દશેરના દિવસે રાવણદહનનો કાર્યક્રમ નિહાળી રહેલા લોકો ટ્રેનની નીચે આવી જતા આ ઘટનામાં લગભગ 60 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 100 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના પંજાબના અમૃતસરમાં બની હતી જ્યાં શુક્રવારે રાત્રે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો.
અમૃતસરના ધોબીઘાટ ખાતે લગભગ સાત વાગ્યે બનેલી ઘટનામાં મોટી સંખ્યામાં લોકો રેલવેના ટ્રેક પર ઉભા રહીને નજીકના મેદાનમાં ચાલી રહેલો રાવણદહન નિહાળી રહ્યા હતા. જાલંધરથી અમૃતસર જઇ રહેલી ટ્રેન તેમની પર ફરી વળતા આ ઘટના બની હતી.
ઘટના એટલી ભયંકર હતી કે ઘટના સ્થળે જ કેટલાક લોકોના મૃત્યું નીપજ્યાં હતા. ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અમૃતસરના પોલીસ કમિશ્નર એસએસ શ્રીવાસ્તવે આ અંગે જણાવ્યું હતું કે, "મોટીસંખ્યામાં લોકોના મૃત્યું થયા છે અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. "
ન્યૂઝ એજન્સી IANS ના જણાવ્યા પ્રમાણે ઘટના સ્થળે 300 જેટલા લોકો ઉપસ્થિત હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ ઘટના અગાઉ ઘણા લોકો રાવણદહનનો વીડિયો ઉતારી રહ્યા હતા. તેથી ટ્રેન ફરી વળવાની ઘટના પણ તે વીડિયોમાં જોવા મળે છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયો હ્દયને હચમચાવી મૂકે તેવો છે.
વીડિયોમાં જોવા મળે છે તે પ્રમાણે લોકો રેલવેના ટ્રેક પર ઉભા રહીને રાવણદહન જોઇ રહ્યા હોય છે અને તે વખતે ફટાકડા ફૂટી રહ્યા હોવાના કારણે તેમને ટ્રેક પર ટ્રેન આવી રહી હોવાનો અંદાજ લાગતો નથી અને પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન જેવી તેમની નજીક આવે છે તેઓ ભાગવા લાગે છે પરંતુ કેટલાક લોકો તેની અડફેટે આવી જાય છે.
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના બાદ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, "અમૃતસર ખાતે બનેલી ઘટના ખૂબ જ આઘાતજનક છે. આ ઘટનામાં જે પરિવારોએ પોતાના સભ્યને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્ત થયેલા લોકો જલદીથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરું છું. મેં તમામ અધિકારીઓને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે જણાવ્યું છે."
ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે, ગૃહમંત્રી રાજનાથ સિંઘે પંજાબના ડીજીપી સાથે વાત કરીને તમામ પ્રકારની મદદ પહોંચાડવા માટેનું આશ્વાસન આપ્યું છે અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે એક દિવસનો શોક રાખવાનું નક્કી કર્યું છે અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની અને ઘાયલોને ખાનગી કે સરકારી કોઇ પણ હોસ્પિટલમાં મફતમાં ઇલાજની જાહેરાત કરી છે.
Share

