શનિવારથી લાગુ કરવામાં આવનાર નવા માર્ગ સુરક્ષાના નિયમ પ્રમાણે- ઇમરજન્સી (આપાતકાલીન) સેવાના વાહનો જેમકે- પોલીસ, અગ્નિશમન ટ્રક અને એમ્બ્યુલન્સ પાસેથી પસાર થતી વખતે વાહન ચાલકે ગતિ ધીમી કરી 40 કી.મી / કલાક કરવી.
ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં જો વાહન ચાલક આપાતકાલીન વાહનો, જેના પર લાલ કે બ્લ્યુ લાઈટ ફ્લેશ થતી હશે અને પોતાના વાહનની ગતિ ધીમી નહિ કરે તો ભારે દંડ ચૂકવવો પડી શકે છે.
ન્યુ સાઉથ વેલ્સ સરકાર શરૂઆતના 12 મહિના સુધી પ્રાયોગિક ધોરણે આ નિયમ લાગુ કરશે. આ નિયમના કારણે સલામતી અને ટ્રાફીક પર થતી અસરનું મૂલ્યાંકન કરી ન્યુ સાઉથ વેલ્સ પોલીસ, આપાતકાલીન સેવા સંસ્થાનો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરી આ નિયમ કાયમી રીતે લાગુ કરવામાં આવશે.
એક અખબારી યાદી મુજબ, ન્યુ સાઉથ વેલ્સના રોડ સેફટી પ્રમુખ બર્નાર્ડ કાર્લોને જણાવ્યું કે આપાતકાલીન વાહનો જે લોકોને બચાવવા પ્રયત્નશીલ હોય છે, તેઓને માર્ગ પર સુરક્ષા પ્રદાન કરી શકાય અને તેમને કોઈ અકસ્માત ન નડે તે ઉદ્દેશ સાથે આ નિયમ લાગુ કરવા જઈ રહ્યા છીએ.
પોલીસ અને આપાતકાલીન સેવા મંત્રી ટોની ગ્રાન્ટે જાહેર કરેલ નિવેદનમાં જણાવ્યું કે તેઓને વિશ્વાસ છે કે આ નવા નિયમના કારણે આપાતકાલીન સેવા(પુરી પાડનાર) ને અતિરિક્ત સુરક્ષા પ્રદાન કરી શકાશે.
ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારના નિયમ વિક્ટોરિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં છે.
શું છે એક્સપર્ટનો અભિપ્રાય ?
રોડ સેફટી એકેડમીના રોનક શાહ જણાવે છે કે લાગુ થનાર નવો નિયમ માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
"ગતવર્ષે બે અતિ ગંભીર કિસ્સા બન્યા હતા જેમાં એક અગ્નિશમન ટ્રક અને અન્ય વાહન વચ્ચે ટકરાવ થયો હતો અને બીજા કિસ્સામાં પોતાની ડ્યુટી પરના પોલીસ ઓફિસરને વાહને ટક્કર માર્ટા તેઓને ગંભીર ઇજા થયેલ, આપણી સુરક્ષા કરનાર ને સુરક્ષા આપવાના ઉદ્દેશથી આ નિયમ ખુબ મહત્વનો છે. "
નવા નિયમને લઈને સમુદાયમાં જે ટીકા થઇ રહી છે કે - અચાનક વાહનની ગતિ ધીમી કરવી વધુ જોખમી છે, આપાતકાલીન વાહનો માટે ગતિ ધીમી કરતા ટ્રાફિકની સમસ્યા વધશે વગેરે. તેના જવાબમાં રોનક શાહ ઉમેરે છે કે આ નિયમની ટીકા કરનાર ચાલકોએ એ વિચારવું જોઈએ કે આપાતકાલીન પરિસ્થિતિ દરરોજ ઉપસ્થિત નથી થતી. જો વાહન ધીમી ગતિએ હોય તો કદાચ ટક્કર લાગે તો પણ ઇજાની ગંભીરતા ઘટાડી શકાય.
રોનક શાહ સાથે સાથે જણાવે છે કે આ નિયમનો ભંગ જો સ્કૂલ ઝોનમાં કે અમુક ખાસ ઝોનમાં કરવામાં આવે તો વધુ ગંભીર દંડ થઇ શકે છે. પી પ્લેટ ધરાવનાર ચાલકે સ્પિડીંગ અંગે વિશેષ ધ્યાન રાખવું.
યાદ રાખવું
- દરેકની સુરક્ષા માટે, જયારે આપાતકાલીન વાહનો પર લાલ અથવા બ્લ્યુ લાઈટ ફ્લેશ થતી હોય ત્યારે વાહન ચાલકોએ ગતિ 40 કી. મી /કલાક કરવી
- આ નિયમ બંને દિશાઓમાં યાત્રા કરનાર વાહનો પર લાગુ પડે છે, ખાસ કરીને જયારે મધ્યસ્થ રેખા વડે રસ્તાને વિભાજીત કરેલ ન હોય
- આ નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને $448 નો દંડ અને ત્રણ ડીમેરિટ પોંઇટ્સ આપવામાં આવશે