ઓસ્ટ્રેલિયા ડેનો અર્થ 19મી શતાબ્દીની શરૂઆતમાં પ્રચલિત થયો હતો અને આજે આ દિવસ રાષ્ટ્ર માટે ઉજવણીનો અવસર છે. ઘણા લોકોનું માનવું છે કે આ ઉજવણી સાથે આ અવસર અહીંના ઇન્ડિજીનીસના ઇતિહાસ અને તેમને આદર આપવાનો પણ છે.
ઓસ્ટ્રેલિયા ડે

26મી જાન્યુઆરી 1788ના રોજ બ્રિટિશ કેપ્ટન આર્થર ફિલીપે પોર્ટ જેક્સન (હાલનું સિડની કોવ) ખાતે બ્રિટીશ ઝંડો લહેરાવ્યો અને અહીં બ્રિટીશ સામ્રાજ્યની ચોકીની ઘોષણા કરી તે દિવસની યાદમાં ઉજવાય છે.
રાષ્ટ્રીય જાહેર રજા

ઓસ્ટ્રેલિયા ડેની જાહેર રજા વર્ષ 1994થી આપવામાં આવે છે, જ્યારથી સમગ્ર દેશમાં આ દિવસની ઉજવણી શરુ કરવામાં આવી. ઘણા લોકો આ દિવસે સામુદાયિક ઇવેન્ટમાં ભાગ લે છે, પરિવાર સાથે બાર્બેક્યૂ કરે છે અને આંગણામાં મિત્રો સાથે ક્રિકેટ રમે છે.
સિટિઝનશીપ સેરેમનીસ

26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં વિવિધ જગ્યા એ નવા નાગરિકોને નાગરિકતા આપતી સિટિઝનશીપ સેરેમની યોજાય છે.ઓસ્ટ્રેલિયન નાગરિક બનનારે દેશ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા માટે પ્રતિજ્ઞા લેવાની હોય છે
આક્રમણ દિવસ

કેટલાક ઓસ્ટ્રેલિયન્સ માટે, ખાસ કરીને એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાય માટે 26 મી જાન્યુઆરી ઉજવણીનો અવસર નથી. તેઓ મને છે કે આ દિવસે તેમની માલિકીની ભૂમિ પર અંગ્રેજોએ આક્રમણ કર્યું હતું અને અહીં સ્થાયી થયા હતા.
શોકનો દિવસ

વર્ષ 1938ના બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપનાની 150મી વર્ષગાંઠે વિલિયમ કૂપર નામના એબોરિજીનલ પ્રોગ્રેસિવ એસોસિયેશનના સભ્ય અને અન્ય કાર્યકર્તાઓએ મળીને શોક દિવસ('Day of Mourning and Protest') મનાવ્યો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ દિવસે ઓસ્ટ્રેલિયાના એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેંડર સમુદાયના ઇતિહાસને, સરકારી નીતિઓના કારણે તેમણે સહન કરેલી પીડાને અને કેટલાય લોકોને તેમની પરંપરાગત ભૂમિથી, સંસ્કૃતિથી દૂર કરી દેવાની ઘટનાને ઓળખવાનો પણ દિવસ માનવામાં આવે છે.
ઇન્ડિજીનીસ સાર્વભૌમત્વ

આક્રમણ દિવસને ઇન્ડિજીનીસ લોકોની સંપ્રભુતાના મુદ્દાને ઉજાગર કરવાની તક તરીકે પણ જોવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં દરવર્ષે ઓસ્ટ્રેલિયા ડેની ઉજવણીના વિરોધમાં અને ઓસ્ટ્રેલિયન ઇન્ડિજીનીસ લોકોની સંપ્રભુતા, હક્કો માટે વિરોધ પ્રદર્શન યોજવામાં આવે છે.
શા માટે તારીખ બદલવી જોઈએ?

26મી જાન્યુઆરીને લઈને ખાસ ચિંતા એ છે કે મોટાભાગના દેશો પોતાની આઝાદી કે અન્ય કોઈ ખાસ દિવસને રાષ્ટ્રીય દિવસ (national day) તરીકે ઉજવે છે જયારે ઓસ્ટ્રેલિયામાં બ્રિટીશ સામ્રાજ્યની શરૂઆતનો દિવસ રાષ્ટ્રીય દિવસ છે.
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવેલા એક સર્વેના તારણ પ્રમાણે, 49 ટકા લોકોનું માનવું છે કે ઇન્ડીજીનસ સમાજ સાથેના અન્યાયના કારણે 26મી જાન્યુઆરીને ઓસ્ટ્રેલિયા ડે તરીકે ન ઉજવવા ઉપરાંત તે દિવસે રાષ્ટ્રીય રજા પણ જાહેર ન કરવી જોઇએ.
26મી જાન્યુઆરીની ઉજવણીમાં ફેરફાર
મેલ્બર્ન સ્થિત યારા સિટી કાઉન્સિલે વર્ષ 2017માં તેમની ઓસ્ટ્રેલિયા ડે ઉજવવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કર્યો હતો. 26મી જાન્યુઆરીને ઓસ્ટ્રેલિયા ડે તરીકે નહીં ઉજવવા ઉપરાંત તે દિવસે કાઉન્સિલે સિટીઝનશિપ સેરેમની પણ રદ કરી હતી. આમ કરનારી તે ઓસ્ટ્રેલિયાની પ્રથમ સ્થાનિક સરકારી સંસ્થા બની હતી.
સર્વાઇવલ દિવસ

કેટલાક એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેંડર લોકો માટે ઓસ્ટ્રેલિયા ડે તેમના લોકો અને સમુદાયના સર્વાઈવલને ઓળખવાનો અવસર છે.
નેશનલ ઓસ્ટ્રેલિયા ડે કાઉન્સિલની સ્થાપના વર્ષ 1979માં કરવામાં આવી હતી. આ કાઉન્સિલ દ્વારા ઘણી ઉજવણીઓને આયોજિત કરવામાં આવે છે, જેમાં ઓસ્ટ્રેલિયન ઓફ ધ યરના પુરસ્કારો પણ સામેલ છે.

