જાણો કોણછે સ્કોટ મોરિસન
"સ્કોમો" ના હુલામણા નામથી જાણીતા સ્કોટ મોરિસન સિડનીના બ્રોન્ટી વિસ્તારમાંથી આવે છે. તેમના પિતા પોલીસ કમાન્ડર અને સ્થાનિક સરકારમાં કાઉન્સિલર હતા.
સ્કોટે એક બાળકલાકાર તરીકેની પોતાની નાની કારકિર્દીમાં ઘણી બધી ટેલિવિઝન જાહેરાતોમાં કામ કર્યું છે. તેમણે યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સમાંથી એપ્લાઇડ ઇકોનોમિક્સ જીયોગ્રાફી વિષય સાથે હોનર્સ ડીગ્રી મેળવી છે.
હાલમાં 50 વર્ષના સ્કોટે 21 વર્ષની ઉંમરે તેમની બાળપણની મિત્ર જેની સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રીઓ છે.
વર્ષ 2004થી 2006 દરમિયાન તેઓ ટુરિઝમ ઓસ્ટ્રેલિયાના ડાયરેક્ટર પદે રહી ચૂક્યા છે અને ઓસ્ટ્રેલિયન ટુરિઝમ ઇન્ડ્રસ્ટ્રીનો ઘણો પ્રચાર પણ કર્યો હતો.

Australian Federal Treasurer Scott Morrison arrives for a Liberal party room meeting at Parliament House in Canberra. Source: SBS
2007માં કેન્દ્રીય રાજકારણમાં આવ્યા અગાઉ સ્કોટ ચાર વર્ષ સુધી ન્યૂ સાઉથ વેલ્સ લિબરલ પાર્ટીના સ્ટેટ ડાયરેક્ટર પદે રહ્યા હતા. સિડનીના દક્ષિણ ભાગમાં આવેલી કૂક સીટ પરથી તેઓ ચૂંટણી જીત્યા છે અને ત્યાર બાદથી જ તેમણે તે સીટ જાળવી રાખી છે.
શેના માટે જાણિતા છે ?
મોરિસને પોતાની પ્રથમ સ્પીચમાં જ કેવિન રડની ઓસ્ટ્રેલિયાના મૂળનિવાસીઓ સામે માંગેલી માફીની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે આફ્રિકાને મોટી માનવતાવાદી સહાય કરવામાં પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો.
મોરિસને જણાવ્યું હતું કે આફ્રિકાની વર્તમાન પરિસ્થિતિ યુદ્ધ, ગરીબી, રોગચાળો, ભ્રષ્ટાચાર, અન્યાયના કારણે ઉદ્ભવી છે અને તે દુષ્ટતા આગામી આફ્રિકન જનરેશનને નુકસાન કરી રહી છે.

Prime Minister elect Scott Morrison and Deputy leader of the Liberal party Josh Frydenberg leave after a Liberal party room meeting at Parliament House. Source: AAP Image/Lukas Coch
સ્કોટે છેલ્લા એક દશકથી વધારે સમય સંસદ સભ્ય તરીકે વિતાવ્યો છે અને ત્રણ વખત જુદી જુદી રીતે કેન્દ્રીય સરકારમાં કામ કર્યું છે.
કેવી રીતે સ્કોટ મોરિસન પ્રધાનમંત્રી બન્યા
સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યા છે. શુક્રવારે યોજાયેલી પાર્ટીરૂમ મિટીંગ બાદ લિબરલ લીડર સ્કોટને 45 અને પીટર ડટનને 40 મત મળ્યા બાદ તેમને પ્રધાનમંત્રી બનાવવા અંગેનો નિર્ણય લેવાયો હતો.
અગાઉ ભૂતપૂર્વ ગૃહમંત્રી પીટન ડટ્ટને ટર્નબુલની લીડરશીપ સામે પ્રશ્નો ઉભા કરતા ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં છેલ્લા એક અઠવાડિયામાં ઘણી હલચલ જોવા મળી હતી.
શુક્રવારે પાર્ટીરૂમ મિટિંગમાં પ્રધાનમંત્રી બનવા માટેના તમામ ત્રણેય ઉમેદવારોની રેસમાં સૌ પ્રથમ જુલી બિશપ બહાર થઇ ગયા હતા.
અગાઉ માલ્કમ ટર્નબુલે જો સ્પિલ મોશન - પાર્ટીમાં લીડરશીપ સામે પડકાર સફળ થશે તો તેઓ સંસદમાંથી રાજીનામું આપી દેશે એમ જણાવ્યું હતું. હવે તેમની સિડની સીટ માટે ફરીથી ચૂંટણી કરવામાં આવશે અને સરકારને આ સીટ ગુમાવવાનો ભય પણ રહેશે.
ઓસ્ટ્રેલિયાને 11 વર્ષમાં સાતમાં નવા પ્રધાનમંત્રી મળ્યા
છેલ્લા એક દશકમાં ઓસ્ટ્રેલિયામાં લીડરશીપ સામે પડકાર ફેંકવાની પ્રવૃત્તિ સાવ સામાન્ય બની ગઇ છે. જ્હોન હાવર્ડે ચાર મુદત (1996 - 2007) સુધી પોતાનો કાર્યકાળ પૂરો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાને નવા પાંચ પ્રધાનમંત્રી મળ્યા છે.
2007માં લેબર પાર્ટીના કેવિન રડ પ્રધાનમંત્રી બન્યા બાદ 2010માં જુલિયા ગીલાર્ડે તેમનું પદ લીધું હતું. ત્યાર બાદ ફરીથી 2013માં કેવિન રડે સત્તા સંભાળી હતી.

Incumbent Australian Prime Minister Malcolm Turnbull walks with Foreign Minister Julie Bishop after a party meeting in Canberra. Source: REUTERS/David Gray/Pool
વર્ષ 2013માં ટોની એબોટ્ટ સત્તા પર આવ્યા હતા અને સપ્ટેમ્બર 2015માં માલ્કમ ટર્નબુલે એબોટ્ટની લીડરશીપને પડકારીને પ્રધાનમંત્રી પદ મેળવ્યું હતું.