ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં સોમવારે સવારે એનિમલ રાઇટ્સ ગ્રૂપ્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શનમાં હાજર રહેલા લોકોએ એનિમલ રાઇટ્સની તરફેણમાં "what do we want? Animal liberation - now!" ના નારા લગાવ્યા હતા. અને ફ્લિન્ડર્સ - સ્વાન્સટ્ન સ્ટ્રીટ વચ્ચેનો ટ્રામ્સ રસ્તો બંધ કરી દીધો હતો.
Image
વિરોધ પ્રદર્શનથી ટ્રાફિક જામ
સોમવારે સવારે મેલ્બર્નના અતિવ્યસ્ત એવા ફ્લિન્ડર્સ સ્ટ્રીટ સ્ટેશન પાસે સેંકડો લોકોએ વિરોધ પ્રદર્શન કરાતાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ કોરિયો, પેકેન્હામ અને બચ્હુસ માર્શ ખાતે આવેલા કતલખાના પાસે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એનિમલ રાઇટ્સ વિશેની ડોક્યુમેન્ટરી બનાવનાર ડાયરેક્ટર ક્રિસ ડેલફોર્સે જણાવ્યું હતું કે પ્રાણીઓ પ્રત્યે જુલમ ગુજારાઇ રહ્યો છે અને તેમની ક્રૃરતાપૂર્વક હત્યા કરાઇ રહી છે. તેના વિરોધમાં આ પ્રદર્શન કરાઇ રહ્યું છે. તેમણે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન દ્વારા પ્રદર્શન કરનારા લોકોને "un-Australian" કહેવાનો પણ વિરોધ કર્યો હતો.
વિક્ટોરિયાના ગીપ્સલેન્ડનું કેફે ધમકીઓ બાદ બંધ
વિક્ટોરિયના પશ્ચિમ ગીપ્સલેન્ડમાં આવેલું ગીપ્પી ગોટ કેફે રવિવારે કાયમ માટે બંધ કરવામાં આવ્યું હતું. કેફેના માલિક જ્હોન અને પેન્ની પોતાના ફેસબુક પેજ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેફેને એનિમલ રાઇટ્સના સમર્થકો દ્વારા સતત 4 મહિનાથી ધમકીઓ મળી રહી હતી. પરિવાર, કેફેમા કામ કરતો સ્ટાફ તથા તેમના પરિવારને પણ લોકોએ હિંસક હુમલાની ધમકી આપી હતી.
આ ઉપરાંત, અમારી સુરક્ષા માટે લેવામાં આવી રહેલા પગલા પણ બિન-અસરકારક રહેતા કેફે બંધ કરી દેવાની ફરજ પડી છે જેનાથી આઠ લોકોએ પોતાની નોકરી પણ ગુમાવી છે.

Source: Abby Dinham
અસામાજિક વ્યવહાર નહીં ચલાવી લેવાય : પોલિસ
વિક્ટોરિયન પોલિસે નિવેદનમાં જણાવ્યું હતું કે લોકોને કોઇ પણ બાબતનો વિરોધ કરવાનો હક છે પરંતુ તેમના દ્વારા કરવામાં આવતા અસામાજિક વ્યવહારને સાંખી લેવામાં આવશે નહીં અને જે કોઇ પણ વ્યક્તિ હિંસક અથડામણમાં જોડાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ન્યૂ સાઉથ વેલ્સના કતલખાનામાં પ્રદર્શનકારીઓની ધરપકડ
ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા કતલખાનામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 9 લોકોની પોલિસે ધરપકડ કરી હતી. ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે જણાવ્યું હતું કે સોમવારે સવારે 2.30 વાગ્યે સધર્ન મીટ્સ ખાતે લોકોએ ચેન બનાવીને વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું.
પોલિસે સવારે 4 વાગ્યે લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ પુરુષ સહિત છ મહિલાઓનો સમાવેશ થાય છે.
Image
પ્રધાનમંત્રીએ વિરોધ પ્રદર્શનને વખોડ્યું
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને સોમવારે સવારે સમગ્ર દેશમાં એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી હતી.
તેમણે 2GB રેડિયોને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, આ ખરેખર શરમજનક છે, અને તે ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિની વિરુદ્ધ છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોની સરકારો વિરોધ પ્રદર્શન સામે પગલાં લેશે તેવી આશા છે.
વિક્ટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેન્ડમાં કતલખાનામાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન બાદ જે-તે રાજ્યોની પોલિસને પગલાં લેવાની ફરજ પડી હતી અને તેમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
Share

