતિની રસથી જાણકારી મેળવે છે.
નૃત્ય માટે બોલીવૂડ છોડ્યું
ઇશાએ નૃત્યમાં પોતાની કારકિર્દી ઘડવા માટે બોલીવૂડ તથા ફિલ્મોમાં અભિનય કરવાનું છોડ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે, મેં જ્યારે મુંબઈ છોડ્યું ત્યારે જ મને ખબર હતી કે હું બૉલીવુડથી દૂર થઈશ પણ મેં નૃત્ય પ્રત્યેના પ્રેમ માટે જ બૉલીવુડ છોડ્યું છે. હાલમાં છેલ્લા ત્રણ વર્ષથી હું પર્થ માં રહું છું, કાર્યક્રમ માટે ક્યારેક ભારત જવાનું થાય છે પણ હવે આ શાંત શહેરમાં મારા દીકરા લુકા સાથે રહુ છે અને માતૃત્વ માણું છું.