કોઈપણ પ્રકારનું કેન્સર વ્યક્તિ માટે ચિંતાનું કારણ છે, ખાસ કરીને મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર ગંભીર સમસ્યા છે. ખુશીની વાત એ છે કે, ઓસ્ટ્રેલિયામાં ગર્ભાશયના મુખના કેન્સર એટલેકે સર્વાઈકલ કેન્સરના દરમાં નોંધ પાત્ર ઘટાડો નોંધાયો છે, જેથી ઓસ્ટ્રેલિયા સર્વાઈકલ કેન્સર નાબૂદ કરનાર વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બની શકે છે.
ઓસ્ટ્રેલિયાના વયસ્કોમાં રસીકરણે મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું સાબિત થતા, ઓસ્ટ્રેલિયા સર્વાઈકલ કેન્સરને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની દિશામાં ખુબ જ આગળ છે. એવી આશા છે કે 20 વર્ષના સમયગાળામાં આ રોગનું ઉન્મૂલન થઇ જશે, જેના લીધે આ પ્રકાર નું કેન્સર "રેર કેન્સર" બનવાની શ્રેણીમાં હશે.
કેન્સર કાઉન્સિલ ન્યુ સાઉથ વેલ્સ દ્વારા કરવામાં આવેલ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સર્વાઈકલ કેન્સરના નિદાનનો દર ઓસ્ટ્રેલિયામાં વિશ્વમાં સૌથી નીચો છે.
કેન્સર કાઉન્સિલ ન્યુ સાઉથ વેલ્સના ડિરેક્ટર ઓફ રિસર્ચ, પ્રોફેસર કરેન કનફેલ જણાવે છે કે, આ પરિણામ પાછળ રાષ્ટ્રીય ધોરણે લાગુ કરેલ HPV રસીકરણ કાર્યક્રમ અને મહિલાઓ માટેની નવી સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટ જવાબદાર છે.
"ઓસ્ટ્રેલિયા વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર છે જ્યાં સર્વાઈકલ કેન્સરને દૂર કરવા ઘણી પહેલ કરવામાં આવી છે જેમકે યુવા મહિલાઓ અને પુરુષોને જાહેર સ્વાસ્થ્ય સેવા કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક HPV રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ગતવર્ષે સર્વાઈકલ કેન્સરના સ્ક્રીનિંગ માટેનો અદ્યતન કાર્યક્ર્મ પણ અમલમાં મુકવામાં આવ્યો છે." - પ્રોફેસર કરેન કનફેલ
આ સંશોધનમાં એવી સંભાવના જણાઈ છે કે, વર્ષ 2022 સુધી સર્વાઈકલ કેન્સરનો દર પ્રતિ એક લાખ મહિલાઓમાંથી 6 મહિલાઓ જેટલો થશે, વર્ષ 2035 સુધી પ્રતિ એક લાખ મહિલાઓમાંથી 4 મહિલાઓ જેટલો થશે અને વર્ષ 2060 સુધી પ્રતિ એક લાખ મહિલાઓમાંથી 1 મહિલાને થશે તેવી શક્યતા છે.
રાષ્ટ્રીય ધોરણે આપતી HPVની રાશિના કારણે બે ખુબ જોખમી પ્રકારના હ્યુમન પૈપીલોમા વાયરસ સામે રક્ષણ મળે છે. જે સર્વાઈકલ કેન્સર પાછળ 70 ટકા કરણભૂત છે.
આ રસીના સહ સંશોધક પ્રોફેસર ઇયાન ફ્રેઝર કહે છે કે, તેઓની આશા કરતા પરિણામો ખુબ જલ્દી થી જાણી શકાયા.
"એ ખુબ સારી વાત છે કે ઓસ્ટ્રેલિયન સરકારે પૈપીલોમા વાયરસ વિરુદ્ધના રસીકરણ કાર્યક્રમને અપનાવ્યો, આથી આ કેન્સરને નિયન્ત્રિત કરવામાં આપણને સફળતા મળી, આ એક સકારાત્મક વાત છે, એક સફળ વાત છે કે કેવી રીતે મડીકલ રિસર્ચ ખરા અર્થમાં બદલાવ આવી શકે છે." - પ્રોફેસર ઇયાન ફ્રેઝર
સર્વાઈકલ કેન્સર અંગે જણાવતા ડો. તલત ઉપલ જણાવે છે કે, સર્વીક્સની જે લાઇન્સ હોય છે, જેનો એક છેડો ગર્ભાશય સાથે જોડાયેલ છે અને અન્ય છેડો યોની સાથે - આ લાઈનોમાં જે બદલાવ આવે છે તે ભાગમાં ઇન્ફેસક્શન થવાની સંભાવના વધુ રહેલ છે. ઘણી મહિલાઓમાં આ ઈન્ફેક્શન કેન્સરનું રૂપ નથી લેતો, પણ આ બાબતે સાવધાની અને જાગૃતિ ની જરૂરત છે.
સર્વીક્સની જે લાઇન્સ હોય છે, જેનો એક છેડો ગર્ભાશય સાથે જોડાયેલ છે અને અન્ય છેડો યોની સાથે - આ લાઈનોમાં જે બદલાવ આવે છે તે ભાગમાં ઇન્ફેસક્શન થવાની સંભાવના વધુ રહેલ છે. ઘણી મહિલાઓમાં આ ઈન્ફેક્શન કેન્સરનું રૂપ નથી લેતો, પણ આ બાબતે સાવધાની અને જાગૃતિ ની જરૂરત છે. - ડો. તલત ઉપલ
ડો.તલત ઉમેરે છે કે, ભારતીય અને ભારતીય સબકોન્ટિનેન્ટ સમુદાયો એ આ કેન્સર અંગે અભિગમ બદલવાની જરૂર છે. સામાન્ય રીતે અન્ય ઇન્ફેક્શન માટે લોકો ડોક્ટરનો સંપર્ક કરે છે, HPV ના કારણે થયેલ ઇન્ફેક્શન અંગે મદદ માંગતા સંકોચ અનુભવે છે.
કેન્સર કાઉન્સિલ ન્યુ સાઉથવેલ્સનાં પ્રોફેસર કેનફેલનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયાને સર્વાઈકલ કેન્સર મુક્ત બનાવવાનું સ્વપ્ન તો જ સાકાર થશે જો રસીકરણ અને સ્ક્રીનિંગ નિયમિત રીતે જારી રહેશે. જેમકે, યુવા દીકરો - દીકરી ધરાવતા વાલીઓને તેમને HPV સામે રક્ષણ આપતી રસી અપાવી જોઈએ અને 25 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓએ દર પાંચ વર્ષે સર્વાઈકલ કેન્સર અંગેનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ.
હાલમાંજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સર્વાઈકલ કેન્સરને નાબૂદ કરવા જરૂરી પગલાં લેવા હાકલ કરવામાં આવી હતી.
આ વિષય પર તજજ્ઞોનું માનવું છે કે, વિકાસશીલ દેશોમાં સર્વાઈકલ કેન્સર વિરુદ્ધ ની રસીની તાતી જરૂરિયાત છે કેમકે આવા દેશોમાં સર્વાઈકલ કેન્સરના લીધે મહિલાઓનો મૃત્યુ દર ઊંચો છે.