મેલ્બોર્નમાં રહેતા ભારતીય સમાજે રવિવારે શહેરની પશ્ચિમ બાજુએ રોકબેન્ક વિસ્તારમાં આવેલા શ્રી દુર્ગા મંદિર દ્વારા યોજવામાં આવેલા દશેરાની ઉજવણીમાં ભાગ લીધો હતો. એક અંદાજ પ્રમાણે લગભગ 10 હજાર જેટલા ભારતીય મૂળના લોકો રામલીલા તથા રાવણદહનનો કાર્યક્રમ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
રવિવારે સવારથી યોજાયેલા કાર્યક્રમની શરૂઆત વિવિધ પ્રકારના સાંસ્કૃતિક ડાન્સથી થઇ હતી. જેમાં પંજાબી, મરાઠી સમાજના લોકોએ પોતાના રાજ્યોના ડાન્સ પ્રસ્તુત કર્યા હતા. આ ઉપરાંત લાઇવ બેન્ક દ્વારા બોલીવૂડના ગીતો પર પણ ડાન્સ કરવામાં આવ્યા હતા.
SBS દ્વારા આયોજિત આર્ટવર્ક માટેના બુથમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને રંગપૂરણી કરી હતી જ્યારે કાર્યક્રમ માણવા આવેલા સેંકડો પરિવારોએ SBS ના ફોટો બુથમાં પરિવારનો ફોટો પડાવવાની તક ઝડપી હતી.
દશેરાના કાર્યક્રમની ઉજવણી અંગે મંદિરના પ્રમુખ કુલવંત જોષીએ જણાવ્યું હતું કે બુરાઇ પર સચ્ચાઇના વિજય સમાન આ પર્વને અમે ઘણા વર્ષોથી અહીં ઉજવીએ છીએ. આ વર્ષે પણ દશેરાની શાનદાર રીતે ઉજવણી થાય તે માટે તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી હતી.
બાળકો માટે વિવિધ પ્રકારના ડાન્સ, નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીં ઓસ્ટ્રેલિયામાં જન્મેલા ભારતીય સમાજના બાળકોને હિન્દુ ધર્મના ઇતિહાસનું જ્ઞાન વધે તે માટે રામલીલા પણ ભજવવામાં આવી હતી. બાળકોના મનોરંજન માટે વિવિધ રીતની રાઇડ્સ તથા ભારતીય વાનગીઓ માટે સ્ટોલ્સ પણ બનાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ધ ગ્રેટ ખલી રહ્યો હતો. તેમણે ઉપસ્થિત ભારતીય સમાજના આગેવાનો તથા બાળકોને મળીને તેમની સાથે ફોટોગ્રાફ પડાવ્યા હતા. ધ ગ્રેટ ખલીએ ભારતીય સમાજને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભારતીય તહેવારોની સામૂહિક ઉજવણી ખરેખર પ્રશંસનીય છે. આ રીતની ઉજવણી કરવાથી સમાજના લોકોને એકબીજાને મળવાની તક મળે છે અને બાળકો ભારતીય સંસ્કૃતિ વિશે જ્ઞાન મેળવી શકે છે.
ઉજવણીમાં વિક્ટોરિયન લિબ્રરલ પાર્ટીના નેતા મેથ્યુ ગાય પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ભારતીય સમાજના લોકો આ ઉજવણીમાં સામેલ થયા છે તે ખરેખર અદભુત છે.
કાર્યક્રમનો અંત રાવણદહન તથા 20 મિનિટ સુધી ફટાકડાની શાનદાર આતશબાજી સાથે કરવામાં આવ્યો હતો.
Share

