ગુજરાતી અને હિન્દી સહિત અનેક ભાષાની ફિલ્મ તથા ટીવી સિરિયલ્સમાં ચમકેલાં જાણીતાં ચરિત્ર અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કિડનીની બિમારી સામે ઝઝૂમી રહ્યાં હતા. તેમણે મુંબઇના અંધેરીમાં આવેલી સુજોય હોસ્પિટલમાં 16મી જૂલાઇ મોડી રાત્રે 1.30 કલાકે (ભારતીય સમય અનુસાર) અંતિમ શ્વાસ લીધા હતા.
62 વર્ષનાં રીટા ભાદુરી અત્યારે પણ ટીવી સિરિયલ "નિમકી મુખિયા" માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં હતાં. તેમની તબિયત ખરાબ હોવા છતાં પણ તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ શૂટિંગમાં હાજરી આપતા હતા. જોકે છેલ્લા એક મહિનાથી તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું હતું.
તેમના અંતિમ સંસ્કાર મંગળવારે મુંબઇના અંધેરી - ઇસ્ટમાં આવેલા પારસીવાડા ચકલા ખાતે કરવામાં આવ્યા હતા. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો અને પરિવાજનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રખ્યાત અભિનેતા તથા સાંસદ પરેશ રાવલે ટ્વિટર પર રીટા ભાદુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
રીટા ભાદુરી જન્મે બંગાળી હતા
રીટા ભાદુરીનો જન્મ ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં થયો હતો પરંતુ તેઓ બંગાળી પરિવારમાંથી આવતા હતા. લખનૌમાં જ તેમણે પ્રારંભિક શિક્ષણ લીધું હતું અને ત્યાર બાદ પૂણેની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (FTII)માં અભિનય તથા ફિલ્મ નિર્માણની તાલીમ લીધી હતી.
અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું
રીટા ભાદુરીએ પોતાની ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત એક મલયાલમ ફિલ્મથી કરી હતી. "કન્યાકુમારી" ફિલ્મમાં તેમની સાથે કમલ હસને કામ કર્યું હતું. જે તેની પણ એડલ્ટ એક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ હતી. જોકે તેઓ ગુજરાતની ફિલ્મોમાં વધુ સફળ થયા હતાં. તેમણે "કાશીનો દિકરો", "ઘેર ઘેર માટીના ચૂલા" તથા "ગરવી નાર ગુજરાતણ" જેવી ફિલ્મોમાં અભિયન કર્યો હતો અને તેમના અભિનયની ખાસ્સી પ્રશંસા થઇ હતી. તેમની "જાગ્યા ત્યારથી સવાર" તથા "ચૂંદડીના રંગ"ફિલ્મ પણ હિટ રહી હતી. તેમણે 2012માં સૌ પ્રથમ અર્બન ગુજરાતી ફિલ્મ "કેવી રીતે જઇશ" માં પણ અભિનય કર્યો હતો.
જાણિતા ગુજરાતી અભિનેત્રી આરતી પટેલે પણ ટ્વિટર પર રીટા ભાદુરીના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
તેમની સૌથી ખ્યાતનામ ફિલ્મ "મહિયરની ચૂંદડી" રહી હતી. આ ફિલ્મ પછી તો પાંચથી વધુ ભાષામાં બની જેમાંથી મરાઠી ફિલ્મમાં પ્રમુખ ભૂમિકા રીટા ભાદુરીએ જ ભજવી. મરાઠી ઉપરાંત એમણે બે-બે ભોજપુરી અને બંગાળી ફિલ્મમાં પણ અભિનય આપ્યો હતો.
સતત પાંચ વર્ષ સુધી બેસ્ટ ગુજરાતી અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો
રીટા ભાદુરીએ લગભગ 40 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. તેમણે 70ના દાયકાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમને ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે ઘણું યોગદાન આપ્યું હતું. તેમણે સતત પાંચ વર્ષ સુધી ગુજરાત રાજ્ય તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યો હતો. આ ઉપરાંત લગભગ 40 જેટલી હિન્દી, 2 ભોજપૂરી, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું.
બોલીવૂડ એક્ટર અનિલ કપૂરે રીટા ભાદુરી સાથેના પોતાના અનુભવો અંગે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.
હિન્દી ફિલ્મોમાં સપોર્ટીંગ રોલ કર્યા
રીટા ભાદુરીને હિન્દી ફિલ્મોમાં સપોર્ટીંગ રોલ મળ્યા હતા. જેમાં તેમણે ઉમદા અભિનય કર્યો હતો. બોલીવૂડમાં તેમની મુખ્ય ફિલ્મો 'જુલી', 'ઉધાર કી જિંદગી', 'રાજા', 'બેટા', હીરો નંબર વન', દિલ વિલ પ્યાર બ્યાર' અને 'વિરાસત' રહી હતી. .
મોટા ભાગની ફિલ્મમાં સપોર્ટીંગ રોલમાં ચમક્યાં બાદ એમણે ટીવી સિરિયલ તરફ નજર દોડાવી અને 'કુમકુમ', 'અમાનત', 'ખીચડી', 'એક મહલ હો સપનો કા', 'સારાભાઈ વર્સીસ સારાભાઈ' તથા 'કૃષ્ણાબેન ખાખરાવાલા' સહિતની ધારાવાહિકમાં અભિનય કર્યો હતો. તેઓ હાલમાં 'નિમકી મુખિયા' સિરિયલમાં કામ કરી રહ્યાં હતાં જોકે તબિયત ખરાબ હોવાના કારણે છેલ્લા કેટલાક દિવસથી તેઓ શૂટિંગમાં આવ્યા નહોતા.
Share

