ધ નેશનલ્સ, ઓસ્ટ્રેલિયાના રીજનલ અને અંતરિયાળ વિસ્તારોના લોકોના હિત માટે સ્થપાયેલી પાર્ટી છે.
પક્ષના કહેવા પ્રમાણે, દેશના અંતરિયાળ વિસ્તારોમાં મજબૂત અર્થતંત્ર સ્થપાય, પ્રદેશનો વિકાસ થાય તથા આવનારી પેઢીને રોજગારી માટેની વિવિધ તકો મળી રહે તે દિશામાં કાર્ય કરવાનો પાર્ટીનો ઉદ્દેશ્ય છે.
લિબરલ પાર્ટી સાથે નેશનલ્સે ગઠબંધન કર્યું છે.
બંને પાર્ટીઓ વચ્ચે મજબૂત ગઠબંધન છે પરંતુ અમુક યોજનાઓમાં બંને પાર્ટીની પ્રાથમિકતા તેમની વચ્ચેના સંબંધમાં તણાવ ઉભો કરી શકે છે.
લિબરલ પાર્ટીએ હંમેશાં મુક્ત વેપારને મહત્વ આપ્યું છે જ્યારે નેશનલ્સની પ્રાથમિકતા રીજનલ તથા અંતરિયાળ ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રનો વિકાસ થાય તે છે.
યુનિવર્સિટી ઓફ સિડની ખાતે પોલિટીક્સના પ્રોફેસર ડો. સ્ટુવર્ટ જેક્સનના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ભાગમાં આવેલા દુષ્કાળમાં જે વલણ અપનાવ્યું હતું તે આગામી ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.
નેશનલ પાર્ટીએ સરકારમાં રહીને દુષ્કાળની પરિસ્થિતિમાં યોગ્ય કાર્ય કર્યું નથી. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી તેમના મૂળભૂત અધિકાર – રેલવે, બેન્ક, પોસ્ટ ઓફિસની માંગણી કરી રહ્યા છે તે પણ સંપૂર્ણ રીતે સંતોષવામાં આવી નથી. જેની અસર ચૂંટણીમાં થઇ શકે છે.
ડો.જેક્સનનું માનવું છે કે માઇકલ મેકકોર્મક તથા બાર્નબી જોઇસની આગેવાની હેઠળ પાર્ટીએ ઘણું ભોગવવું પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે બાર્નબી જોઇસને ગયા વર્ષે તેમના જ સ્ટાફના સભ્ય સાથેના સંબંધોના કારણે ઉપ-પ્રધાનમંત્રી પદ તથા નેશનલ્સની આગેવાની ગુમાવવી પડી હતી.
બાર્બની જોઇસ તથા માઇકલ મેકકોર્મક વચ્ચે ઘણી વખત વિવાદ ઉભા થયા છે. દેશના ઉપ-પ્રધાનમંત્રી મેકકોર્મેકે આ અંગે જણાવ્યું હતું કે, જોઇસ વારંવાર લોકોને યાદ કરાવે છે કે ચૂંટણી જીતી તેઓ ઉપ-પ્રધાનમંત્રી પદ માટે પસંદ થયા હતા પરંતુ તેમણે રાજીનામું આપી દીધું છે.
બીજી તરફ, માઇકલ જણાવે છે કે, વર્તમાન સમયમાં હું દેશનો ઉપ-પ્રધાનમંત્રી છું અને મારા સાથીદારો સાથે મળીને દેશ તથા અંતરિયાળ ઓસ્ટ્રેલિયાના હિત માટે કાર્ય કરું છું.
યુનિવર્સિટી ઓફ સિડનીના ડો.જેક્સન જણાવે છે કે બાર્નબી જોઇસ તથા અન્ય નેશનલ્સ નેતાઓની સરખામણીમાં માઇકલ મેકકોર્મક પ્રસાર માધ્યમોમાં તથા સામાન્ય નાગરિકોમાં પ્રભાવ પાડી શક્યા નથી. અંતરિયાળ વિસ્તારોના નાગરિકોના પ્રશ્નો અને મુશ્કેલીઓ યોગ્ય રીતે રજૂ થઇ શકતી નથી.
જે મતદારો નેશનલ્સથી નિરાશ છે તેઓ વન નેશન, લેબર પાર્ટી કે સ્વતંત્ર્ય ઉમેદવારોને મત આપી શકે તેમ લાગી રહ્યું છે.
આગીમી 18મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ચૂંટણીમાં નેશનલ્સ તથા લિબરલ પાર્ટી ગઠબંધન દ્વારા ચૂંટણીમાં ઊતરશે.