એરક્રાફ્ટના પાંખિયા, જહાજની બોડી, સબમરિન્સ બનાવવાની ક્ષમતા ધરાવતા 3D પ્રિન્ટરનું CSIRO - Titomic દ્વારા મેલ્બોર્નમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેટલ ઉત્પાદન તથા ટેક્નોલોજીની દુનિયામાં આ 3D પ્રિન્ટર એક અદ્દભુત શોધ તરીકે સ્થાન પામ્યું છે.
કંપનીના મુખ્ય અધિકારી જેફ લેન્ગે AAPને જણાવ્યું હતું કે અમારો મુખ્ય ધ્યેય ટીટેનિયમનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા પાસે ટીટેનિયમનો વિશાળ જથ્થો છે અને કેન્દ્રીય સરકારના 2007ના ટીટેનિયમ સ્ત્રોત પર ધ્યાન કેન્દ્રીત કરીને મેટલની ફક્ત નિકાસ જ નહીં પરંતુ તેનો વધુમાં વધુ વપરાશ કરવાની નિતીએ કંપનીનેઆ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી.

એક કલાકમાં 45 કિલોગ્રામની ક્ષમતાથી ઉત્પાદન
આ 40m * 20m જેટલું વિશાળ મશીન અને 9 મીટર લાંબુ, ત્રણ મીટર પહોળું અને 1.5 મીટર ઉંચું મેટલ ઉત્પાદિત કરી શકે છે. લેન્ગે વધુમાં જણાવ્યું હતું કે, "આ 3D પ્રિન્ટર આટલી વિશાળ ક્ષમતા ધરાવવું વિશ્વનું કદાચ પહેલું પ્રિન્ટર છે. તે એક કલાકમાં 45 કિલોગ્રામની ક્ષમતાથી ઉત્પાદન કરી શકે છે. સામાન્ય 3D પ્રિન્ટર 24 કલાકમાં 1 કિલોગ્રામ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે."
આ પ્રિન્ટરની ખાસિયત એ છે કે તેમાં મેડિકલના સાધનો, સાઇકલની ફ્રેમ, ઓટોમોબાઇલ્સ, એરોસ્પેસ તથા સુરક્ષા માટેના મોટાભાગના સાધનોનું ઉત્પાદન થઇ શકે છે. "અગાઉ જે વસ્તુઓનું ઉત્પાદન અશક્ય હતું તે હવે શક્ય બનશે. એેન્જીનીયર્સે ફક્ત સાધનો વિચારીને તેની ડીઝાઇન જ બનાવવાની છે. આ 3D પ્રિન્ટર તેનું ઉત્પાદન કરી આપશે," તેમ લેન્ગે જણાવ્યું હતું.
પિત્ઝાથી લઇને કૂકીઝ અને બર્ગર માટે પણ 3D પ્રિન્ટરનો ઉપયોગ
અમેરિકામાં 3D પ્રિન્ટર દ્વારા પિત્ઝા, કૂકીઝ તથા બર્ગરનું ઉત્પાદન થઇ રહ્યું છે. કેટલીય જગ્યાએ ફાસ્ટફૂડના ઉદ્યોગમાં 3D પ્રિન્ટરનો ઉપયોગ થઇ રહ્યો છે. આ ટેક્નોલોજી દ્વારા તેમાં ફક્ત જે કોઇ પણ વાનગી બનાવવી હોય તેની સામગ્રી નાંખવાની હોય છે અને 3D પ્રિન્ટર તેનામાં રહેલા પ્રોગ્રામનો ઉપયોગ કરીને જે - તે વસ્તુનું ઉત્પાદન કરે છે. વપરાશકર્તા તેમાં જરૂરિયાત પ્રમાણે વસ્તુનો આકાર, ટેસ્ટ તથા અન્ય સાઇઝમાં પણ ફેરફાર કરી શકે છે.

