બેન્કિંગ રોયલ કમિશને પોતાના અંતિમ રીપોર્ટમાં બેંક ક્ષેત્રને લોભી કહી તેની સામે આકરો ચુકાદો આપ્યો છે. અને, તેમને ગ્રાહકોના હિત માટે વધુ સારાનિયમો ઘડવાની ભલામણ કરી છે.
કમિશને 24 જેટલા કેસનો આધાર લઇને જવાબદાર નિયામકો સામે વધુ તપાસની માગ કરી છે.
છેલ્લા 12 મહિનામાં લગભગ 68 દિવસની સુનવણી બાદ રોયલ કમિશને પોતાનો અંતિમ રીપોર્ટ આપ્યો છે. જેમાં તેમણે ગ્રાહકો સાથે થઇ રહેલા અન્યાયને ખુલ્લો પાડ્યો છે.
કમિશ્નર કેનેથ હેય્ને પોતાના રીપોર્ટમાં બેન્ક તથા તેનું સંચાલન કરનારા અધિકારીઓને ખોટી પ્રવૃત્તિઓ માટે પૂરેપૂરા જવાબદાર ઠેરવ્યા છે.

Commissioner Kenneth Hayne Source: AAP
તેમણે ઓસ્ટ્રેલિયન સિક્યુરિટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ કમિશન (ASIC) તથા ઓસ્ટ્રેલિયન પ્રોડેન્શિયલ રેગ્યુલેશન ઓથોરિટી (APRA) સહિતની સંસ્થાને વધુ તપાસ માટે 24 જેટલી ભલામણો કરી છે.
કેસમાં વેસ્ટપેક (Westpac) સિવાયની મોટાભાગની બેન્કોમાં નિતી-નિયમોનું ઉલ્લંધન થતું હોવાની સંભાવના વ્યક્ત કરી છે. પરંતુ, તેમણે આ ગુનો આચરનારા વ્યક્તિ કે સંસ્થાના નામ જાહેર કર્યા નહોતા.
માફી માગવાનો સમય પૂરો થઇ ગયો હોવાની વાત કરી, કમિશ્નર હેય્ને ગ્રાહકોના હિત માટે 76 જેટલી ભલામણોની યાદી તૈયાર કરી છે. જેમાથી સૌથી અગત્યની ભલામણ છે ...
- ખેડૂતો સાથે દયાભાવપૂર્વકનું વર્તન કરવાની પણ એક ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેતી લાયક જમીન પર લેવામાં આવતું વ્યાજ દુષ્કાળ તથા રાષ્ટ્રીય આપદાના સમયે નહીં બદલવાની માગ કરાઇ છે.
- સુપરએન્યુએશન અંગે કમિશને, ગ્રાહકોને અનિચ્છાએ વેચવામાં આવતા ઉત્પાદનો તથા કોઇ પણ સલાહ અંગેની ફી તેમના માયસુપર એકાઉન્ટ્સમાંથી બાદ કરવા બદલ પ્રતિબંધની માગ કરી હતી.
- કાર ડીલર્સ હવે નેશનલ કન્ઝ્યુમર ક્રેડીટ પ્રોટેક્શનના કાયદામાંથી છટકી નહીં શકે. ઇન્સ્યોરન્સના વેચાણમાંથી તેમને મળતા કમિશનમાં ઘટાડો થઇ શકે છે.
દેવાદાર મોર્ગેજ બ્રોકરની ફી ચૂકવે , લેણદાર બેંકો નહિ જેથી બ્રોકર બેંકને નહિ તેના ગ્રાહકોને વફાદાર રહી સલાહ આપે.
કેન્દ્રીય સરકારે તમામ 76 ભલામણો પર જરૂરી પગલા લેવાનું વચન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, જે લોકો બેન્કો દ્વારા થયેલી છેતરામણીનો ભોગ બન્યા છે તેમને વળતર પણ અપાશે.
લેબર પક્ષે તમામ ભલામણોનો સ્વીકાર કર્યો છે અને એક કમિટીની રચના કરી તેને લાગૂ કરવાની દિશામાં કાર્ય કરશે.
મે મહિનામાં યોજાનારી ચૂંટણી સુધીમાં સંસદમાં હવે માત્ર 10 જ બેઠક યોજાશે. તેથી આગામી ચૂંટણી માટે બંને પક્ષો કેવી રીતે આ મુદ્દાનો ઉપયોગ કરે છે તે વધુ રસપ્રદ બનશે.
કન્ઝ્યુમર તથા એડ્વોકસી ગ્રૂપ્સે રોયલ કમિશનની ભલામણોને આવકારી છે.
કાઉન્સિલ ઓફ સ્મોલ બિઝનેસના સીઇઓ પીટર સ્ટ્રોંગે અગાઉ રોયલ કમિશનની ભલામણોનો વિરોધ કર્યો હતો. પરંતુ, હવે તેમને લાગે છે કે આ ભલામણો નાના વેપાર માટે લાભદાયી છે.
નિયામક સંસ્થાઓ જેમ કે ઓસ્ટ્રેલિયન પ્રોડેન્શિયલ રેગ્યુલેશન ઓથોરિટી (APRA) અને ઓસ્ટ્રેલિયન સિક્યુરિટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ કમિશન (ASIC) ગ્રાહકો સાથે થયેલી ગેરવર્તણૂક બાબતોના કેસ કે જે અગાઉ બંધ કરવામાં આવ્યા હતા તેને પણ ધ્યાનમાં લેશે.
Share

