ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યોની જેમ હવે NSWમાં પણ ગર્ભપાતને કાયદેસર માન્યતા આપવાની હિલચાલ ચાલી રહી છે.
આજે સંસદના નીચલા ગૃહમાં પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઇ ત્યારે ગર્ભપાતના સમર્થકો અને વિરોધીઓએ રાજ્યની સંસદ બહાર મોટા પ્રદર્શનો યોજ્યા હતા.
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ક્વીન્સલેન્ડમાં ગર્ભપાતને ગુનાહિત સંહિતામાંથી દુર કરવામાં આવ્યું તેને પગલે હવે NSW સિવાયના તમામ રાજ્યોમાં ગર્ભપાતને ગુનો ગણવામાં આવતો નથી
૧૪ થી ૨૪ અઠવાડિયાના ગર્ભ માટે ગર્ભપાતની માંગણી કરવી કાયદાની દ્રષ્ટીએ ગુનો નથી.
NSWમાં હાલનો કાયદો
ગુના અધિનિયમ હેઠળ ગર્ભપાત પ્રતિબંધિત હોવા છતાં, NSWની મહિલાઓને ૨૦ અઠવાડિયાના ગર્ભ સુધી ગર્ભપાતની સેવા ઉપલબ્ધ છે. પરંતુ જો તેઓ તેનો ખર્ચ ઉઠાવી શકે અને ડોક્ટર કહે કે ગર્ભાવસ્થા કે બાળકને જન્મ આપવાથી મહિલાના શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચશે.
હાલમાં, ગર્ભાવસ્થાના ૨0-અઠવાડિયા પસાર થઇ ગયા પછી NSWમાં ગર્ભપાતના કોઈ વિકલ્પો નથી.
નવો પ્રસ્તાવિત કાયદો
રાજ્યની સંસદમાં ચર્ચાઈ રહેલો ખરડો આ સમયસીમા ૨૨ અઠવાડિયા સુધી વધારવા માંગે છે. અને ત્યારબાદ પણ જો બે ડોક્ટર સંમત થાય કે ગર્ભાવસ્થા કે બાળકના જન્મથી ગર્ભવતી સ્ત્રીના માનસિક કે શારીરિક સ્વાસ્થ્યને જોખમ છે તો ગમે ત્યારે ગર્ભપાત કરી શકાશે.
ગર્ભપાત વિરોધી જૂથો અને અનેક ખ્રિસ્તી સંગઠનો ઉપરાંતન ગૃહપ્રધાન પીટર ડટન અને ભૂતપૂર્વ નેશનલ પક્ષના નેતા બર્નબી જોઇસ આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે.
ગર્ભપાતને ગુનાહિત સંહિતામાંથી દુર કરવાના પ્રયાસો
આ પહેલીવાર નથી કે NSWની સંસદમાં ગર્ભપાતને ગુનો કરાર કરતો કાયદો બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
૧૦૦ વર્ષથી જેની ચર્ચા NSW રાજ્યની સંસદમાં નહોતી થઇ તે ક્રાઇમ્સ એક્ટમાંથી ગર્ભપાત દૂર કરવા માટેનું બિલ ત્રણ વર્ષ પહેલાં ફેડરલ ગ્રીન્સ સેનેટર મેહરીન ફારૂકીએ (તે સમયે NSWના સેનેટર હતા) રજૂ કર્યું હતું.
આજે NSW સંસદના નીચલા ગૃહમાં ચર્ચાઈ રહેલો પ્રસ્તાવિત કાયદો વિવિધ રાજકીય પક્ષોના ૧૫ સાંસદોએ સહ-પ્રાયોજિત કર્યો છે.
હાલના નિયમ પ્રમાણે જેને ગેરકાયદેસર ગર્ભપાત કહેવાય છે તેવા ગર્ભપાત કરાવનાર સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર #ArrestUs નો ટ્રેન્ડ શરૂ કરી તેમની આપવીતી વહેંચી છે. કયા સંજોગોમાં અને કેવા કારણોસર તેમણે ગર્ભપાત કરાવ્યું તેની અનેક વાતો બહાર આવી છે.
NSWના પ્રીમિયર ગ્લેડીસ બેરેજીક્લીય્ન પ્રસ્તાવને ટેકો આપી રહ્યા છે અને તમામ સાંસદોને પોતાના નૈતિક મુલ્યો મુજબ મત આપવાની છૂટ આપવામાં આવી છે.
More stories on SBS Gujarati

Queensland decriminalises abortion
Share

