ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયામાં કાયમી સ્થળાંતર કરનાર લોકોની સંખ્યામાં 30 હજારનો ઘટાડો કરવા અંગે વિચારી રહ્યા છે. જેનું મુખ્ય કારણ શહેરોમાં વધતી જતી વસ્તી છે.
તાજેતરમાં જ આપેલા એક ભાષણમાં મોરિસને આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.
"રોડ ભરાઇ ગયા છે અને બસ તથા ટ્રેનમાં પણ જગ્યા મળતી નથી. શાળાઓમાં પણ એડમિશન મળતું નથી. તમારી ચિંતા મને સંભળાય છે, સ્ષષ્ટપણે સંભળાય છે."
ન્યૂ સાઉથ વેલ્સમાં આર્ટ ગેલેરી ખાતે યોજાયેલા 2018 બ્રેડફિલ્ડ ઓરેશનમાં મોરિસને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

વર્ષ 2012-13 દરમિયાન ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશનની સંખ્યા 190,000 કરવામાં આવી હતી. આ તમામ વર્ષો દરમિયાન નક્કી કરેલી સંખ્યાની આસપાસ જેટલું સ્થળાંતર થયું હતું. પરંતુ, વર્ષ 2017-18માં દશકનું સૌથી ઓછું સ્થળાંતર નોંધાયું હતું. તે સમય દરમિયાન ફેમિલી તથા સ્કીલ વિસા હેઠળ કાયમી સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા 163,000 જેટલી હતી.
વડાપ્રધાન મોરિસને જણાવ્યું હતું કે, "રાજ્યોને માઇગ્રેશનના નિયમો ઘડવાની જવાબદારી સોંપવામાં આવી હોવાથી આગામી નાણાકિય વર્ષ દરમિયાન તેની સંખ્યામાં ઘટાડો આવશે."
"જેના કારણે વર્ષ 2017-18 દરમિયાન માઇગ્રેટ થનારા લોકોની સંખ્યા 160,000 જેટલી થઇ હતી અને આ સ્તર જળવાય તેવી આશા છે. આગામી બે વર્ષમાં તેમાં ફેરફાર કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ઇમિગ્રેશન મંત્રી ડેવિડ કોલમેને SBS News ને જણાવ્યું હતું કે, "આગામી વર્ષ માટે માઇગ્રેશનની સંખ્યા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. રાજ્યો તથા જે-તે ઉદ્યોગો સાથે વાતચીત કર્યા બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે."
જૂના મોડેલમાં ફેરફાર કરાશે
વડાપ્રધાન મોરિસને જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકાર વાર્ષિક આંકડો નક્કી કરે તે પહેલા તેઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી તેમના સલાહ સૂચનો મંગાવશે."
"કેનબેરાએ નક્કી કરેલો વાર્ષિક આંકડો હાલની પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય નથી." તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જ તેમની માઇગ્રેશનની જરૂરિયાત તથા ક્ષમતા નક્કી કરી શકે છે અને આ મુદ્દા અંગે આગામી મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે.
દરેક નાણાકિય વર્ષ દરમિયાન સ્થળાંતરના આંકડાનું મૂલ્યાંકન કરીને નવો આંકડો બહાર પાડવામાં આવે છે. ઇમિગ્રેશન મંત્રી ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે, "તેઓ જુલાઇ 2019માં નવી સંખ્યા બહાર પાડવા માટે મૂલ્યાંકન કરી રહ્યા છે."

ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડ્સ બેરેજીક્લિયને જણાવ્યું હતું કે, "સિડનીમાં અત્યારે માળખાગત સુવિધાઓમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે."
બીજી તરફ, પોપ્યુલેશન મંત્રી એલન તુજે આશા વ્યક્ત કરી હતી કે સાઉથ ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા તથા નોધર્ન ટેરેટરીમાં હજી પણ સ્થળાંતરની જરૂર છે.
એબીસી ટીવીને આપેલા એક ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે, "તમામ લોકોને એક જ બાબત લાગુ પડતી નથી."
આપણે વિકસીત થઇ રહેલા રાજ્યોની ક્ષમતા તથા તેમના વિકાસમાં મદદ કરવાની જરૂર છે. જેનાથી મેલ્બોર્ન તથા સિડનીમાં આપણે વધતા જતા સ્થળાંતરના કારણે પડી રહેલી મુશ્કેલીઓ ઓછી કરી શકીએ.

પરંતુ લીડર ઓફ ધ હાઉસ ક્રિસ્ટોફર પાઇન જણાવ્યું હતું કે, "વસ્તી અંગેની નીતિ ચૂંટણીલક્ષી ન હોવી જોઇએ."
સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુંમાં પાઇન કહ્યું હતું કે, "વધતી જતી વસ્તી પર રોક લગાવવાની જરૂર નથી. આપણે એવી નીતિ ઘડવાની જરૂર છે કે જેનાથી 25 મિલિયનથી પણ વધારે લોકોને યોગ્ય રીતે સમાવી શકે."
પ્રધાનમંત્રી મોરિસનના જણાવ્યા પ્રમાણે, "સિડનીમાં વર્ષ 2016-17માં 107,000 જેટલો વસ્તી વધારો નોંધાયો હતો. દર અઠવાડિયે લગભગ 2000 જેટલા લોકો સિડની આવીને વસ્યા હતા. જેમાંથી 90,100 જેટલા લોકો વિદેશથી આવ્યા હતા."
અન્ય કેટલાક રાજ્યો તથા નાના શહેરોમાં લોકોની જરૂરિયાત છે.
વડાપ્રધાન મોરિસને સ્થળાંતર કરનારા લોકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "સ્થળાંતરિત લોકો ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર મજબૂત કરે છે."
2016 સુધીના બે દશકમાં ઓસ્ટ્રેલિયાની વસ્તી છ મિલિયન જેટલી વધી છે. જેમાંથી સ્થળાંતરિત લોકો 54 ટકા જેટલા છે.
ઉલ્લેખનીય છે કે, 25 મિલિયનથી વધારે વસ્તી ધરાવનારું ઓસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોની યાદીમાં 53મા ક્રમે છે.

