સિડની ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે અને તેઓ જાન્યુઆરી 2020માં ભારતની મુલાકાત લેશે.
મોરિસન તેમની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો વિશે ચર્ચા કરશે.
તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ ઓસ્ટ્રેલિયા – ઇન્ડિયા કાઉન્સિલ બોર્ડના વડા અશોક જેકબ સહિતના ગ્રૂપને ભારતની મુલાકાતે લઇ જશે. જેના દ્વારા બંને દેશો વચ્ચેના વેપાર તથા તેમના ઇન્ડિયા ઇકોનોમિક સ્ટ્રેટેજી કાર્યક્રમને એક નવી દિશા મળે.
સ્કોટ મોરિસને ઉમેર્યું હતું કે તેમની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દા પરની ભાગીદારી વધુ મજબૂત બનશે.
જોકે, વડાપ્રધાન મોરિસનની ભારત મુલાકાતની તારીખો નક્કી થઇ નથી. અને વડાપ્રધાન કાર્યાલયે તેમના 26મી જાન્યુઆરીએ ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ થવા અંગે પણ કંઇ ખુલાસો કર્યો નહોતો. ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા પણ ઓસ્ટ્રેલિયા ડેની ઉજવણી કરે છે.
અગાઉ, આ વર્ષે જાપાનમાં યોજાયેલી G20 સમિટમાં વડાપ્રધાન સ્કોટ મોરિસન અને નરેન્દ્ર મોદીની મુલાકાત થઇ હતી અને ત્યાર બાદ મોરિસને હીન્દી ભાષામાં ટ્વિટ પણ કરી હતી.
સિડની ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુરવારે વડાપ્રધાન મોરિસને ભારતની આર્થિક વૃદ્ધિની પ્રશંસા કરી હતી.
જાન્યુઆરી 2020માં ભારતની મુલાકાત વડાપ્રધાન બન્યા પછી સ્કોટ મોરિસનની પ્રથમ મુલાકાત હશે. આ વર્ષના અંતમાં ભારતીય સરંક્ષણ મંત્રી રાજનાથ સિંઘ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે અને ત્યાર બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે તેવી આશા છે.
Share


