ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 21થી 24 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની સવિતા કોવિંદ પણ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લઇ રહ્યા છે.
કેનબેરા સ્થિત હાઇ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, ભારતીય રાષ્ટ્રપતિ સિડની તથા મેલ્બોર્નની મુલાકાત લેશે. સિડની ખાતે તેમનું સત્તાવાર રીતે સ્વાગત થશે અને ત્યાર બાદ ગવર્નર જનરલ સર પીટર કોસ્ગ્રોવ સાથે તેમની મુલાકાત થશે.
રાષ્ટ્રપતિ કોવિંદ સિડનીમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને સંબોધન કરશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને રાષ્ટ્રપતિ કોવિંદની ઓસ્ટ્રેલિયા મુલાકાત અંગે આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયા તથા ભારત વચ્ચે ઘણા સમયથી ગાઢ મિત્રતા છે અને હું રાષ્ટ્રપતિ કોવિંદને ઓસ્ટ્રેલિયામાં આવકારું છું."
"કોવિંદ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનશે જે બંને દેશ માટે ઐતિહાસિક ક્ષણ બની રહેશે."
મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ
હાલમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનું વર્ષ ઉજવાઇ રહ્યું છે. તેથી, રાષ્ટ્રપતિ કોવિંદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે 22મી નવેમ્બરના રોજ ન્યૂ સાઉથ વેલ્સના પેરામેટાના જ્યુબિલી પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે.
બંને દેશ વચ્ચે વધુ વ્યાપારિક સંબંધો સ્થાપવાના પ્રયત્નો
ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘણા લાંબા સમયથી વ્યાપારિક સંબંધો સ્થપાયેલા છે. બંને દેશ વચ્ચે વાર્ષિક 19.7 બિલિયન અમેરિકન ડોલરનો વેપાર થાય છે અને તેમાં હજી પણ વધારો કરવાની તક રહેલી છે.
રાષ્ટ્રપતિ કોવિંદ પોતાની મુલાકાત દરમિયાન ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત કરવા ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સિયલ રીવ્યૂ બિઝનેસ ઇવેન્ટમાં હાજરી આપશે.
મેલ્બોર્નમાં ભારતીય વિદ્યાર્થીઓને સંબોધન
રાષ્ટ્રપતિ કોવિંદ પોતાની મેલ્બોર્ન મુલાકાત દરમિયાન વિક્ટોરિયાના ગવર્નર લિન્ડા ડેસ્યુને મળશે તથા યુનિવર્સિટી ઓફ મેલ્બોર્ન ખાતે ભારતીય વિદ્યાર્થીઓને સંબોધન કરશે, ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં લગભગ 70 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.