ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસની કુદરતી આપદાના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ક્વિન્સલેન્ડના ટાઉન્સવિલેમાં ભારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો વિક્ટોરિયા અને તાસ્માનિયાના જંગલોમાં આગ લાગવાના બનાવો બન્યા છે.
પૂર અને બુશફાયર (આગ) ના કારણે સંપત્તિને ભારે નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ હજી પણ વણસી શકે તેમ છે.
ટાઉન્સવિલેમાં સદીનું સૌથી મોટું પૂર
ક્વિન્સલેન્ડના ટાઉન્સવિલેમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યા બાદ હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે, અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હજી પણ 20,000 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જાય તેવી શક્યતા છે.
ઇમરજન્સી સર્વિસના અધિકારીઓ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બોટ્સ અને હેલીકોપ્ટરની મદદથી સલામત સ્થળે ખસેડી રહ્યા છે. રવિવાર રાત્રી સુધીમાં આર્મી, પોલીસ તથા ઇમરજન્સી સર્વિસના અધિકારીઓએ લગભગ 1100 લોકોને તેમના ઘરેથી બચાવ્યા હતા.

A crocodile in front of a Mundingburra residence during flooding in Townsville. Source: AAP Image/Supplied by Erin Hahn
આગામી 24 કલાકમાં પરિસ્થિતિ હજી પણ વણસે તેવી શક્યતા છે.
ભારે વરસાદના પગલે ડેમના દરવાજા તેમની મહત્તમ ક્ષમતા અનુસાર ખોલી દેવાયા છે અને અત્યારે એક સેકન્ડમાં 2000 ક્યુબીક મીટર જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી સર્વિસ અને ક્વિન્સલેન્ડ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને છેલ્લા 24 કલાકમાં 100થી પણ વધારે કોલ્સ મળ્યા છે. જેમાંથી મોટાભાગના કોલ ટાઉન્સવિલેમાં પૂરમાં ફસાયેલા લોકોના હતા.
પૂરના સમયે નદીમાંથી મોટીસંખ્યામાં મગર રહેણાક વિસ્તારમાં ઘૂસી જતા ઇમરજન્સી સેવાના અધિકારીઓએ લોકોને મગર તથા સાપથી સાવચેત રહેવાની સલાહ આપી છે.
ટાઉન્સવિલેમાં વાવાઝોડાની આગાહી
ક્વિસલેન્ડમાં ભારે વરસાદ બાદ ઇમરજન્સી એન્જસીઓ હવામાન પર નજર રાખી રહી છે અને તેમની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વાવાઝોડાની પરિસ્થિતિ પર સર્જાઇ શકે છે.
ટાઉન્સવિલે વિસ્તારની તમામ શાળાઓમાં અત્યારે રજા અપાઇ દેવાઇ છે.
વિક્ટોરિયામાં બુશફાયરથી પરિસ્થિતિ વણસી
વિક્ટોરિયામાં તાપમાન ઠંડુ પડ્યું હોવા છતાં પણ બુશફાયરના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યના દક્ષિણ-પૂર્વી વિસ્તાર વલહાલા, મેઇડેન ટાઉન અને વેસ્ટર્નમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાને પહોંચી જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
વિકઇમરજન્સી વિભાગે રવિવારે જણાવ્યું હતું કે બુશફાયરના કારણે ઘર તથા લોકોની સુરક્ષા સામે ખતરાની સ્થિતિ ઉભી થઇ છે.
ઇમરજન્સી સર્વિસીસ કમિશ્નર એન્ડ્ર્યુ ક્રિસ્પના જણાવ્યા પ્રમાણે, "1000 જેટલા ફાયરફાઇટર્સ પરિસ્થિતિ સામે કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે."
વિક્ટોરિયાના મધ્ય તથા ઉત્તર ભાગમાં પણ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉત્પન્ન થયેલા બુશફાયર સામે લોકોને રક્ષણ આપવા કામે લાગી ગયા છે.

A blaze at Hepburn as the state continues to be ravaged by fires. Source: Wayne Rigg
વરસાદ તથા ઠંડા પવનોના કારણે સોમવારે વિક્ટોરિયાનું તાપમાન 30 ડિગ્રીને આસપાસ રહ્યું હતું. રવિવારે પણ રાજ્યના પૂર્વ ભાગમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાસ્માનિયામાં બુશફાયરથી વધુ બે ઘર નાશ પામ્યા
તાસ્માનિયામાં ઉત્પન્ન થયેલા બુશફાયરના કારણે વધુ બે ઘર નાશ પામતા આંકડો આઠ સુધી પહોંચી ગયો છે.
તાસ્માનિયાની ફાયર સેફ્ટી સર્વિસે સોમવારે જણાવ્યું હતું કે હોબાર્ટના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલી હ્યુઓન વેલીમાં ભારે ગરમી તથા પવનના કારણે લાગેલી આગમાં વધુ બે ઘર બળી ગયા છે.

A large bushfire burning in Tasmania, Australia. Source: AAP Image/Tasmania Parks and Wildlife Service
અત્યાર સુધીમાં હ્યુઓન વેલીમાં પાંચ ઘર બળી ગયા છે જ્યારે સેન્ટ્રલ પ્લેટેયુમાં ત્રણ ઘર બળી ગયા હતા.
તાસ્માનિયાના ગ્રીવેસ્ટોન અને વોટરલૂ વિસ્તારના રહેવાસીઓને આગથી સાવચેત રહેવા માટે ચેતવણી અપાઇ છે.
અત્યાર સુધીમાં 191,000 હેક્ટર જમીન આગની ચપેટમાં આવી ગઇ છે અને હજી પણ 14 સ્થાનો પર આગની ઘટનાઓ બને તેવી શક્યતા છે. તેથી લોકોને સુરક્ષિત સ્થાને જતા રહેવા જણાવાયું છે.
Share

